વ્યસની પતિના ત્રાસથી લવ મેરેજ કરનાર પત્નીએ અભયમની મદદ માંગી:પતિએ અભદ્ર વર્તન અને તોડફોડ કરતા અભયમે પાઠ ભણાવ્યો, દીકરાની હેરાનગતિથી ત્રસ્ત વૃદ્ધ માતાનો કોલ
વડોદરામાં અભયમ ટીમને એક મહિલાએ ફોન કરીને તેના પતિ દ્વારા માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. અભયમ ટીમના સભ્યો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તૃત કાઉન્સિલિંગ કર્યું હતું. પતિની વ્યસનની આદત, પત્ની સાથે ગેરવર્તન કરતો
પીડિત મહિલાએ જણાવ્યું કે, તેમનું લવ મેરેજ છે અને લગ્નને પાંચ વર્ષ થયા છે. લગ્નના પ્રારંભિક વર્ષોમાં દંપતી વચ્ચે સારા સંબંધો હતા. જોકે, પતિની વ્યસનની આદતને કારણે તેઓ ઘરે આવીને પત્ની સાથે ગેરવર્તન કરતા હતા. આ સમસ્યાને ધ્યાનમાં લઈને સાસરિયાઓએ બંનેને અલગ રહેવા માટે ભાડાના મકાનમાં મોકલ્યા હતા. પતિએ વ્યસન કરી ઘરમાં વસ્તુઓની તોડફોડ કરી
પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, જ્યારે પત્ની હોસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત છે. છેલ્લા એક વર્ષથી પતિ નિયમિતપણે વ્યસન કરીને આવે છે અને માનસિક ત્રાસ આપે છે. બે દિવસ પહેલાં પણ પતિ વ્યસન કરી ઘરમાં વસ્તુઓની તોડફોડ કરી હતી. પત્નીએ તે સમયે પોલીસ ફરિયાદ ન કરતાં સવારે તેના હોશમાં આવ્યા પછી સમજાવવાનો પ્રયાસ કરવાનું વિચાર્યું હતું. અભયમ ટીમે પતિને વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર લેવાની સલાહ આપી
અભયમ ટીમે પતિ, પત્ની તેમજ સાસુ-સસરાની હાજરીમાં વિસ્તૃત કાઉન્સિલિંગ કર્યું હતું. પતિને કાયદાકીય પરિણામોની જાણકારી આપવામાં આવી અને તેમની જવાબદારીનું ભાન કરાવવામાં આવ્યું હતું. પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે, મારે વ્યસન છોડી દેવું છે. હું જે વર્તન કરું છું તે યોગ્ય નથી. અભયમ ટીમે પતિને વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર લેવાની સલાહ આપી. પતિએ લેખિત બાંહેધરી આપી કે તે વ્યસન છોડવા પ્રયત્ન કરશે. આ અંગે પત્નીએ પણ સંમતિ દર્શાવી અને પોલીસ ફરિયાદ ન કરવાનો નિર્ણય લેતા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. દીકરાએ વૃદ્ધ માતાને હેરાનગતિનો અભયમને કોલ મળ્યો
બીજા કિસ્સામાં અભયમ હેલ્પલાઈનમાં એક 75 વર્ષીય વૃદ્ધ માતાએ કોલ કરીને પોતાના દીકરા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવી હતી. અભયમ ટીમ તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે, દીકરો કોઈ નોકરી કરતો નથી અને ઘરના ખર્ચ માટે માતાને તેના સગાંવાળાઓ પાસે પૈસા માંગવા મોકલે છે. માતાની બહેને અત્યાર સુધી મદદ કરી હતી, પરંતુ હવે તેઓ રિટાયર્ડ થઈ ગયા છે અને વધુ આર્થિક મદદ કરી શકે તેમ નથી. તેમ છતાં દીકરાએ માતાને મહેસાણા પૈસા માંગવા મોકલી હતી. પૈસા વગર પરત આવતા દીકરાએ ઘરનો દરવાજો બંધ કરીને માતાને ઘરમાં આવવા દીધી ન હતી. માતા ઘર વેચીને પૈસા ન લાવે તેથી તેણે માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી
અભયમ ટીમે દરવાજો ખોલાવી માતાને સુરક્ષિત સ્થળે બેસાડી અને દીકરાનું કાઉન્સિલિંગ કર્યું હતું. દીકરાએ કબૂલ કર્યું કે તેને કોઈ બીમારી નથી, પરંતુ મહેનત કરવાની ઇચ્છા નથી અને માતા ઘર વેચીને પૈસા ન લાવે તેથી તેણે માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. અભયમ ટીમે તેને સમજાવ્યું કે માતાનું પાલન-પોષણ કરવું તેની જવાબદારી છે અને તેણે નાની-મોટી કોઈપણ નોકરી કરીને પોતાનું તેમજ માતાનું ભરણ-પોષણ કરવું જોઈએ. કોઈ બીજાની મદદની આશા રાખવી ન જોઈએ અને માતાને ઘરની બહાર કાઢવી જ નહીં. હાલમાં વૃદ્ધ માતાને સ્થાનિક મહિલા હેલ્પલાઈન દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે.
Read Original Article →