કેનેડામાં પરિણીતાને પતિ અને સાસરીયાનો ત્રાસ:PR માટે 2 લાખ યુએસ ડોલર માગ્યા, ઘરમાંથી કાઢી મૂકતા વિદેશથી વડોદરા આવી; યુવતીની ફતેગંજ પોલીસમાં ફરિયાદ
વડોદરા શહેરની 30 વર્ષીય યુવતીએ પતિ, સાસુ અને સસરા સામે માનસિક ત્રાસ, દહેજની માંગણી, ઘરેણાં પડાવી લેવાના તેમજ છેતરપિંડીના આક્ષેપો સાથે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના જણાવ્યા મુજબ લગ્ન બાદથી જ તેને ઘરકામ અને અન્ય બાબતોને લઈને સતત અપમાનિત કરવામાં આવતી હતી. કેનેડા પહોંચ્યા પછી પણ પતિએ 2 લાખ US ડોલરની માંગણી કરી હતી અને અંતે છૂટાછેડાની નોટિસ મોકલી ઘરમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન બાદ સાસુ-સસરાએ તમામ દાગીના લઈ લીધા
વડોદરાની રહેવાસી યુવતીના લગ્ન આણંદ ખાતે રહેતા મહર્ષિ નામના યુવક સાથે બંને પરિવારોની સંમતિથી થયા હતા. લગ્ન સમયે યુવતીના પિતાએ ચાંદી અને સોનાના કિંમતી દાગીના સહિતનો કરિયાવર આપ્યો હતો. લગ્ન બાદ સાસુ અને સસરાએ આ તમામ દાગીના લોકરમાં રાખવાના બહાને પોતાની પાસે લઈ લીધા હતા. પતિ તેને પસંદ ન કરતો હોવાની વાત કરી હતી
લગ્નના એક અઠવાડિયામાં જ પતિ તેમજ સાસરીયાઓએ ઘરકામ બાબતે મહેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. પતિએ તેને પસંદ ન હોવાની વાત કહી હતી અને માતા-પિતા વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. લગ્નના થોડા દિવસો બાદ પતિ કેનેડા અને સાસુ-સસરા અમેરિકા જતા રહ્યા હતા, જ્યારે પરિણીતા પોતાના પિયરમાં રહેવા આવી ગઈ હતી. પરિણીતા સ્વ ખર્ચે ફેબ્રુઆરીમાં કેનેડા પહોંચી
આ દરમિયાન પતિએ કેનેડા બોલાવવા માટે વિઝાની પ્રક્રિયા શરૂ કરી હતી, ત્યારબાદ ડિસેમ્બર 2025માં વિઝા મળ્યા બાદ પરિણીતા પોતાના ખર્ચે ટિકિટ કરાવીને ફેબ્રુઆરી 2026માં કેનેડા પહોંચી હતી. જોકે, ત્યાં પહોંચ્યા બાદ પતિ તેને પોતાના ઘરે લઈ જવાને બદલે બહેનના ઘરે રાખતા હતા. કેનેડામાં પતિ સતત ઘરકામ અને અંગ્રેજી ભાષા અંગે અપમાનિત કરતા હતા. આ ઉપરાંત, કેનેડાના PR અપાવવા માટે પિતાને 2 લાખ US ડોલરની માંગણી કરતા હતા. લગ્ન પહેલાં પતિએ પોતાની પાસે અમેરિકાનો બિઝનેસ વિઝા હોવાની વાત કરી હતી, જોકે બાદમાં જાણવા મળ્યું કે તેમની પાસે માત્ર કેનેડાની રેસિડેન્ટ સ્ટેટસ હતી. સોનાના દાગીના અને 2000 ડોલર પડાવી લીધા
14 એપ્રિલ 2026ના રોજ યુવતીને કુરિયર મારફતે છૂટાછેડાની નોટિસ મળી હતી. આ અંગે પતિને પૂછતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ પતિએ તેની પાસેથી સોનાના દાગીના, બ્રેસલેટ, બે સોનાની વીંટી તેમજ 2,000 કેનેડિયન ડોલર લઈ લીધા હતા અને નણંદના ઘરમાંથી ધક્કા મારી બહાર કાઢી મૂકી હતી. બાદમાં પરિવારજનોની મદદથી પરિણીતા સગા સંબંધીઓના ઘરે રહી હતી. પરિણીતાની સાસરીયાઓ સામે ફરિયાદ
20 એપ્રિલ 2026ના રોજ ભારત પરત ફરી હતી. ભારત આવ્યા બાદ પણ પતિ વારંવાર ફોન કરીને છૂટાછેડા માટે દબાણ કરી માનસિક રીતે હેરાન-પરેશાન કરતો હતો. ફતેગંજ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ અને સાસરીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →