'વોટ લેવા આવશે તો કોઈને નહીં ઘૂસવા દઈએ':તળાવમાં ગંદકી ને પીવાના પાણીનો પોકાર, 30 વર્ષમાં માત્ર કોર્પોરેટરનો વિકાસ થયાની વોર્ડ-6ના રહીશોએ વ્યથા ઠાલવી

Gujarat4/7/2026, 12:30:00 AM
'વોટ લેવા આવશે તો કોઈને નહીં ઘૂસવા દઈએ':તળાવમાં ગંદકી ને પીવાના પાણીનો પોકાર, 30 વર્ષમાં માત્ર કોર્પોરેટરનો વિકાસ થયાની વોર્ડ-6ના રહીશોએ વ્યથા ઠાલવી
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે.સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે.લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ટ ઝીરો પર પહોંચી. સૌપ્રથમ વારસિયા અને યાકુતપુરા વિસ્તારમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી.જ્યાં સરસિયા તળાવમાં રહેલી ગંદકી સૌથી મોટો પ્રશ્ન છે. સાથે જ તળાવ પર બનાવવામાં આવેલા બ્રિજ વારસિયા અને યાકુતપુરા વિસ્તારના લોકો માટે જીવના જોખમ સમાન છે. કારણ કે વર્ષો જૂનો, સાંકડો અને જર્જરિત છે. આ સાથે તળાવમાં ગંદકીની ભરમાર છે. આસપાસના લોકો આ તળાવમાં રહેલી ગંદકીથી પીડાઈ રહ્યા છે.આ વિસ્તારમાં પાણી, ડ્રેનેજની સમસ્યા સાથે અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશનના પ્લોટોનું ખાનગીકરણ થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, તો તળાવ આસપાસ ગંદકી અને પ્રોટેક્શન દીવાલની સ્થિતિ ખુબજ ગંભીર છે. પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન બાદમાં અમે મદાર મહોલ્લો, જૂની ગઢી સહિતના વિસ્તારોમાં પહોંચ્યા હતા.મદાર મહોલ્લામાં લોકો આજે પણ પ્રાથમિક સુવિધારૂપ શુદ્ધ પાણીથી તરસી રહ્યા છે. લોકોને પાણીના કનેક્શન માટેની લાઇન લગાવે ચાર વર્ષ સમય થયો છે.છતાં હજુ નળ સુધી પાણી પહોંચ્યું નથી.આ સાથે કેટલાક વિસ્તારોમાં પાણી આવે છે પરંતુ ઓછા પ્રેશરથી અને દૂષિત જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ વોર્ડ સ્થાઈ સમિતિના ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીનો હોવા છતાં વિકાસથી વંચિત જોવા મળી રહ્યો છે. આવાસો હાલમાં જર્જરિત હોવાથી રહીશોમાં ભય આ સાથે અમે કિશનવાડી વુડાના મકાન પાસે પહોંચ્યા જ્યાં આસપાસ અસંખ્ય ગંદકી અને આવાસોની સ્થિતિ કફોડી જોવા મળી હતી.આ વિસ્તારમાં શાકમાર્કેટ અને ડમ્પીંગ યાર્ડ બાજુમાં હોવાથી આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.અહીંયા વિસ્તાર એક હોવા છતાં ત્રણ વોર્ડમાં વહેંચાઈ ગયો છે.જેથી લોકો પણ અસમંજસમાં છે, સ્થાનિકો વુડાના મકાનમાં ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે. ‘અમારી સમસ્યા કોને કહેવી, કોઈએ પગ મૂક્યો નથી અહીંયા’ યાકુતપુરાના સ્થાનિક અને સામાજિક આગેવાન હુસેન મુલતાનીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક સર સયાજીરાવ ગાયકવાડ સમયનું સરસિયા તળાવ છે.આ તળાવના વિકાસ માટે હું અસંખ્ય આરટીઆઈ અને અસંખ્ય અરજીઓ કરી ચૂક્યો છું.કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હોય તેવું બતાવવામાં આવે છે. બ્રિજ 10 ફૂટ લાંબો કરવા માટે રજૂઆતો છતાં કઈ પરિણામ મળ્યું નથી.