પ્રેમસંબંધમાં 30 વર્ષીય પ્રેમીએ 50 વર્ષીય મહિલાની હત્યા કરી:દોઢ મહિના પહેલા સાવલી તાલુકામાંથી કંકાલ મળ્યું હતું, આરોપીની અટકાયત કરવામાં આવી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલી નિલગીરીના ખેતરમાંથી દોઢ મહિના પહેલા મળેલા અજાણી મહિલાના કંકાલના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં 30 વર્ષના પ્રેમીએ સાબરકાંઠાની 50 વર્ષની મહિલાની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરિવારજનો અને સાક્ષીઓની પૂછપરછના આધારે પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલ નાંખ્યો છે અને એક આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. દોઢ મહિના પહેલા મહિલાનું કંકાલ મળી આવ્યું હતું
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલા નિલગીરીના ખેતરમાંથી દોઢ મહિના પહેલા મહિલાનું કંકાલ મળી આવ્યું હતું. જેને પગલે સમગ્ર સાવલી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કંકાલને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને મહિલાની હત્યા કરીને લાશ ખેતરમાં ફેંકી દીધી છે. પાવાગઢે દર્શને ગયા બાદ મહિલા ગુમ થયા હતા
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અંત્રોલીવાસ દોલજી ગામના રહેવાસી દિલીપસિંહ અર્જુનસિંહ પરમાર (ઉ.વ.30) એ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે દિલીપસિંહ ટ્રક ડ્રાઇવિંગ તેમજ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતા અર્જુનસિંહનું બિમારીને કારણે અવસાન થયા બાદ તેમની માતા ભાવનાબેન અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે રહેતા પોતાના ભાઈ ગોપાલભાઈ મગનભાઈ રાઠોડ સાથે રહેતા હત અને કેટરિંગ તથા પ્રવાસોમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા. ગત તા. 11 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે ગોપાલભાઈએ દિલીપસિંહને ફોન કરીને જણાવ્યું હતું કે, ભાવનાબેન તા. 30 માર્ચ 2026ના રોજ પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા, પરંતુ, હજુ સુધી પરત ફર્યા નથી. ત્યારબાદ પરિવારજનોએ વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પરિવારને લાગ્યું હતું કે, ભાવનાબેન પ્રવાસના કામે ક્યાંક ગયા હશે, કારણ કે તેઓ અગાઉ પણ લાંબા સમય સુધી બહાર રહેતા હતા અને મોબાઇલ ફોન ઘણીવાર બંધ રહેતો હતો. તપાસ દરમિયાન દિલીપસિંહની બહેન હીરલે જણાવ્યું હતું કે, ભાવનાબેન તા. 30 માર્ચે તેના ઘરે આવ્યા હતા અને કપડવંજ ખાતે સોની પાસે મૂકેલા ચાંદીના છડા છોડાવવા ગયા હતા. ત્યારબાદ તેઓ પાવાગઢ દર્શન કરવા જવાના હોવાનું કહી નીકળી ગયા હતા. ઘણા દિવસો સુધી કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ સગા-સંબંધીઓ તથા આસપાસના ગામોમાં શોધખોળ ચાલુ રાખી હતી. દરમિયાન ગત તા. 18 મેના રોજ ગોપાલભાઈએ એક વ્યક્તિના મોબાઇલમાં ભાવનાબેનનો ફોટો જોયો હતો, જેમાં “આ સ્ત્રીને કોઈ ઓળખતું હોય તો સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો” તેવું લખાણ હતું. ત્યારબાદ પરિવારજનોએ સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યા થયાનું ખૂલ્યું
પોલીસે પરિવારને બતાવેલા ફોટોગ્રાફ પરથી ભાવનાબેન તથા તેમના કપડાંની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મુવાલ ગામની સીમમાં આવેલા નિલગીરીના ખેતરમાંથી ભાવનાબેનનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની બાજુમાંથી કપડાં, રૂ.1,000 રોકડા ભરેલું પાકીટ, એક ધાતુનો સિક્કો, ચાવી, ચંપલ, હાથની બંગડી અને વીંટી મળી આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ ભાવનાબેન પાસે ઓપ્પો કંપનીનો આછા વાદળી રંગનો મોબાઇલ ફોન તેમજ બે જોડી ચાંદીના છડા હતા, જે સ્થળ પરથી મળી આવ્યા નહોતાં. પરિવારજનોએ જણાવ્યું હતું કે ભાવનાબેન સંપૂર્ણ સ્વસ્થ હતા અને કોઈ માનસિક કે શારીરિક બિમારીથી પીડાતા નહોતા. જેથી કોઈ અજાણ્યા શખ્સે તેમને અવાવરૂ જગ્યાએ લઈ જઈ હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે સાવલી પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સાવલી પોલીસે એક આરોપીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. પ્રેમ પ્રકરણમાં 30 વર્ષના યુવકે 50 વર્ષની મહિલાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
Read Original Article →