પતિએ નોકરી પર ન જવા દેવા પત્નીને ઘરમાં પુરી દીધી:પત્નીએ કહ્યું: પતિ મને એસિડ નાખવાની ધમકી આપે છે, પરપુરુષ સાથે આડા સંબંધનો આરોપ મૂકીને મારપીટ કરે છે, અભયમની મદદ લીધી

Gujarat5/21/2026, 3:22:51 PM
પતિએ નોકરી પર ન જવા દેવા પત્નીને ઘરમાં પુરી દીધી:પત્નીએ કહ્યું: પતિ મને એસિડ નાખવાની ધમકી આપે છે, પરપુરુષ સાથે આડા સંબંધનો આરોપ મૂકીને મારપીટ કરે છે, અભયમની મદદ લીધી
વડોદરા શહેરમાં પતિએ નોકરી પર ન જવા દેવાના ઇરાદે પત્નીને ઘરમાં પુરી દીધી હતી. જેથી મહિલાએ અભયમ ની મદદ લીધી હતી. પત્નીએ અભયમની કહ્યું હતું કે, પતિ મને એસિડ નાખવાની ધમકી આપે છે અને પરપુરુષ સાથે આડા સંબંધનો આરોપ મૂકી મારપીટ કરે છે. એક મહિલાએ અભયમ હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું હતું કે, તેમના પતિએ તેમને નોકરી પર જવા ન દેવાના ઇરાદે ઘરમાં પુરી દીધા છે. કોલ મળતા અભયમની ટીમ તાત્કાલિક આપવામાં આવેલા સરનામે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચીને ટીમે મહિલાની વિગતવાર પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મહિલાના પતિને વ્યસનની આદત છે અને છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈ નોકરી-ધંધો કરતા નથી. મહિલા ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમનો એક દીકરો પણ નોકરી કરે છે. મહિલાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, સવારે ઊંઘમાંથી જાગ્યા બાદ તેમને ખબર પડી હતી કે તેમના ઘરને બહારથી તાળું મારી બંધ કરી દેવામાં આવ્યું છે અને તેમના પતિ વ્યસન કરવા માટે બહાર ગયા હતા. આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા છતાં કોઈ મદદ કરવા આગળ આવ્યું નહોતું, કારણ કે, મહિલાના પતિ પાડોશીઓ સાથે પણ ઝઘડો કરતા હતા. મહિલા પાસે દીકરાનો મોબાઇલ ફોન હોવાથી તેમણે અભયમમાં સંપર્ક કરી મદદ માંગી હતી. અભયમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે મહિલાના પતિ ઘર બહાર હાજર હતા. ટીમે તેમની સાથે વાતચીત કરીને ઘર ખોલાવ્યું હતું. ત્યારબાદ મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તેમના પતિ તેમને એસિડ નાખવાની ધમકી આપે છે તેમજ તેમના પર શંકા રાખી બહાર અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આરોપ મૂકી મારપીટ કરે છે. મહિલાએ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં અભયમ ટીમે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરાવવામાં મદદ કરી હતી.
Read Original Article →