લગ્નના 3 મહિનામાં જ શંકાશીલ પતિના ત્રાસ આપ્યો:પતિના વહેમ અને ઘરેલુ ઝઘડાથી કંટાળી યુવતીને આત્મહત્યાના વિચારો કરવા લાગી, અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું
લગ્નને માત્ર ત્રણ મહિના જ થયા હોવા છતાં પતિ અને સાસુ તરફથી મળતા માનસિક તથા શારીરિક ત્રાસના કારણે યુવતી પિયર પરત આવી હતી. સતત તણાવમાં રહેતી યુવતી જમવાનું પણ બંધ કરી દીધું હતું અને વારંવાર આત્મહત્યાની ધમકી આપતી હોવાથી તેના પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. વડોદરા શહેરમાં રહેતી એક મહિલાએ 181 અભયમમાં કોલ કરી જણાવ્યું હતું કે, તેમની દીકરી લગ્ન બાદ કોઈ કારણોસર સાસરેથી પિયર આવી ગઈ છે. દીકરી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય છે, જમતી નથી અને કોઈ સાથે વાતચીત પણ કરતી નથી. સાથે જ વારંવાર પોતાનું જીવન ટૂંકાવી દેવાની વાતો કરતી હોવાથી પરિવાર ચિંતિત બન્યો હતો.
કોલ મળતા જ 181 અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતી તેમજ તેના પરિવારજનો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, લગ્નના ત્રણ મહિનામાં જ પતિ અને સાસુ અકારણ ઝઘડા કરતા હતા. પતિને તેના પર વહેમ હતો કે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરે છે, જેના કારણે તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને કેટલીકવાર મારપીટ પણ કરવામાં આવતી હતી. આ પરિસ્થિતિથી કંટાળીને તે પિયર આવી ગઈ હતી. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, માતા-પિતા તેને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેને એવું લાગતું હતું કે તેની વાત કોઈ સમજી રહ્યું નથી. જેના કારણે તેના મનમાં નકારાત્મક વિચારો આવવા લાગ્યા હતા અને તેને લાગતું હતું કે તે નહી રહે તો કોઈને સમસ્યા નહીં રહે.
અભયમ ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી તેને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવવા સમજાવ્યું હતું. યુવતી ભણેલી હોવાથી તેને નોકરી શરૂ કરવા અથવા આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ઉપરાંત, લગ્નજીવન સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત વિવિધ મહિલા સંસ્થાઓ તથા કાયદાકીય સહાય અંગે માહિતી આપવામાં આવી હતી. અંતે, 181 અભયમની ટીમે યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી સમાધાન કરાવ્યું હતું તેમજ જરૂર પડ્યે આગળ પણ સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
Read Original Article →