'સરકાર માત્ર ખાડા ખોદવામાં અગ્રેસર, વિકાસના નામે તો મીંડું છે':અટલાદરામાં પાણી, ગંદકી, ડ્રેનેજ અને રસ્તાઓ સહિતની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો

Gujarat4/13/2026, 12:30:00 AM
'સરકાર માત્ર ખાડા ખોદવામાં અગ્રેસર, વિકાસના નામે તો મીંડું છે':અટલાદરામાં પાણી, ગંદકી, ડ્રેનેજ અને રસ્તાઓ સહિતની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો
વડોદરા મહાનગરપાલિકાની 26 એપ્રિલે ચૂંટણી છે. ત્યારે ભાસ્કરની ટીમ વડોદરા શહેરના વોર્ડ નં-12માં પહોંચી હતી, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીશું. વડોદરા શહેરના વોર્ડ નંબર-12ના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને તેમના વિસ્તારના કોર્પોરેટરો સામે તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો હજી પણ પાણી, ગંદકી, ડ્રેનેજ, રસ્તાઓની સમસ્યાઓથી પરેશાન છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે એક સ્થાનિક મહિલા ભાવિકાબેને કહ્યું કે, આ સરકાર માત્ર ખાડા ખોદવામાં જ અગ્રેસર રહી છે, બાકી વિકાસના નામે તો અહીં મીંડું જ છે. સૌથી પહેલા અમારી ભાસ્કર ટીમ અટલાદરા ગામમાં પહોંચી, જ્યાં પ્રમુખસ્વામી કુટિર સોસાયટીના રહીશો રોડની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે. અટલાદરા વિસ્તારમાં જ પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. લોકોને 2થી 5 કિલોમીટર ચાલીને અટલાદરા પાણીની ટાંકી સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે. આ ઉપરાંત અટલાદરા તળાવ પણ ગંદકીથી ખદબદી રહ્યું છે. તો વડોદરા શહેરમાં નવા ભળેલા બિલ ગામમાં રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી. તો પરશુરામ ભઠ્ઠામાં પણ અનેક સમસ્યાઓ છે, અહીં ખુલ્લી કાંસમાં ગટરના ગંદા પાણી છોડાઈ રહ્યા છે. જેના કારણે લોકો દુર્ગંધ અને બીમારીઓથી પરેશાન છે. 'કોઈનું વાહન જરા પણ ફંટાય તો અકસ્માત નક્કી છે' ભાવિકાબેને કહ્યું કે, તમે પોતે જ જુઓ, આ ખાડો લગભગ 15 ફૂટ ઊંડો છે. જો કોઈનું વાહન જરા પણ ફંટાય તો અકસ્માત નક્કી છે અને જો કોઈ માણસ એમાં પડે તો તે જીવતો બહાર આવે તેવી કોઈ શક્યતા નથી. આ ખાડાને કારણે રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે બે ગાડીઓ એકસાથે પસાર થઈ શકતી નથી. 'રસ્તાઓ એટલા ખરાબ છે કે ઘરે આવતા પહેલા પણ વિચાર કરવો પડે છે' અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખસ્વામી કુટીર સોસાયટીના રહીશ દીપકભાઈ બારિયાએ જણાવ્યું હતું કે, અહીં સમસ્યાઓની તો કોઈ કમી જ નથી. સૌથી મોટી તકલીફ રોડ રસ્તાની છે. રસ્તાઓ એટલી ખરાબ હાલતમાં છે કે ઘરે આવતા પહેલા પણ વિચાર કરવો પડે છે. છેલ્લા 4થી 5 વર્ષથી રસ્તાઓની આ જ હાલત છે. છેલ્લા એક વર્ષથી તો અમારે ઘરે આવવા માટે રસ્તો પણ બદલવો પડે છે. રોડનું નામનિશાન રહ્યું નથી, માત્ર પૂરણ કામ કરીને છોડી દેવાયું છે. 'ભાજપ સરકારમાં નેતાઓ ક્યાં ગાયબ છે' તેને વધુમાં કહ્યું કે, અમને તો એ જ ખબર નથી કે અમારા નેતા કોણ છે. આજ દિન સુધી કોઈના દર્શન થયા નથી. ભાજપ સરકારમાં નેતાઓ ક્યાં ગાયબ છે એ વિચારવા જેવી વાત છે. પાણી, ગટર અને રસ્તા બધી જ બાબતે અમે હેરાન થઈ રહ્યા છીએ. 'રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે, પણ યોગ્ય પૂરતાં નથી' અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખસ્વામી કુટીર સોસાયટીના રહીશ મનીષભાઈ તડવીએ જણાવ્યું હતું કે, અહીં રસ્તાની સાથે અહીં સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈની પણ ગંભીર સમસ્યા છે. ગટરના કામ માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે પણ પછી તેને યોગ્ય રીતે પૂરવામાં આવતા નથી. થોડું કાર્પેટ કામ કરીને રસ્તો અડધો જ ખુલ્લો મૂકાય છે. 'ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે' તડવીએ વધુમાં કહ્યું કે, આ અંગે અમે ઘણીવાર રજૂઆત કરી છે. કોર્પોરેટર કહે છે કે કામ મંજૂર થઈ ગયું છે, પણ એક વર્ષ વીતી જવા છતાં પરિસ્થિતિ તેવી જ છે. હવે ફરી ચૂંટણી આવશે ત્યારે જ કદાચ તેઓ દેખાશે. ચોમાસામાં તો અહીં ખૂબ ગંદકી રહે છે. રસ્તાઓ સંપૂર્ણપણે બંધ હાલતમાં જ હોય છે. સફાઈ કામદારો પણ પૂરતા પ્રમાણમાં આવતા નથી, ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે. 'વડોદરામાં મગર કરતાં પણ મોટા 'ઉંદરો' છે, જે બધું ખાઈ-ખબોચીને મોટા થયા છે' સ્થાનિક અગ્રણી ભાવિકાબેને જણાવ્યું હતું કે, આજે 'વિશ્વ ઉંદર દિવસ' નિમિત્તે આવા ભ્રષ્ટ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ લોકો એવા છે જે ચૂંટાઈને તો આવ્યા પણ કામના નામે કશું જ કર્યું નથી. રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા ખોદીને મૂકી દીધા છે, ગટરોના ઢાંકણા નથી અને લોકોને શુદ્ધ હવા પણ આપી શકતા નથી. 'લોકોએ પીવાના પાણી માટે 2 કિમી લાઈનો લગાવવી પડે છે' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ 'વિકસિત ગુજરાત' અને 'વિકસિત વડોદરા'માં લોકોએ પીવાના પાણી માટે 2 કિલોમીટર દૂર સુધી લાઈનો લગાવવી પડે છે. સરકાર વિકાસના ગીતો ગાય છે પણ વાસ્તવમાં તે ઊંઘતી ઝડપાય છે. તેમને માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા માટે લોકોની યાદ આવે છે, બાકી સ્થાનિક સમસ્યાઓના ઉકેલમાં તેઓ શૂન્ય છે. 'વર્ષો વીતી ગયા પણ હજુ સુધી પીવાનું પાણી મળ્યું નથી' માધવનગરના સ્થાનિક સન્નીભાઈએ જણાવ્યું હતું કે, અમે અહીં છેલ્લા પાંચ વર્ષથી રહીએ છીએ. અહીં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. ફક્ત વાપરવાનું પાણી મળે છે, પણ પીવા માટે અમારે ઘરથી દૂર સુધી જવું પડે છે. વરસાદમાં તો રસ્તામાં ખાડા અને પાણી ભરાયેલા હોય છે, છતાં તેમાંથી પસાર થઈને અમારે પાણી લેવા જવું પડે છે. વર્ષો વીતી ગયા પણ હજુ સુધી પીવાનું પાણી મળ્યું નથી. 'મકાન તો આપી દીધા પણ પીવાનું પાણી હજુ સુધી મળ્યું નથી' તેને વધુમાં જણાવ્યું હતું કે, મુશ્કેલી તો ઘણી જ છે. ચોમાસામાં હાલત વધારે ખરાબ થઈ જાય છે. વૃદ્ધોને પાણી ભરવા માટે ચાલતા આવવું પડે છે, નાના બાળકોને ઘરે એકલા મૂકીને પાણી ભરવા જવું પડે છે. આ બધું ખૂબ જ હાલાકીભર્યું છે. અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 'માધવનગર'માં રહીએ છીએ. અહીં અંદાજે 25 જેટલા ટાવર છે. જેમાં અમુક 7 માળના છે અને અમુક 8 માળના બિલ્ડિંગ્સ છે. મકાન તો આપી દીધા પણ પાયાની સુવિધામાં પીવાનું પાણી હજુ સુધી મળ્યું નથી. 