અકોટામાં મોડીરાત્રે ડ્રેનેજ લાઈનનું કામ કરતા શ્રમિકનું મોત:ચક્કર આવતા અંદર પટકાયો, સારવારમાં મોત; સુરક્ષાના સાધનો સામે સવાલો
વડોદરા શહેરમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી વચ્ચે શ્રમિકોની સુરક્ષા અને સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના અકોટાથી દાંડિયા બજારને જોડતા મુખ્ય રસ્તા પર મોડી રાત્રે ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી હતી, તે સમયે એક મજૂરને અચાનક ચક્કર આવતા તે ગટરમાં ખાબક્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોડીરાત્રે 2 વાગ્યે બની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત મોડી રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ બન્યો હતો. અકોટા બ્રિજ પાસે આવેલી 'રજવાડી ચા'ની દુકાન સામે ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. કામગીરી દરમિયાન ત્યાં હાજર શ્રમિકને અચાનક ચક્કર આવી જતાં તે ઊંડી ગટરમાં પડી ગયો હતો. આસપાસના અન્ય શ્રમિકોએ તેને તાત્કાલિક બહાર કાઢીને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેને ગોત્રી જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક પશ્ચિમ બંગાળનો વતની
અકોટા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક યુવક મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને તેનું નામ આરાફુલ સેતાલઅલી હક (ઉં.વ. ૩૭) હતું. તે હાલ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આવેલી હનુમાન દાદાની ગલીમાં રહેતો હતો અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ગંભીર સવાલો
આ ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું કોન્ટ્રાક્ટર દ્વારા આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? રાત્રિના સમયે જોખમી કામગીરી કરતી વખતે શ્રમિકોને પૂરતા સુરક્ષાના સાધનો કેમ આપવામાં આવ્યા નહોતા? અને આ બેદરકારી બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ દ્વારા કોઈ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? શું આટલી મોડી રાત્રે કામગીરી કરવી કેટલી યોગ્ય?
Read Original Article →