વડોદરામાં 1200 કરોડના 'વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ'નો ફેઝ-2:10 વર્ષમાં બદલાશે નદીનો નકશો, 8.4 કિમીમાં બનશે રિવરફ્રન્ટ અને પાર્ક; પૂરથી બચવા 12 સ્થળે ગેબિયન વોલ ઊભી કરાશે

Gujarat5/15/2026, 12:35:00 AM
વડોદરામાં 1200 કરોડના 'વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ'નો ફેઝ-2:10 વર્ષમાં બદલાશે નદીનો નકશો, 8.4 કિમીમાં બનશે રિવરફ્રન્ટ અને પાર્ક; પૂરથી બચવા 12 સ્થળે ગેબિયન વોલ ઊભી કરાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરાયા બાદ હવે ચોમાસા પહેલા બીજા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે. નદીના પુનરોદ્ધાર અને સંરક્ષણ માટે નવલાવાલા કમિટીના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશન તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ કામગીરી ગત વર્ષે શરુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કાની કામગીરી બાદ ચોમાસા પહેલા હવે બીજા તબક્કાની કામગીરી શરુ કરાશે. મહાનગરપાલિકા અંતર્ગત આવતા વિસ્તારમાં ગેબિયન વોલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ગત વર્ષે નદીને ઊંડી અને પહોળી કરાઈ હતી બે વર્ષ પૂર્વે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરે સર્જેલી તબાહીથી નાગરિકોને કરોડો રૂપિયાનું માતબર નુકસાન વેઠવું પડ્યું હતું. આ ભયાનક સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી, નદીની જળવહન ક્ષમતામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તેને ઊંડી અને પહોળી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આ કામગીરીને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે ખાસ 'નવલાવાલા કમિટી'ની રચના કરવામાં આવી હતી. આ સમિતિના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે 100 દિવસના ટૂંકા ગાળામાં નદીના પાળા મજબૂત કરવા અને નદીના પટને ઊંડો-પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં અને સિંચાઈ વિભાગ દ્વારા બાકીના વિસ્તારોમાં અસરકારક રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ વર્ષે મંજૂરી મુજબ કામ કરીશું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ એ લોન્ગ ટર્મ પ્રોજેક્ટ છે. ગત વર્ષે 60થી 65 કરોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ જેમ-જેમ મંજૂરી મળશે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. આ એક વર્ષ માટેનો પ્રોજેક્ટ નથી, જેથી સરકાર દ્વારા મંજૂરી મળ્યા મુજબ કામગીરી કરવામાં આવશે. પ્રિ-મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનમાં તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. અમારી પ્રાથમિકતા પૂરની સ્થિતિ ન સર્જાય તે રહેશે. નદીમાં ઠાલવાયેલા કન્સ્ટ્રક્શન કચરાના નિકાલની કામગીરી ચાલે છે હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા પોતાના અહેવાલમાં નોંધ કરવામાં આવી હતી કે, નદીના કેટલાક વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કચરો ઠાલવી ડંપિંગ કરવામાં આવ્યું છે અને તેના કારણે નદીમાં કેટલીક જગ્યાએ અવરોધ ઉભા થઇ રહ્યા છે. જે અંગે મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે, આગળના વર્ષોમાં કોઈ દ્વારા આ ડંપિંગ કરવામાં આવ્યું છે, અમે સ્થળ મુલાકાત લીધી છે અને હાલમાં આ કચરાના નિકાલ માટેની કામગીરી ચાલી રહી છે. તે ધીરે-ધીરે નિકાલ કરવામાં આવશે અને આ અંગે નવલાવાલા કમિટીનું પણ માર્ગદર્શન મેળવવામાં આવશે. 