પરિણીતા પર દહેજ માટે અત્યાચાર:વડોદરામાં દીકરીના જન્મ બાદ સાસરીયાએ ત્રાસ આપ્યો, કહ્યું: દીકરો નહીં જન્મે તો પતિના બીજા લગ્ન કરાવશે, પરિણીતાનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ તથા સાસરીયાઓ દ્વારા વારંવાર દહેજ પેટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ પણ સાસરીયાઓએ દીકરાની માંગણી કરી હતી અને દીકરી જન્મતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. જો દીકરો નહીં જન્મે તો પતિ બીજા લગ્ન કરશે તેવી ધમકી પણ આપતા હતા. જેથી પરિણીતાએ પતિ તથા સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી મહિલાએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના લગ્ન 24 જાન્યુઆરી 2022ના રોજ અંકલેશ્વરના યુવક સાથે ઈસ્લામિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના 4 મહિનામાં ઘરેલુ જીવન સામાન્ય રહ્યું હતું, પરંતુ ત્યારબાદ સાસુ, જેઠાણી અને નણંદ દ્વારા ઘરકામ બાબતે વારંવાર મેણાં ટોણાં મારવામાં આવતા અને અપમાન કરવામાં આવતું હતું. તેને ઘરકામમાં ખામીઓ કાઢીને અપમાનિત કરવામાં આવતી તેમજ પગ દબાવવા જેવી બાબતો માટે દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત પતિ દ્વારા પણ પત્નીનો સાથ આપવાના બદલે સાસરીયાઓનો પક્ષ લેવાતો હતો અને વારંવાર દહેજ પેટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ પણ સાસરીયાઓએ દીકરાની માંગણી કરી હતી અને દીકરી જન્મતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. તા.9 જાન્યુઆરી 2023ના રોજ વડોદરાની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થયો હતો, છતાં સાસરીયાઓએ દીકરીને સ્વીકારવા બદલે યુવતીને અપમાનિત કરી હતી. જો દીકરો નહીં થાય તો પતિના બીજા લગ્ન કરવામાં આવશે ત્યારબાદ યુવતી પર વારંવાર દબાણ કરવામાં આવતું હતું. યુવતીએ વધુમાં જણાવ્યું છે કે સાસરીમાં રહેવા દરમિયાન તેના પર અનેક વખત શારીરિક હુમલા કરવામાં આવ્યા હતા. એક ઘટનામાં સાસુ, સસરા, પતિ અને સાસરીયાઓ મળીને યુવતીને માર માર્યો હતો તેમજ ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી. પતિ દ્વારા જબરદસ્તી કોઈ દ્રવ્ય પીવડાવ્યાનો પણ આરોપ છે. આ બધાની વચ્ચે યુવતીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. હાલ યુવતી માતા-પિતાના ઘરે રહે છે અને તેની દીકરી સાસરીયાઓ પાસે છે. આ મામલે યુવતીએ અગાઉ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને કોર્ટ કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સમાધાન ન થતા હવે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. યુવતીએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદ વિરુદ્ધ દહેજની માંગણી, શારીરિક તથા માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીના આરોપો લગાવીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →