'ચૂંટણી આવે એટલે પૈસા અને પોટલીઓ આપીને મત ખરીદી લે':ગટર અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નેતાઓ પર તડાપીટ બોલાવી
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-11માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ રિપોર્ટમાં જાણીશું. દિવાળીપુરામાં નળમાં ગટર મિશ્રિત પાણી આવે
સૌથી પહેલા અમે વોર્ડ નંબર 11ના દિવાળીપુરા ગામમાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં ગટર મિશ્રીત પાણી આવે છે. અહીં અંબિકાનગર, રંગ અવધૂત વસાહત અમે અનંત પાર્ક સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. અહીં પાણી અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. પીવાનું પાણી તો રૂપિયા ખર્ચીને બહારથી લાવવુ પડે છે. અને વાપરવા માટે પણ ઘણીવાર પાણીના ટેન્કર મંગાવવા પડે છે. દિવાળીપુરા ગામમાં આવેલ અંબિકાનગર વસાહતમાં રહેતા કપિલાબેને જણાવ્યું હતું કે, જુઓ ભાઈ, આ અમારી પીવાની પાણીની ટાંકી છે. અહીં ગટરનું બધું ગંદુ પાણી ભેગું થાય છે. અમે આ સમસ્યા ઉકેલવા માટે 40,000 રૂપિયા ખર્ચ્યા છે, રોજ સિમેન્ટની થેલીઓ નાખીને કામ કરાવ્યું, પણ પાણી પાછું આવે છે. હવે તો અમે ટાંકી ભરવાનું જ બંધ કરી દીધું છે. અમારી તકલીફ તો પૂછો જ નહીં! ઘરમાં માણસો વધારે છે અને પાણી ઓછું આવે છે, તેમાંય આવું ગટરનું ગંદુ પાણી આવે તો વાપરવું કેવી રીતે? આ જુઓ, અહીં પથરા પણ ઊંચા-નીચા થઈ ગયા છે, ગંદકી ફેલાય છે અને ઉંદરોનો પણ ત્રાસ વધી ગયો છે. છ-છ મહિના સુધી ખાડા ખોદેલા રહે છે, જે અમે જાતે પુરાવ્યા છે. શું તમે આ બાબતે તમારા સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, અહીં કોઈ આવતું નથી ભાઈ! જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે જ લાઈનો લાગે છે. અમારું કામ કરવા કોઈ તૈયાર નથી. અમે રાત્રે બે-બે વાગ્યા સુધી જાગીને મજૂરો બોલાવી કામ કરાવ્યું છે, પણ તંત્ર તરફથી કોઈ મદદ મળતી નથી. 'ગટરની ફરિયાદ કરીએ તો નામ પૂરતી કામગીરી કરી જતા રહે છે'
અંબિકાનગર વસાહતમાં રહેતા તેજસભાઈ ધોબીએ જણાવ્યું હતું કે, અહીં ગટર સતત ભરેલી જ રહે છે. જ્યારે પણ અમે ફરિયાદ કરીએ ત્યારે કોર્પોરેશનના માણસો આવે છે, ફક્ત એક સળિયો મારીને ગટર ખોલવાનો પ્રયત્ન કરે છે અને પછી જતા રહે છે. તેઓ અમને કહે છે કે તમે મશીનવાળાને બોલાવો કે ટેમ્પાવાળાને બોલાવો. પાંચ મિનિટમાં સળિયો મારીને સહી કરાવીને તેઓ નીકળી જાય છે અને ચાર દિવસ પછી ગટર ફરી ભરાઈ જાય છે. પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભળે છે. ગંદકીના કારણે બીમારીઓ ફેલાઈ રહી છે. નાના છોકરાઓ જ્યારે હાથ-મોઢું ધોવા જાય છે ત્યારે આવું ગંદુ પાણી શરીરમાં જવાથી તેમને પેટમાં દુખાવો અને વાયરસની સમસ્યાઓ થાય છે. આ સમસ્યા છેલ્લા બે-ત્રણ વર્ષથી છે. ગટરની લાઈન આખી નીચે બેસી ગઈ છે. જ્યાં સુધી નવી લાઈન નાખવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ઉકેલાશે નહીં. અમે ઓનલાઈન અને રૂબરૂ ઘણી ફરિયાદો કરી છે, પણ કાયમી સોલ્યુશન આવતું નથી. ચોમાસામાં તો અમારે ઘર છોડી બીજે રહેવા જવું પડે છેઃ ગીતાબેન
દિવાળીપુરા ગામની રંગ અવધૂત વસાહતમાં રહેતા ગીતાબેન વઢવાઈએ જણાવ્યું હતું કે, અમારે ચોમાસામાં તો અમારે ઘર છોડીને બીજે રહેવા જવું પડે છે. મારું ઘર નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે ઘરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. ઘરનો બધો સામાન પલળી જાય છે અને ભારે નુકસાન થાય છે. ગત ચોમાસે તો અમારે એક મહિનો ઘરની બહાર રહેવું પડ્યું હતું. અધિકારીઓ અને નેતાઓ આવે છે પણ જોઈને જતા રહે છે, કોઈ નક્કર કામગીરી થતી નથી. કોઈ ઉકેલ આવતો જ નથી. જો તેઓ રૂબરૂમાં આવીને જુએ તો તેમને ખબર પડે કે અમે કેટલી તકલીફમાં જીવીએ છીએ. શાસનમાં કોઈપણ આવે અમારે અમારું કામ થવું જોઈએ- મુકેશ નાયક
દિવાળીપુરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ નાયકે જણાવ્યું હતું કે, સાહેબ, અહીં ઘણા સમયથી ગટર લાઈનની ગંભીર સમસ્યા છે. ગટરો ઉભરાવવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે. આને લીધે વિસ્તારના ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને અમારે વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે. અહીં વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી જનરેટર અને પાઇપલાઇનો મૂકી રાખવામાં આવી છે, પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. કોઈ જોવા પણ આવતું નથી. અમે વેરો ભરીએ છીએ, લાઈટ બિલ ભરીએ છીએ, છતાં અમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ચોમાસામાં અહીં ભુવા પડે છે, ખાડાઓ થાય છે અને લોકોના હાથ-પગ ભાંગે છે. જો કામ નહીં થાય તો અમારો મત આપવાનો કોઈ ઈરાદો નથી. કોઈ પણ સરકાર હોય ભાજપ કે કોંગ્રેસ અમને કામ જોઈએ છે. જનતાને અત્યારે બહુ તકલીફ છે. પ્રેશરથી પાણી ન મળતા પૈસા ખર્ચી ટેન્કર મંગાવવું પડે છે- વિભૂતિ પટેલ
દિવાળીપુરાની અનંત પાર્ક સોસાયટીમાં રહેતા વિભૂતિ પટેલે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય સમસ્યા પાણીની છે. છેલ્લા ઘણા સમયથી અમને પૂરતું પાણી મળતું નથી. જ્યારે પણ પાણી આવે છે ત્યારે તેનું પ્રેશર એટલું ઓછું હોય છે કે ઘરકામ પણ માંડ પૂરું થાય. એમાંય ઉનાળામાં તો હાલત વધુ ખરાબ થઈ જાય છે. અમે ઘણી વાર રજૂઆતો કરી, પણ કોઈ સાંભળતું નથી. અમારે 600 રૂપિયા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવુ પડે છે. છેલ્લા દસ વર્ષથી પાણીની આ સમસ્યા છે. સાથે સાથે ગટર અને રસ્તાની પણ હાલત ખરાબ છે. અમે ટેક્સ ભરીએ છીએ, તો અમને સુવિધા કેમ નથી મળતી? કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરે છે પરંતુ કઈ રિઝલ્ટ મળ્યું નથી. 10 વખત કમ્પ્લેન કરીએ તો એકવાર આવે છે. અમારા વિસ્તારના કોર્પોરેટરને તો અમે ક્યારેય જોયા જ નથી. મારા વિસ્તારના ડેપ્યુટી મેયર છે, પણ અમે એમને ઓળખતા નથી. અહીંથી અમને ગદાપુરા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં લોકોના ઘરોમાં ગટર ઉભરાઈ રહી છે અને વુડાના મકાનમાં તો જીવવું દુષ્કર બની ગયું છે. અહીં ગટર લાઇનો ઉભરાઈ ગઈ છે અને પીવાનું પણ બહારથી લાવવું પડે છે. 'નેતાઓને 50 વાર રજૂઆત કરી પણ થઈ જશેના વાયદા જ આપે છે'
ગદાપુરા વિસ્તારમાં રહેતા મહિલા રમીલાબેન માળીએ જણાવ્યું હતું કે, હું તો અહીં વર્ષોથી રહું છું. પહેલા પરિસ્થિતિ આવી નહોતી, પણ હવે તો હદ થઈ ગઈ છે. અમારી ગટર ઉભરાઈ જાય છે. કોર્પોરેશનમાં અને સ્થાનિક નેતાઓને 50 વખત રજૂઆત કરી છે. દરેક વખતે એ લોકો 'થઈ જશે, થઈ જશે' કહીને વાયદા આપે છે, પણ કામ કોઈ કરતું નથી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ કંઈ કામ કરવાની ના પાડે છે. કોર્પોરેશનના કર્મચારીઓ આવીને પૈસા લઈને કામ કરે છે. તેમ છતાં સરખું કરીને જતા નથી. 'ચૂંટણી આવે એટલે સાડી, પૈસા અને પોટલીઓ આપીને મત ખરીદી લે છે'
ગદાપુરા વિસ્તારમાં રહેતા અમરસિંહભાઈએ જણાવ્યું હતું કે, અમે ઘણી વાર રજૂઆતો કરી છે. પણ વૉર્ડ વાળા એવું કહે છે કે "આ તો તમારે લાગે છે, તમારે સાફ-સફાઈ કરવાની." હવે તમે જ કહો, અમે વેરો તો બધો જ ભરીએ છીએ, ગટર વેરો પણ ભરીએ છીએ, તો પછી સફાઈ અમારે કેમ કરવાની? તેઓ અમારી પાસેથી પૈસા લે છે પણ કામ નથી કરતા. સફાઈ કામદારો આવે છે ખરા, પણ ઉપર ઉપરથી જોઈને જતા રહે છે. તેઓ પૈસા માંગે છે, અને પૈસા આપ્યા પછી પણ બરાબર કામ નથી કરતા. મેં પોતે 60 વર્ષની ઉંમરે 15 ફૂટ ઊંડી ચેનલમાં ઉતરીને ગટર સાફ કરી છે. જે કામ સફાઈ કામદારો નથી કરી શકતા, તે મારે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નેતાઓ તો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. ચૂંટણી નજીક આવે ત્યારે સાડીઓ, પૈસા અને પોટલીઓ આપીને મતો ખરીદી લે છે. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પણ આ વિસ્તારના છે, પણ તેઓ પણ કંઈ કરતા નથી. અમે અરજીઓ આપી આપીને થાકી ગયા છીએ, પણ બધું જ ઠપ્પ છે. કોઈ સાંભળવા તૈયાર નથી. અમે તો એટલું જ ઇચ્છીએ છીએ કે જે ગટર અને ગંદકીની સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે. ગરીબોને માત્ર 2000 રૂપિયા આપીને કે પેન્શન આપીને તમે તેમને ખરીદી ન શકો. અમને સુવિધાઓ જોઈએ છે, જેનો અમે વેરો ભરીએ છીએ. ગટરો એટલી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો- ભરત ભગતિયા
ગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા ભરતભાઈ ભગતિયાએ જણાવ્યું હતું કે, અમે વુડાના મકાનોમાં જ્યારથી અહીં રહીએ છીએ ત્યારથી જ આ ગંભીર સમસ્યાઓ છે. અહીં કોઈ જોવા પણ નથી આવતું. ગટરો એટલી બધી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો! પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નાના છોકરાઓ બહાર રમવા પણ નથી નીકળી શકતા. તમે જોઈ શકો છો આ ગંદકી ચારેબાજુ ફેલાયેલી છે. પીવાનું પાણી તો આવે છે પણ તે સાવ ગટરવાળું જ હોય છે. અંદર ગટરનું પાણી ભળેલું આવે છે. અમારે રોજ બહારથી પાણી ભરી લાવવું પડે છે. અમે ભાથુજીના મંદિરેથી પાણી ભરી લાવીએ છીએ. બધું પાણી અમારે ઊંચકીને લાવવું પડે છે કોઈ નેતા કે અધિકારી આવતું નથી, કોઈ જોવા પણ તૈયાર નથી. અહીંના નેતા ચિરાગભાઈ (ડેપ્યુટી મેયર) છે. પણ તેઓ અહીં ક્યારેય દેખાતા નથી. જો કોઈ નેતા અહીં રહેતા હોય તો તેમને ખબર પડે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તમે આખા વિસ્તારમાં ફરીને જુઓ તો જ અંદાજ આવશે કે અહીં કેટલી ગંદકી અને સમસ્યાઓ છે. ગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા રમીલાબેન જણાવ્યું હતું કે, અહીં સૌથી મોટી તકલીફ એ જ છે કે અમારા છોકરાઓને નિશાળે મૂકવા જઈએ ત્યારે રસ્તામાં બધે જ ગંદું પાણી ભરાઈ જાય છે. આ બધું જ પાણી ગંદું અને વાસ મારતું હોય છે. આ કાયમી સમસ્યા છે. ખાસ કરીને ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે છેક ઘર સુધી આવી જાય. રસ્તાઓ કાદવ-કીચડથી ભરાઈ જાય છે. બાળકો બિચારા આટલા પાણીમાં કેવી રીતે ભણવા જાય? એટલે વારંવાર એમની રજાઓ પડી જાય છે. એમના સ્કૂલના ટીચર પણ અમને બોલે છે, પણ આમાં અમારો શું વાંક? ભણતર પણ બગડે છે અને બીમારીનો ડર પણ રહે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સમસ્યા જોવા માટે કોઈ જ નથી આવતું. કેટલીય વાર રજૂઆત કરી પણ કોઈ ફરક પડ્યો નથી. જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે બધા જ નેતાઓ અહીં આંટા મારશે, પણ પછી કોઈ ગરીબ લોકોની હાલત જોવા નથી આવતું કે અમને કેટલી તકલીફ પડે છે. અમારી એક જ માંગણી છે કે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે અને રસ્તાઓ સરખા કરવામાં આવે જેથી અમારા બાળકો સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે અને અમારે આવી ગંદકીમાં જીવવું ન પડે. આખા વિસ્તારમાં લોકો પાયાની સુવિધાના અભાવથી ત્રાહિમામ છે- પ્રતાપસિંહ ચાવડા
વડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર 11ના પ્રમુખ પ્રતાપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડના વિવિધ વિસ્તારો જેવા કે અંબિકાનગર વસાહત, રંગઅવધૂત વસાહત અને અનંત પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ, ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ છે. ખાસ કરીને ચોમાસામાં તો આખા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. લોકો આ બધી પાયાની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ વહીવટદારો તેમની વાત સાંભળતા નથી. પાણી અને ગટરની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંના લોકોના મતે તો તેમણે આ કોર્પોરેટરોને ક્યારેય જોયા જ નથી અને કોઈ તેમને ઓળખતું પણ નથી. લોકોમાં ભારે રોષ છે કે આટલા પ્રતિનિધિઓ હોવા છતાં તેમના પ્રશ્નો વણઉકેલ્યા છે. છેલ્લા 30 વર્ષના શાસન પછી પણ વડોદરામાં રસ્તાઓની હાલત દયનીય છે. ઠેર-ઠેર રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે અને પાયાની સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. આખા વડોદરામાં અત્યારે આ જ પરિસ્થિતિ છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે- ચિરાગ બારોટ
વડોદરા વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 11 આમ તો પહેલેથી જ એક ડેવલપ થયેલો વિસ્તાર છે, કારણ કે તે અન્ય મહત્વના વોર્ડની વચ્ચે આવેલો છે. તેમ છતાં, છેલ્લા 5 વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે. અમે વોર્ડમાં 24 મીટર અને 30 મીટરના નવા પહોળા રોડ બનાવ્યા છે. અત્યારે બે મોટા બ્રિજ બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. એક વાસણા બ્રિજ અને બીજો સનફાર્મા રોડ પર કેનાલ પાસે બ્રિજ બની રહ્યો છે. આ ઉપરાંત, સુભાનપુરામાં લોકોની સુવિધા માટે 10 કરોડના ખર્ચે નવું અતિથિગૃહ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ અને જ્ઞાન માટે ઉત્કર્ષ સ્કૂલ પાસે 4 કરોડના ખર્ચે એક અદ્યતન લાઇબ્રેરી પણ બની રહી છે. આ રીતે રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે કરોડો રૂપિયાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વિસ્તાર હોય ત્યાં સમસ્યાઓ સંપૂર્ણપણે ક્યારેય નાબૂદ થતી નથી, તે તો રહેવાની જ. પરંતુ અમારો મુખ્ય હેતુ તેના ઉકેલ માટે ઝડપથી કામ કરવાનો છે. અમે સતત કામગીરી કરી રહ્યા છીએ અને જ્યાં પણ આવી તકલીફો હશે ત્યાં હજુ પણ વધુ તીવ્રતાથી અને આયોજનબદ્ધ રીતે કામ કરીશું, જેથી લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે.
Read Original Article →