તળાવમાં અસંખ્ય ગંદકી અને સ્થિતિ ખુબજ ખરાબ છે. ચાર કોર્પોરેટર અને ધારાસભ્ય હોવા છતાં વિકાસ થયો નથી.આ વિસ્તારમાં ચૂંટાયા બાદ આ વિસ્તારમાં કોઈએ પગ મૂક્યો નથી,અમે અમારી સમસ્યા કોને કહીએ. ‘સૌથી પહેલા પાણીની સમસ્યા હલ કરીશું’ વારસિયામાં રહેતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનુપ બંસીધર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે,પીવાનું પાણી ખુબ ખરાબ આવે છે,જે સૌથી મોટી સમસ્યા છે.અહીંયા રોડ-રસ્તા અને ગટર જેવી સમસ્યાઓ છે.તળાવની સ્થિતિ પણ ખુબજ ખરાબ છે.લોકો અમને લાવશે તો પહેલા પાણી અને ડ્રેનેજની સુવિધાને પ્રાધાન્ય આપીશું. ‘ઘર ખાલી કરાવ્યા ત્યારે કોઈ ન આવ્યું’ સરસિયા તળાવ મગરસ્વામી આશ્રમ પાસે રહેતા રહીશ વિપુલ કહારે જણાવ્યું હતું કે, અમારે પાણીની સમસ્યા છે.પહેલા પાણી અહીંયા પ્રેશર આવતું નથી. અહીંયા મોટર લગાવવી પડે ત્યારે પાણી મળે પરંતુ તે કરી શકતા નથી અને પાણી આવે છે.તે પણ ગટરનું કાળી માટી જેવું આવે છે.અડધો કલાક પણ પાણી આવતું નથી.અહીંયા કોઈ આવતું નથી, માત્ર વોટ લેવા માટે આવે છે. મકાનોને નોટિસ આપી ઘર ખાલી કરાવ્યા ત્યારે કોઈ જોવા નથી આવ્યું.અહીંયા ખાવાનું કોઈ એ પૂછ્યું નથી. જોખમી સરસિયા તળાવના બ્રિજ પરથી આવતા ઈકબાલભાઇએ જણાવ્યું કે, હું તળાવની સામેની તરફ રહું છું.અહીંયા બ્રિજ પર આવવું મારા માટે કાયમનું છે.અમે જીવન જોખમે અહીંયાથી પસાર થઈએ છીએ અને તે બ્રિજ મોટો થયા કારણ કે જવા અને આવવામાં તકલીફ પડે છે.રેશમાબેને જણાવ્યું કે,આ બ્રિજ એટલો સાંકડો છે કે એક સાથે બે લોકો ચાલી શકતા નથી.સામેથી કોઈ ગાડી આવી જાય તો સામેથી દૂર રહેવું પડે.અહીંયા જો વધુ પાણી આવી જાય તો તે પડી જશે અને તેને તૈયાર કરવાની જરૂર છે. ‘ચૂંટણી આવે છે હવે, વોટ લેવા આવશે તો ઘૂસવા નહીં દઈએ’ યાકુતપુરા વિસ્તારના એકલાસ મહોલ્લામાં રહેતા પરવેઝભાઈ શેખે જણાવ્યું હતું કે, અહીંયા છેલ્લા ચાર વર્ષથી પાણીની લાઇન નાખવામાં આવી છે. પરંતુ નળનું જોડાણ કરવામાં આવતું નથી. ચાર વર્ષથી અહીંયા લાઇન હોવા છતાં પાણી મળતું નથી.પરવેઝભાઈનું કહેવું છે કે વેરો ભર્યો હોવા છતાં પાણી કનેક્શન આપવામાં આવતા નથી.આ બાબતે અમે મોરચો લઈ કોર્પોરેશન પણ ગયા છીએ,છતાં કોઈ સુવિધા મળી નથી.હાલમાં ચૂંટણી આવે છે. વોટ લેવા આવશે તો અમે કોઈને ઘૂસવા દઈશું નહીં.અહીંયા ચાર કોર્પોરેટર હોવા છતાં એકપણ કોર્પોરેટર દેખાયો નથી. કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનોની ખુબજ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. અહીંના લોકોને પાણીની સૌથી મોટી સમસ્યા છે. સાથે ગધેડા માર્કેટ પાસે શાક માર્કેટ સાથે ડમ્પિંગ યાર્ડ અહીંના રહીશો માટે એક પડકારજનક બન્યું છે.આ સ્થાઈ સમિતિના ચેરમેન રહી ચૂકેલા ડૉ.શીતલ મીસ્ત્રીનો વોર્ડ છે,જ્યાં સીધે સીધા આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે.