વિધિ માટે ભુવાને પૈસા આપવાનું કહીને નાણાં પડાવ્યા:તંત્ર મંત્રની સાધનાની વિધી કરીને બોયફ્રેન્ડને જીવનમાં લાવી આપવાની વાત કરીને યુવકે યુવતી પાસેથી રોકડ અને દાગીના મળીને 4 લાખ પડાવ્યા

Gujarat6/9/2026, 8:59:04 AM
વિધિ માટે ભુવાને પૈસા આપવાનું કહીને નાણાં પડાવ્યા:તંત્ર મંત્રની સાધનાની વિધી કરીને બોયફ્રેન્ડને જીવનમાં લાવી આપવાની વાત કરીને યુવકે યુવતી પાસેથી રોકડ અને દાગીના મળીને 4 લાખ પડાવ્યા
વડોદરા જિલ્લાના કરજણ ખાતે રહેતી 28 વર્ષીય યુવતીએ વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક યુવક સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપ મુજબ, સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા યુવકે તંત્ર-મંત્રની વિધિ દ્વારા તેના ભૂતપૂર્વ પ્રેમીને જીવનમાં પાછો લાવવાનો વિશ્વાસ અપાવી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મેળવી કુલ રૂ.4.02 લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સપ્ટેમ્બર-2025માં યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જયંત વસાવા નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે લગભગ એક મહિના સુધી સોશિયલ મીડિયા પર વાતચીત ચાલી હતી. ત્યારબાદ મોબાઇલ નંબરની આપ-લે થઈ અને જયંત પ્રવીણભાઈ વસાવા (રહે. કેશલુ ગામ, નિશાળ ફળિયું, તા. આમોદ, જી. ભરૂચ) સાથે વડોદરામાં મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન જયંતે પોતે એક ખાનગી બેંકમાં ફાઇનાન્સર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. યુવતીએ પોતાના અગાઉના પ્રેમ સંબંધ અને બ્રેકઅપ અંગેની વાત તેને કરી હતી. જેથી જયંતે યુવતીને જણાવ્યું હતું કે, તેના સંપર્કમાં એક ભુવો છે, જે તંત્ર-મંત્રની વિશેષ વિધિ કરીને તેના ભૂતપૂર્વ પ્રેમીને ફરી જીવનમાં પરત લાવી શકે છે. યુવકની વાતમાં આવી જઈને યુવતીએ વિધિ માટે યુવકને 30 હજાર રૂપિયા આપ્યા હતા, ત્યારબાદ વધુ રકમની જરૂર હોવાનું કહીને જયંતે યુવતીના મોબાઇલમાં લોન એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને 6 હજાર રૂપિયાની ઓનલાઈન લોન લઈ લીધી હતી અને યુવતીની જાણ બહાર ગૂગલ પે મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ યુવતીને સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી વધુ વિધિ કરવાની વાત કરી હતી. વધુ નાણાં ન હોવાનું જણાવતાં જયંતે યુવતીને સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકીને વિધિ માટે ખર્ચ કરવાની સલાહ આપી હતી. વિધિ પૂર્ણ થયા બાદ દાગીના પરત આપી દેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ યુવતીએ સોનાની બુટ્ટી, ચેઇન, કડીઓ, વીંટી, પેન્ડલ તેમજ ચાંદીના કડા, ચેઇન, કંદોરો સહિતના દાગીના યુવકને આપ્યા હતા. કુલ આશરે રૂ.4.02 લાખ કિંમતના દાગીના અને રોકડ રકમ આરોપીએ મેળવી લીધી હતી. જોકે આજદિન સુધી ન તો દાગીના પરત આપ્યા નથી અને ન તો રકમ પરત કરી છે. આ મામલે યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →