શહેરના વોર્ડ 16માં દૂષિત પાણીથી પ્રજા પરેશાન:સ્થાનિક મહિલાઓ વોર્ડ ઓફિસ પહોંચી, માટલા ફોડી વિરોધ; કહ્યું- આ પાણી અમારે વોર્ડ ઓફિસરને પીવડાવવું છે
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં આવેલા અનેક વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા સર્જાતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવારની રજૂઆતો છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં આખરે પ્રજાનો પિત્તો ગયો હતો. આજે આ તમામ સોસાયટીઓની સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને સીધી વોર્ડ ઓફિસે પહોંચી હતી અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારે સૂત્રોચ્ચાર અને માટલા ફોડી વિરોધ
મહાનગરપાલિકાના વોર્ડ 16માં સમાવિષ્ટ શાંતિ નગર, હીરાબા નગર, વિશ્વકર્મા નગર અને શિવ નગર સહિતની વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. મહિલાઓએ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે સૂત્રોચ્ચાર કરીને માટલા ફોડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ વોર્ડ કચેરી ખાતે ભારે હલ્લો મચાવ્યો હતો અને અધિકારીઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અધિકારી આ પાણી પીશે તો જ જનતાનું દુઃખ ખબર પડશે
આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ પોતાના ઘરે આવતા દૂષિત પાણીની બોટલો પણ સાથે લાવી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, આ ઝેરી સમાન દૂષિત પાણી તેઓ વોર્ડ ઓફિસરને પીવડાવવા માટે લાવ્યા છે. સ્થાનિકોએ પોતાના દિલનો કચવાટ ઠાલવતા ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ગંદા પાણીના કારણે તેમના પરિવારો અને બાળકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. જો તેઓ આ દૂષિત પાણી પીને હોસ્પિટલમાં દાખલ થતા હોય, તો આ બેજવાબદાર અધિકારીઓએ પણ એ જ પાણી પીવું જોઈએ જેથી તેમને પણ જનતાના ભોગવવા પડતા રોગોનો અહેસાસ થાય અને તેઓ પણ હોસ્પિટલમાં સામાન્ય જનતાની બાજુના બેડ પર સારવાર લેતા જોવા મળે. ચૂંટણી પહેલા મસમોટા વાયદા કરાયા હતા
સ્થાનિક રહીશોએ ચૂંટણી સમયના વચનો યાદ અપાવતા પાલિકાના શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ચૂંટણી પહેલા નેતાઓ અને અધિકારીઓ ઘરે-ઘરે આવીને શુદ્ધ પાણી આપવાના મોટા-મોટા વાયદાઓ કરી ગયા હતા, પરંતુ સત્તા પર આવ્યા પછી હવે જનતાની સાચી બૂમ સાંભળવા વાળું કોઈ રહ્યું નથી. આ ગંભીર હોબાળા અંગે જ્યારે સંબંધિત વોર્ડ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે બચાવત્મક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આ બાબતે પાણી પુરવઠા વિભાગને સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે. હાલમાં એન્જિનિયરો અને ટેકનિકલ ટીમ દ્વારા પાણીની લાઈનોની ચકાસણી કરવામાં આવી રહી છે અને જ્યાં પણ લીકેજ કે પ્રદૂષણનો સ્ત્રોત હશે તેને શોધીને વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
Read Original Article →