અહીંયા આવેલ વુડાના મકાનોની સ્થિતિ ખુબજ ખરાબ છે. ‘ટેક્સના પૈસાથી આઇફોન ખરીદી તેમાં લોકોની રજૂઆતો જોતા નથી’ અહીંના સ્થાનિક ઘનશ્યામ પરમારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ કિશનવાડી વિસ્તાર શહેરના મધ્ય ભાગમાં આવેલો ઝૂપડપટ્ટીનો વિસ્તાર હતો. અત્યારે આ વિસ્તારને ત્રણ વોર્ડમાં વહેંચી દેવામાં આવ્યો છે. વિકાસની વાત કરવામાં આવે તો અહીંયા કોઈ વિકાસ થયો નથી. છેલ્લા પાંચ વર્ષમાં આવેલા તમામ કોર્પોરેટરમાંથી એકપણ અહીંયા જોવા માટે આવતા નથી.કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી અમારા ટેક્સના પૈસાથી ખરીદેલ આઇફોન વાપરતા હોય ત્યારે અમે અમારી સમસ્યાઓ મોકલીયે છીએ ત્યારે તેઓ જોતા પણ નથી. વધુમાં જણાવ્યું હતું કે,સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ટેક્સના પૈસાથી ખરીદેલ આઈફોન વાપરી રહ્યા છે.જે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.એની કોર્પોરેટર સમસ્યા નિવારણ આવ્યા બાદ ફોટો સેશન કરવા માટે અહીંયા આવી જાય છે. વુડાના ત્રણ હજાર મકાનો છે જેમાંથી 1256 મત છે, અહીંયા મતદારો વધુ હોવા છતાં નામ નથી. આ બાબતે અમે ચૂંટણી પંચને લખીને આપ્યું છે છતાં કોઈ નામ મતદાર યાદીમાં દાખલ થયા નથી.અહીંયા આવેલા આવાસ જર્જરિત હાલતમાં છે,ગટર અને પાણીની સમસ્યા છે જે માટે અમે કોર્ટમાં લડી રહ્યા છીએ.ગરીબો કોર્પોરેશન સામે નેશનલ અદાલતમાં લડી રહ્યા છે. 'કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરીને કરોડપતિ થયા' વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ કિશનવાડી પાસે ડમ્પીંગ યાર્ડને લઈ નિલેશ વસઈકરે જણાવ્યું હતું કે, આ ગધેડા માર્કેટ વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ છે અને તેની બિલકુલ બાજુમાં શાક માર્કેટ છે.આ વિસ્તારમાંથી પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ છે. પોતે ડોક્ટર હોવા છતાં અહીંયા સ્વાસ્થ્ય સાથે સીધે સીધા ચેડા થઈ રહ્યા છે.ત્રીસ વર્ષમાં માત્રને માત્ર નગર સેવકોનો વિકાસ થયો છે. નાગરિકોના પૈસે આઇફોન અને ટેબલેટ લે છે પરંતુ જ્યારે વોર્ડના વિકાસની વાત આવે ત્યારે આ ટેક્નોલોજીનો ઉપયોગ થતો નથી.નગર સેવક ભ્રષ્ટાચાર કરી પોતે કરોડપતિ થયા છે, પરંતુ નગરજનો એવાને એવાજ છે. આ અંગે વોર્ડ 6 ભાજપના પ્રમુખ પ્રવીણ ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્ય અને કોર્પોરેટરોએ અઢળક વિકાસના કામો કર્યા છે. દરેક સોસાયટીમાં રોડ રસ્તા અંગે કામ કરવામાં આવ્યું છે. અહીંયા એક બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. કિશનવાડી વિસ્તારમાં આવેલ ડમ્પીંગ યાર્ડ બાબતે પાર્ટીમાં મેં રજૂઆત કરી છે અને હાઈવે પાર તે માટે જગ્યા મળે એટલે શિફ્ટ કરવામાં આવશે. વારસિયા અને યાકુતપુરા વિસ્તારમાં ગંદકી અંગે કહ્યું કે અહીંયા મહોરમ સહિત તહેવારોમાં વિસર્જન થતું હોવાથી આ પરિસ્થિતિ છે અને અહીંના નાગરિકો પણ જાગૃત થાય તે જરૂરી છે.
Read Original Article →