વડોદરામાં પતિએ પત્ની પર મેલી વિદ્યા કરી:પતિએ કહ્યું: તમે મારા ભાઈઓને મારી નાખ્યા છે, તેમની આત્માઓ મારી પાછળ ફરે છે, જેથી હું તમને હેરાન કરીશ' મહિલાએ અભયમની મદદ લીધી
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિ દ્વારા કરવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અંતે 181 અભયમની ટીમે મહિલાના પતિને સમજાવી મહિલાને તેમની મરજી મુજબ બાળકો સાથે પિયર જવા દેવામાં આવ્યા હતા. મહિલાએ 181ની મદદથી રાહતનો શ્વાસ લીધો હતો.
181 અભયમની ટીમ બાપોદ વિસ્તારમાં પીડિત મહિલાના ઘરે પહોંચી હતી. ત્યાં મહિલાએ જણાવ્યું હતું કે, તેમના લવ મેરેજ થયેલા છે, પરંતુ લગ્ન બાદથી તેમના પતિ તેમને ઘરમાં પૂરી રાખતા હતા અને બહાર જવા દેતા નહોતા. તેમના પતિ બાળકોને પણ મારઝૂડ કરી હેરાન કરતા હતા. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પતિ અંધશ્રદ્ધા અને મંતર-જંતરમાં વિશ્વાસ રાખે છે. તેઓ મહિલાની ઉપર મેલી વિદ્યા કરતા હતા અને વારંવાર શંકા પણ કરતા હતા. મહિલાના જણાવ્યા મુજબ, પતિ એવું કહેતા હતા કે “તમે મારા ભાઈઓને મારી નાખ્યા છે અને તેમની આત્માઓ મારા પાછળ ફરે છે, તેથી હું તમને હેરાન કરીશ.” પતિના સતત ત્રાસથી કંટાળેલી મહિલાએ પોતાના પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પતિ તેમને જવા દેતા નહોતા. જેના કારણે મહિલાના પિયર પક્ષે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી 181ની ટીમે મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરી અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવા અને પરિવાર સાથે સારો વ્યવહાર કરવા સમજાવ્યું હતું. ટીમે સમજાવ્યું હતું કે આવા વર્તનના કારણે પરિવાર તૂટી રહ્યો છે અને પત્ની તેમજ બાળકો પર તેની નકારાત્મક અસર પડી રહી છે. મહિલા પોતાના પતિ સાથે રહેવા તૈયાર ન હોવાનું જણાવી પોતાના બાળકો સાથે પિયર જવા માંગતી હતી. અંતે 181 અભયમની ટીમે મહિલાના પતિને સમજાવી મહિલાને તેમની મરજી મુજબ બાળકો સાથે પિયર જવા દેવામાં આવ્યા હતા. મહિલાએ 181ની મદદથી રાહતનો શ્વાસ લીધો હતો.
Read Original Article →