માણેજામાં માનસિક બીમારીથી કંટાળી 55 વર્ષીય મહિલાનો આપઘાત:પરિવાર જમવા ગયો ને પંખે ઓઢણી બાંધી ફાંસો ખાઈ લીધો; ડિપ્રેશનની સારવાર ચાલતી હતી

Gujarat5/12/2026, 5:20:40 AM
માણેજામાં માનસિક બીમારીથી કંટાળી 55 વર્ષીય મહિલાનો આપઘાત:પરિવાર જમવા ગયો ને પંખે ઓઢણી બાંધી ફાંસો ખાઈ લીધો; ડિપ્રેશનની સારવાર ચાલતી હતી
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલી અંબિકા નિકેતન સોસાયટીમાં એક 55 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન અને માનસિક તણાવ સામે ઝઝૂમી રહેલી મહિલાએ પરિવારની ગેરહાજરીમાં આ અંતિમ પગલું ભર્યું હતું. મકરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડિપ્રેશનની સારવાર ચાલતી હતી મૃતકની ઓળખ મંજુલાબેન પરમાર તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મંજુલાબેન છેલ્લા ઘણા સમયથી ગંભીર ડિપ્રેશનનો શિકાર હતા અને તેમની મનોચિકિત્સક પાસે સારવાર પણ ચાલી રહી હતી. તેઓ અવારનવાર રડતા હતા અને માનસિક અસ્વસ્થ રહેતા હતા. તાજેતરમાં તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર પણ અપાઈ હતી, પરંતુ માનસિક સંઘર્ષના કારણે તેઓ હતાશામાં હતા. પરિવાર જમવા ગયો અને મહિલાએ જીવન ટૂંકાવ્યું ઘટના બની ત્યારે પરિવારના સભ્યો જમવાનું લેવા માટે બહાર ગયા હતા. આ સમયે મંજુલાબેને રૂમમાં જઈ પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો અને રૂમનો દરવાજો ખોલ્યો, ત્યારે મંજુલાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. તેમને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તે પહેલા જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસ કાર્યવાહી મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પ્રાથમિક તપાસમાં આ પગલું માનસિક બીમારીના કારણે જ ભર્યું હોવાનું ફલિત થાય છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →