વડોદરામાં યુવતીએ યુવકને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી:યુવતીએ કહ્યું: તાંત્રિક વિધિ કરીને તેની મારી સાથે લગ્ન કર્યા, શારીરિક માનસિક ત્રાસ આપ્યો, ગોરવા પોલીસે મારી ફરિયાદ લીધી નહીં

Gujarat5/24/2026, 6:01:13 AM
વડોદરામાં યુવતીએ યુવકને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી:યુવતીએ કહ્યું: તાંત્રિક વિધિ કરીને તેની મારી સાથે લગ્ન કર્યા, શારીરિક માનસિક ત્રાસ આપ્યો, ગોરવા પોલીસે મારી ફરિયાદ લીધી નહીં
વડોદરામાં યુવકને યુવતીએ થપ્પડ મારતા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે યુવતીએ ગોરવા પોલીસ સામે તેની ફરિયાદ લેવાના આક્ષેપ કર્યા છે અને યુવકે તેની સામે તાંત્રિક વિધિ કરીને લગ્ન કર્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. પતિ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને યુવતીએ અગાઉ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરના કરોડિયા રોડ પર આવેલી ઈશ્વરકૃપા સોસાયટી માં રહેતા પાર્થ અશોકભાઈ રોહિત (ઉ.વ.28)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજદાર ઉર્વશી દ્વારા તેમની તથા અન્ય લોકો વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને નિવેદન માટે તેમને ઇલોરાપાર્ક પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પાર્થ રોહિત પોતાના મિત્રો કૃણાલ ચંદુભાઈ ગોહિલ, આકાશ લાલાભાઈ રોહિત તેમજ તેમની માતા પદ્માબહેન અને બહેન તોષાબેન સાથે બપોરના સમયે ઇલોરાપાર્ક ચોકી ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન અરજદાર ઉર્વશી નાઈ પણ ચોકી ખાતે હાજર હતી. ઉર્વશીએ પાર્થ સાથે ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં પોતાના ઓળખીતાઓ મનીષ રાઠોડ, આશીફ ઉર્ફે મુચ્છડ અને સબો નામના વ્યક્તિઓને ત્યાં બોલાવ્યા હતા. ઉર્વશી નાઈએ ઉશ્કેરાઈ જઈ પાર્થને જાહેરમાં થપ્પડ મારી હતી. ત્યારબાદ ત્યાં આવેલા ત્રણેય શખ્સોએ પાર્થને ધમકી આપી હતી કે, “ઉર્વશી પાસેથી લીધેલા રૂપિયા પરત આપી દેજે, નહીં તો જાનથી મારી નાખીશું.” આ દરમિયાન પાર્થ સાથે આવેલા મિત્રો તથા ચોકીમાં હાજર પોલીસ સ્ટાફ દોડી આવતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જતા જતાં આરોપીઓએ પાર્થને હવે ગોરવામાં રહેવું ભારે પડી જશે, તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ગોરવા પોલીસે યુવતી સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવતી ઉર્વશીએ યુવક સામે આક્ષેપ કર્યા છે કે, એક્સિસ બેંકમાં નોકરી કરતી વખતે તેની મિત્રતા પાર્થ રોહિત નામના યુવક સાથે થઈ હતી. મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને પાર્થે અગાઉ યુવતી પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી, ત્યારબાદ યુવતીએ જ્યારે પૈસાની પાછા માંગ્યા, ત્યારે પાર્થે તેની સામે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ વારંવાર ના પાડવા છતાં, પાર્થ રોહિતે તાંત્રિક વિધિઓનો આશરો લીધો હતો. નડિયાદના તાંત્રિકના માધ્યમથી વિધિઓ કરાવીને યુવતીને લગ્ન કરવા માટે મજબૂર કરી હતી. લગ્ન બાદ તેને સાડા ત્રણ મહિના સુધી ઘરમાં બંધક બનાવીને રાખી હતી. આ દરમિયાન તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને યુવતીએ અગાઉ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે, "હું છેલ્લા દોઢ વર્ષથી ન્યાય માટે લડી રહી છું. મે 7 જેટલી અરજીઓ કરી છે, પરંતુ હજી સુધી મને કોઈ ન્યાય મળ્યો નથી. ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ લાઠિયા સાહેબ તરફથી પણ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓએ મારી ફરિયાદ નોંધી હતી. યુવતીએ પોલીસ પ્રશાસનને વિનંતી કરી છે કે આરોપી પાર્થ રોહિત સામે ફરિયાદ કરવામાં આવે અને તેને યોગ્ય ન્યાય અપાવવામાં આવે.
Read Original Article →