વોર્ડ-12ના રહીશોએ ભાજપ ઉમેદવારોનો ઉધડો લીધો, Video:વડોદરામાં પ્રચાર અભિયાનમાં લોકોએ ઉમેદવારોને ઘેર્યા, કહ્યું- અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે? કોઈ નેતા કામ કરતા નથી

Gujarat4/13/2026, 6:35:00 PM
વોર્ડ-12ના રહીશોએ ભાજપ ઉમેદવારોનો ઉધડો લીધો, Video:વડોદરામાં પ્રચાર અભિયાનમાં લોકોએ ઉમેદવારોને ઘેર્યા, કહ્યું- અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે? કોઈ નેતા કામ કરતા નથી
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. ગટર અને અન્ય પાયાની સુવિધાઓના પડતર પ્રશ્નોને મુદ્દે રહીશોએ ઉમેદવારોને ઘેરીને સવાલો કર્યા હતા, જેના કારણે ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો હતો અને ઉમેદવારો માટે મતદારોની નારાજગી દૂર કરવી પડકારરૂપ બની રહી છે. સ્થાનિકોનો ઉગ્ર વિરોધ અને નેતાઓ સામે સવાલો વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવારો સ્મિત અરદેશણા, શકુંતલાબેન વસાવા, રીટા સિંઘ અને સમીર વાઘેલા જ્યારે કાલિદાસ ચાલ અને પરમારની ચાલમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહીશોએ લાંબા સમયથી વણઉકેલાયેલી સમસ્યાઓ અંગે રોષ ઠાલવ્યો હતો અને આ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરવામાં આવી હતી. અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે? આક્રોશ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારે આવામાં રહેવાનું?, બોલ તું કામ કરવાની બાહેંધરી આપે છે. અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે? બરાબર છે ભાઈ કોઈ નેતા કામ કરતા નથી. તેવા વેધક સવાલો સાથે નેતાઓની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરો અને વીડિયો ઉતારનાર રહીશો વચ્ચે દલીલો પણ થઈ હતી, જેમાં ભાજપનો એક કાર્યકર વીડીયો ઉતારવાની ના પાડે છે. તો વીડિયો ઉતારનાર કહે છે કે, કેમ વીડિયો નહીં ઉતારવાનો? ઉમેદવારનો ખુલાસો: ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન અને મંદિરનો વિવાદ આ મામલે ભાજપના ઉમેદવાર સ્મિત અરદેશણાએ જણાવ્યું હતું કે, આ કોઈ મોટો રોષ નથી, પરંતુ માત્ર ચર્ચા હતી. તેમણે ખુલાસો કર્યો કે વિસ્તારની ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન પહેલેથી જ પાસ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીમાં અવરોધ અંગે વિગત આપતા તેમણે જણાવ્યું કે, ડ્રેનેજ લાઇન નાખવા માટે નડતરરૂપ મંદિર તોડીને પોતાના ખર્ચે નવું મંદિર બનાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ મંદિરના સંચાલકો સહમત ન થતા હવે બ્રિજની નીચેથી લાઇન પાસ કરવાનો વૈકલ્પિક રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. બાકી અમારા વિસ્તારમાં ખૂબ કામો થયા છે.
Read Original Article →