મ્યુ. કમિશનર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક:વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવારણ સમિતિની બેઠક મળી, વિશ્વામિત્રી નદી અને કાંસોની સફાઈ માટે ડ્રોન દ્વારા મોનીટરીંગ કરાશે

Gujarat5/27/2026, 1:57:41 PM
મ્યુ. કમિશનર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક:વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવારણ સમિતિની બેઠક મળી, વિશ્વામિત્રી નદી અને કાંસોની સફાઈ માટે ડ્રોન દ્વારા મોનીટરીંગ કરાશે
વડોદરા શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પૂર નિયંત્રણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રિ-મોન્સૂન કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સફાઈની ગુણવત્તા જાળવવા માટે ડ્રોન સર્વે અને વીડિયોગ્રાફી હાલમાં શહેરના અનેક વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે. પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કાંસની સફાઈ તેમજ ગટરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. શહેરના ચારેય ઝોનમાં પ્રગતિ હેઠળના વિવિધ વરસાદી કાંસોની ડ્રેજિંગ અને સફાઈની કામગીરીની સમીક્ષા કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે આ તમામ કામગીરી ચોમાસું બેસે તે પહેલાં જ દરેક સંજોગોમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ખાસ કરીને આ વર્ષે સફાઈ કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ કામગીરીનું ડ્રોન સર્વે અને વીડિયોગ્રાફી દ્વારા સતત અને કડક મોનીટરીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પૂરના પાણીને ડાયવર્ટ કરવા માટે ફલડ ડાયવર્ઝન ચેનલનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવેલ રીસેક્સનીંગ અને ડિસલ્ટિંગની સફળ કામગીરી બાદ, આ વર્ષે બાકી રહેલા લાંબા ગાળાના આયોજનો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નદીના પૂરના પાણીને વહેલાસર ડાયવર્ટ કરવા માટે ફલડ ડાયવર્ઝન ચેનલનું આયોજન હાથ ધરવા માટે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, નદી કાંઠાનું ધોવાણ અટકાવવા અને આસપાસના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે શહેરના 5 અત્યંત મહત્વના અને સંવેદનશીલ સ્થળોએ ગેબિયન વોલ બનાવવાની કામગીરી ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરી લેવાશે, તેમજ સયાજીબાગ ઝૂ ની પાછળ બની રહેલી રિટેઈનિંગ વોલનું કામ પણ હાલ અંતિમ તબક્કામાં હોવાનું બેઠકમાં જણાવાયું હતું. આજવા અને પ્રતાપપુરા સરોવરની ડ્રેજીંગની કામગીરી શરુ થશે પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાના મુખ્ય સ્ત્રોત સમાન આજવા અને પ્રતાપપુરા સરોવર ખાતે બાકી રહેલી ડ્રેજિંગની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક ડ્રેજિંગ કામગીરીથી સરોવરોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેના પરિણામે પૂરના સમયે પાણીના સંગ્રહમાં તંત્રને મોટી રાહત મળશે અને શહેરમાં પાણી ઘૂસવાનું જોખમ ઘટશે. આ સાથે જ, શહેરના જે તળાવોમાં ગત વર્ષે ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું, તે સિવાયના બાકીના તમામ નાના-મોટા તળાવોમાં પણ ડ્રેજિંગ કરી તેની ઊંડાઈ વધારવાની કામગીરી હાથ ધરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધુ સારી રીતે સ્થાનિક સ્તરે જ થઈ શકે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમિતિના તમામ સભ્યો અને વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નિર્ધારિત સમયમર્યાદામાં તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.
Read Original Article →