12 સ્થળોએ ગેબિયન વોલ સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવશે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતા મ્યુ. કમિશનરે જણાવ્યું કે, આ વર્ષે જ્યાં જરૂર હશે ત્યાં નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત નવલાવાલા કમિટીએ 12 સ્થળોએ ગેબીયન વોલ સ્ટ્રક્ચર ઉભું કરવાનું સૂચવ્યું છે, બ્રિજની નીચે પ્રોટેક્શન વોલ બનાવવાનું આયોજન છે. જેના આધારે આ ચોમાસા પહેલા શક્ય હશે તેટલા સ્થળોએ આ સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવશે. આ અંગે અમે ગ્રાન્ટની રાહ જોતા હતા, જે આવી ગઈ છે અને તેનું તબકકાવાર કામ શરુ કરવામાં આવશે. તે આગામી 20 વર્ષનો પ્રોજેક્ટ છે પરંતુ, ચોમાસા પહેલા જે કામગીરી શક્ય હશે તે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત પાણીના પ્રવાહને નિયમિત કરવા માટેની કામગીરી કરવામાં આવશે. નદીના 48 કિ.મી. પૈકી 8.4 કિ.મી.માં રિવરફ્રન્ટ બનાવશે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનો 48 કિ.મી. જેટલો પટ વહે છે, જે પૈકી 40 કિ.મી. વિસ્તારમાં નદીના ઊંડાણ તેમજ પહોળી કરવા ઉપરાંત મગર તેમજ અન્ય જળચરો માટે વ્યવસ્થા કરવામાં આવશે. અંદાજે 8.4 કિમી વિસ્તારમાં રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટનું આયોજન કરવામાં આવશે. આ અંગેનો DPR બનાવીને તેનું આયોજન કરવામાં આવશે રિવરફ્રન્ટને અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવશે મ્યુ. કમિશનરના જણાવ્યા અનુસાર રિવરફ્રન્ટ એ અલગ-અલગ ભાગમાં વહેંચાયેલો હશે, તેમાં સિનિયર સિટીઝન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, વોકિંગ એરિયા, સાયકલ ટ્રેક જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરી શકે. પર્યાવરણના સંરક્ષણ સાથે લોકોને સુવિધા મળે તે માટેનું આયોજન છે. આ તમામ આયોજન લાંબાગાળાનું છે જે આગામી 10 વર્ષમાં પૂર્ણ થઇ શકે છે. ટૂંકાગાળાના આયોજન માટેની કામગીરી શરુ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને પૂરની સ્થિતિ ન સર્જાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. આજવા અને પ્રતાપપુરા સરોવરને આ વર્ષે પણ ઊંડા કરશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવા માટેની કામગીરી આ વર્ષે પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વોટર સેન્સર લગાવવાનું પણ આયોજન છે. જોકે, તે લાંબાગાળાનું આયોજન છે. આ કામગીરી એક મહિનામાં પૂર્ણ થઇ શકે તેમ નથી. સરોવરને ઊંડા કરવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અરજી પણ મંગાવવામાં આવી છે, અમે રોયલ્ટી લઈને આ કામગીરી સોંપવાના છે. ઉપરવાસમાં ડાયવર્ઝન કેનાલ અને ચેકડેમ બનાવાશે લાંબાગાળાના આયોજનમાં ઉપરવાસમાં ડાયવર્ઝન કેનાલ ઉપરાંત સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસે 14 કિ.મી. કેનાલ ડાયવર્ઝનનું કામ કરવા માટેની પરવાનગી પણ માંગવામ આવી છે, જેના ઉપર આવનારા દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ચેકડેમ અંગેની પણ મજૂરી બાદ આ કામગીરી હાથ ધરવામાં આવશે. વડોદરાવાસીઓને પૂર જેવી ભયાનક સ્થિતિમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા 'વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ' હેઠળ લાંબાગાળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નદીના ઊંડાણ અને પહોળાઈ વધારવાથી લઈને રિવરફ્રન્ટ અને સુરક્ષાત્મક ગેબિયન વોલ સુધીની આ વિવિધ કામગીરી આગામી વર્ષોમાં નદીના સ્વરૂપને સંપૂર્ણપણે બદલી નાખશે. હાલમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે ત્યારે વડોદરાવાસીઓ પણ આશા રાખી રહ્યા છે કે, આ પ્રોજેક્ટથી વિશ્વામિત્રી નદી ફરી એકવાર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Read Original Article →