પુત્રવધુને બાળક સાથે ઘર બહાર રાખતા અભયમની મદદ માગી:મધ્યપ્રદેશથી વડોદરા પરત આવેલી પુત્રવધુને સસરાએ ઘરમા પ્રવેશ ન આપતા રાત્રે બાળક સાથે રોડ પર બેસવુ પડ્યુ, અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું

Gujarat5/14/2026, 6:35:00 PM
પુત્રવધુને બાળક સાથે ઘર બહાર રાખતા અભયમની મદદ માગી:મધ્યપ્રદેશથી વડોદરા પરત આવેલી પુત્રવધુને સસરાએ ઘરમા પ્રવેશ ન આપતા રાત્રે બાળક સાથે રોડ પર બેસવુ પડ્યુ, અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું
મધ્યપ્રદેશમાંથી પુત્રવધુ વડોદરા શહેરમાં સાસરીમાં આવી હતી, પરંતુ વિખવાદના કારણે પુત્રવધુને તેના સસરાએ ઘરમા પ્રવેશવા દીધી ન હતી. જેના કારણે મહિલાએ બાળક સાથે રાત્રે ઘર બહાર રહેવાની ફરજ પડી હતી. મહિલાએ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું. વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતી મહિલાએ અભયમ ટીમને કોલ કરી ફરિયાદ કરી હતી કે તેના સસરા તેને ઘરમા પ્રવેશવા દેતા નથી. માહિતી મળતા જ અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલાના લગ્નને પાંચ વર્ષ થયા છે અને તેને બે સંતાનો છે. છેલ્લા ત્રણ મહિનાથી મહિલા પોતાના પિયર મધ્યપ્રદેશ ખાતે રહી રહી હતી. મહિલાની માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તે પિયર ગઈ હતી. દરમિયાન બે દિવસ માટે તે પોતાના માસીના ઘરે રોકાઈ હતી, કારણ કે સસરાએ ઘરે આવવાની ના પાડી હતી. પરિવારમાં પતિ-પત્ની વચ્ચે નાના મોટા વિખવાદો ચાલતા હોવાનું પણ સામે આવ્યું હતું. મહિલાના જણાવ્યા મુજબ સસરા તેમની મરજી પ્રમાણે જ રહેવા દબાણ કરતા હતા તેમજ ઉઠવા-બેસવા જેવી બાબતોમાં પણ રોકટોક કરતા હતા. નાની નાની બાબતોમાં મેણા-ટોણા મારવામાં આવતા હતા. બીજી તરફ પતિ દ્વારા છૂટાછેડાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો હતો. રાત્રે મહિલા પોતાના બાળકો સાથે વડોદરા સ્થિત સાસરીમા પરત આવી હતી, પરંતુ સસરાએ તેને ઘરમા પ્રવેશવા દીધી નહોતી. તે સમયે પતિ પણ હાજર હોવા છતાં પત્નીનો પક્ષ લીધો નહોતો. જેના કારણે મહિલા બાળકો સાથે રોડ પર બેસી રહેવા મજબૂર બની હતી. આખરે મહિલાએ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે મહિલાના સસરા અને પતિને સમજાવ્યું હતું કે પુત્રવધુ અને નાના બાળકોને રાત્રે ઘર બહાર રાખવું યોગ્ય નથી. સાથે જ પતિને પત્ની પ્રત્યેની જવાબદારી અને તેના અધિકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ સાસરી પક્ષ મહિલાને બાળકો સાથે ઘરે રાખવા સંમત થતા મામલો શાંતિપૂર્ણ રીતે સમાધાન કરાવ્યુ હતુ.
Read Original Article →