'ચારેય પૂર્વ કોર્પોરેટરોએ મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ જ કર્યું':'ભાજપ અઢળક મતોથી જીતે છે તે હાઈફાઈ સોસાયટીમાં પાણીની સમસ્યા', ડ્રેનેજ સહિતની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ

Gujarat4/9/2026, 12:30:00 AM
'ચારેય પૂર્વ કોર્પોરેટરોએ મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ જ કર્યું':'ભાજપ અઢળક મતોથી જીતે છે તે હાઈફાઈ સોસાયટીમાં પાણીની સમસ્યા', ડ્રેનેજ સહિતની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 7માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ વોર્ડ નં.7માં પહોંચી હતી. જ્યારે સ્થાનિકોમાં વિકાસની વાત કરતાં જ રોષ જોવા મળ્યો હતો. વોર્ડ 7માં આવતા સૌથી પોષ ગણાતો પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા રહીશ નિર્મલ ઠક્કરે જણાવ્યું હતું કે, ભાજપ અઢળક મતોથી જીતે છે તે સોસાયટીમાં પાણીની સમસ્યા છે. અને અમારા વોર્ડના ગત પાંચ વર્ષમાં ચૂંટાયેલા ચારે ચાર કોર્પોરેટરોએ મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ જ કર્યું છે. સૌપ્રથમ અમે વડોદરા શહેરમાં આગવી ઓળખ ધરાવતા ટાવર ચાર રસ્તા પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં પહોંચ્યા હતાં. અહીંના લોકોનું મુખ્ય બે સમસ્યાઓ છે જેમાં ખાસ પીવાનું પાણી મળતું નથી, સાથે અહીંયા ડ્રેનેજની ખુબજ સમસ્યા છે. બાદમાં અમે સલાટવાડા,નાગરવાળા, સહિત બહુચરાજી મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા. આ વોર્ડમાં ખાસ પીવાના પાણી સાથે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. આ સાથે શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમે પોહચ્યા ત્યાં સ્લમ વિસ્તારની વાત તો દૂર પરંતુ ભાજપ જ્યાંથી અઢળક મત મેળવે છે તેવી હાઈફાઈ સોસાયટીમાં પણ આજે પાણીની સમસ્યા સામે આવી છે. 'પાણી આવતું જ નથી, રજૂઆત કરીએ છતાં કોઈ સાંભળતું નથી' પ્રથમ અમે વોર્ડ 7માં આવેલ મચ્છીપીઠ વિસ્તાર કે જ્યાં ચોમાસામાં માત્ર એક બે ઇંચ વરસાદમાં રોડ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જાય છે. અહીંના સ્થાનિક આસિફભાઈ શેખે જણાવ્યું હતું કે, હું રાવપુરા વિસ્તારમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં રહું છું. અહીંયા પાણીની સમસ્યાથી, અહીંયા પાણી આવતું જ નથી. અમે વર્ષ 2024થી રજૂઆત કરીએ છીએ છતાં કોઈ સાંભળતું નથી. અમે છેલ્લા બે વર્ષથી રજૂઆત કરીએ છીએ, અહીં એન્જિનિયર આવે છે અને ઊંડી ટાંકી બનાવવાની વાત કરે છે. આ વિસ્તારમાં થોડી ઊંડી ટાંકી બને તેઓનામાં જરા પણ સમાજ નથી. અહીંયા વરસાદનું પાણી છેક સુધી આવે છે. અહીંયા જે કોઈ આવશે તેને અમે રજૂઆત કરીશું. જે કામ કરશે તેને અમે વોટ આપીશું. 'ડ્રેનેજની સમસ્યા છે, કોર્પોરેટરને અમે ક્યારેય જોયા નથી' સ્થાનિક સલીમ શેખે જણાવ્યું હતું કે, વિકાસ તો થયો છે, પરંતુ એવી જગ્યાએ થયો છે કે જ્યાં સારી સારી સોસાયટીઓ છે ત્યાં વધારે વિકાસ કર્યો છે. પરંતુ મહોલ્લા જેવા કે નાગરવાડા, સલાટવાડા, મચ્છીપીઠ વિસ્તારોમાં સમસ્યાઓ છે. અહીંયા ડ્રેનેજની સમસ્યા છે, એકવાર કામ કરે છે પછી બીજી જગ્યાએ આજ પરિસ્થિતિ ઊભી થાય છે. ડ્રેનેજની સમસ્યા અને રોડ રસ્તો સહિત સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. માત્ર સારી સોસાયટીઓનો વિકાસ કરવો તે વિકાસ નથી જેમાં મહોલ્લા પણ આવે છે. જોવા જઈએ તો કોર્પોરેટરને અમે ક્યારેય જોયા નથી. 'કોર્પોરેશન પાયાની મૂળ સુવિધાઓ સામે ડબલ ટેક્સ વસૂલે છે' વધુમાં કહ્યું કે, અહીંયા કોર્પોરેશનની પાયાની સુવિધાઓ મળતી નથી. અહીંયા સાફ સફાઈ વાળા સવારે અંધારામાં વહેલા આવે છે અને લોકો ઊઠે ત્યારે સાફ સફાઈ કરી જતા રહે છે. બાદમાં લોકો અહીંયા કચરો નાખે છે અને આખો દિવસ ફર્યા કરે છે. અને કોર્પોરેશન પાયાની મૂળ સુવિધાઓ સામે ડબલ ટેક્સ વસૂલે છે. 