'ખાડો 10થી 12 ફૂટ ઊંડો છે અને 3 મહિનાથી આ જ હાલતમાં છે' સ્થાનિક રત્નેશ સિંગે જણાવ્યું હતું કે, મારે એ જ કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી આ રસ્તો બિસ્માર છે. જે પાછળ ખાડો દેખાય છે, તેને લોકો રિપેરિંગ કરીને જાય છે અને 10 જ દિવસમાં ફરી એ જ પરિસ્થિતિ થઈ જાય છે. 'એક છોકરો સીધો આ ખાડામાં ખાબક્યો હતો' તેને વધુમાં જણાવ્યું હતું કે, ચોક્કસ, અહીં જોખમ તો છે જ. હજુ બે દિવસ પહેલા જ રાત્રે લગભગ દોઢ વાગ્યે એક છોકરો જે બહારથી આવ્યો હતો, તેને અંદાજ ન આવ્યો અને તે સીધો આ ખાડામાં ખાબક્યો. તે લોહીલુહાણ થઈ ગયો હતો અને બેભાન જેવી હાલતમાં અહીંથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. છતાં છેલ્લા 5 વર્ષથી કોઈ નેતા દેખાતા નથી. 'અમારા વિસ્તારમાં કંઈ કર્યું જ નથી, માત્ર ખાડા જ ખોદ્યા છે' વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નંબર 12માં સમસ્યાઓની એટલી ભરમાર છે કે, કોઈ પણ વસ્તુ બાકી નથી રહી. ભાજપ શાસિત કોર્પોરેટરો અને વડોદરા પ્રશાસને અમારા વિસ્તારમાં કંઈ જ કર્યું નથી, માત્ર ખાડા જ ખોદ્યા છે. એક સમયે સયાજીરાવ ગાયકવાડનું સુંદર વડોદરા હતું, જેને આ લોકોએ ખોદી કાઢ્યું છે. અટલાદરા વિસ્તારમાં પણ ખાડા જ ખાડા છે. અટલાદરા હેલ્થ સેન્ટરમાં રોજ દર્દીઓની ભીડ વધતી જાય છે. જેટલા હેલ્થ સેન્ટર બને છે તેમાં ભીડ વધે છે એનો અર્થ એ કે લોકોમાં બીમારી વધી રહી છે. ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તલાટી ઓફિસની બાજુમાં જ ગંદકીના ઢગલા રાકેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, અમારી અટલાદરા તલાટી ઓફિસની બાજુમાં જ ગંદકીના ઢગલા જોવા મળશે. ગામડાની તલાટી ઓફિસમાં ચોખ્ખાઈ હોય છે, પણ કોર્પોરેશન હેઠળ આવતી આ ઓફિસમાં તમને ગંદકી સિવાય કંઈ નહીં મળે. સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની અને ગટરની મોટી સમસ્યા છે. ઠેર-ઠેર ગટરો ઉભરાય છે અને ભૂવા પડેલા છે. 'હિંમત હોય તો પક્ષના સિમ્બોલ વગર પોતાના કામ પર વોટ માંગીને બતાવે' ઠાકોરે કહ્યું, ભાજપના નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ વોટ માંગવા આવે છે. 5 વર્ષ પૂરા થશે એટલે મોદીજીના નામે અને પક્ષના સિમ્બોલ પર વોટ માંગશે. જો હિંમત હોય તો પક્ષના સિમ્બોલ વગર પોતાના કામ પર વોટ માંગીને બતાવે, ત્યારે ખબર પડશે કે જનતા કેટલી ત્રાહિમામ છે. આ વખતે વોર્ડ નંબર 12ની જનતા પરિવર્તન માંગી રહી છે. 'આ લોકોએ માત્ર પોતાના ખિસ્સા જ ભર્યા છે' તેને વધુમાં કહ્યું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં આ લોકોએ માત્ર વાતો જ કરી છે, કંઈ કામ નથી કર્યું. રોડના કોઈ ઠેકાણા નથી. એક સોસાયટીના રહીશો તો છેલ્લા બે વર્ષથી રોડ માટે રજૂઆત કરે છે, પણ અધિકારીઓ કે નેતાઓ કંઈ સાંભળતા જ નથી. એવું લાગે છે કે આ લોકોએ માત્ર પોતાના ખિસ્સા જ ભર્યા છે.
Read Original Article →