'અહીંયા આવેલી કેટલીયે સોસાયટીમાં ભયંકર પીવાના પાણીની સમસ્યા છે' આ સાથે વોર્ડ સાતમા આવતા સૌથી પોષ ગણાતો પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા રહીશ નિર્મલ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રહેલી સોસાયટીના નામજોગ જાણવું કે આ વિસ્તારના લોકો કેટલી હાલાકીમાં જીવી રહ્યા છે. હું માત્ર સ્લમ વિસ્તારની વાત નથી કરતો હું સોસાયટી વિસ્તારમાં જે જ્યાં ભારતીય જનતા પાર્ટી અઢળક મતોથી જીતે છે તે સોસાયટીમાં પાણીની સમસ્યા છે. અહીંયા આવેલી કેટલીયે સોસાયટીમાં ભયંકર પીવાના પાણીની સમસ્યા છે. ‘ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરોને એવું છે કે રામના નામે મત લઈ જીતી જઈશું’ વધુમાં કહ્યું કે, દર વખતે દીપિકા ગાર્ડનના રોડ પર હજારો લોકો મોર્નિંગ વોકમાં આવે છે ત્યાં જ ભુવા પડે છે અને આ માટે આંદોલન કરવાથી તેનું નિરાકરણ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોને એવું છે કે રામના નામે મત લઈ જીતી જઈશું. આ વિસ્તારમાં ક્યારે કોઈના ફોન ન ઉપાડવા અને કોઈને ત્યાં જવું નહીં, જે સિલસિલો યથાવત છે. પરંતુ આ વર્ષે હું દાવા સાથે કહું છું કે આ વર્ષે લોકોમાં બદલાવ છે, જેના કારણે ભાજપને બહુમતી મળે તેવી શક્યતાઓ નથી. 'કોર્પોરેટર દેખાતા નથી, પિક્ચરની જેમ ગાયબ થઈ ગયા' આ સાથે એની એક સ્થાનિક યોગેન્દ્ર બારોટે જણાવ્યું હતું કે, અહીંયા ચાર પૈકી ત્રણ કોર્પોરેટર દેખાતા નથી. આ વિસ્તારમાં લાઇટ બંધ થઈ જાય, પાણી ન આવે, સફાઈ કર્મચારી ન આવે તો અમે કોલ કરીએ તો કોઈ કોલ ઉપાડતા નથી. તેઓ પિક્ચરની જેમ ગાયબ થઈ ગયા, અહીંના લોકો રજૂઆત માટે વોર્ડ કચેરીએ જાય છે છતાં કામ થતું નથી. અત્યારે ચૂંટણી આવી રહી છે જેથી આવા લોકોને વોટ જ ન આપવો જોઈએ, સારા વ્યક્તિને ઉમેદવાર તરીકે લાવવા જોઈએ જેથી વિસ્તારના લોકોનું કામ થાય. 'મંદિર અને મસ્જિદ કરી વોટ માંગવામાં આવે છે' આ અંગે વોર્ડ 7માં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાજેશ પટણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સૌથી મોટી પીવાના પાણીની સમસ્યા છે, લોકો પાણીની સમસ્યાથી ત્રાસી ગયા છે. અહીંયા રોડ રસ્તાની સ્થિતિ ખરાબ છે, અહીંયા મચ્છરનો ત્રાસ વધારે છે. અહીંયા ત્રણ ટર્મ સુધી ધારાસભ્યો બદલાઈ ગયા છે છતાં સાધનનગર વિસ્તારમાં પાછળનો રોડ હજુ સુધી બન્યો નથી. વોર્ડની સમસ્યાઓ બહુ બધી છે. અહીંયા ચાર ચાર કોર્પોરેટર રહ્યા છતાં કોઈ લોકો ઓળખાતા નથી. મત લઈ અને સેવાનું કામ કરવાની જગ્યાએ ઘરમાં બેસી રહે છે. ખાલી ભાજપ ચૂંટણી લડવા માટે તેઓ બહાર આવે છે, અહીંયા મંદિર અને મસ્જિદ કરી વોટ માંગવામાં આવે છે, કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી. 'વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાય છે' વધુમાં કહ્યું કે, પૂરની સ્થિતિમાં અહીંના વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અહીંયા સર્વે કરી લોકોને આશ્વાસન આપવામાં આવે છે છતાં કોઈને રૂપિયો મળ્યો નથી.આ વિસ્તારમાં પૂરમાં પાણી ભરાવાથી સોફા, ટીવી સહિતની વસ્તુઓ લોકોને ફેંકી દેવાનો વારો આવ્યો હતો. ત્રીસ વર્ષથી મંદિર અને મજીદના નામે મત લીધા છે. હાલમાં લોકો જાગૃત થયા છે અને તેનું પરિણામ આપશે. 'રોડ રસ્તો અને પાણી ડ્રેનેજની સુવિધા સારી' નાગરવાડા વિસ્તારમાં આવેલા નવી ધરતીમાં રહેતા મહેશ રાણાએ જણાવ્યું હતું કે, વિકાસ સારો થયો છે, તે ભાજપના કોર્પોરેટર હોય કે કોંગ્રેસના હોય. હાલમાં રોડ રસ્તો અને પાણી ડ્રેનેજની સુવિધા સારી છે. ખાલી ગેસ લાઇન માટે ખોદકામ ચાલી રહ્યું છે. અમારે આગમી વર્ષોમાં પણ આજ રીતે ચાલવું જોઈએ તેવું ઇચ્છી રહ્યા છીએ.
Read Original Article →