AC અને LED TV બારોબર સસ્તામાં વેચી દીધા:વડોદરામાં વિજય સેલ્સના વેરહાઉસમાંથી 17 લાખ રૂપિયાની કિંમતના AC અને LED TV ગાયબ, ડિલિવરીના ટેમ્પો ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ, 2 આરોપીની ધરપકડ
વડોદરા શહેરના વિજય સેલ્સના પદમલા સ્થિત વેરહાઉસમાંથી 17.17 લાખથી વધુ કિંમતના 30 AC અને 15 LED ટીવી ગાયબ થઈ ગયા હતા. આ મામલે કંપનીના ડિલિવરી ટેમ્પો ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ઓડિટ દરમિયાન સ્ટોકમાં મોટો ઘટાડો જણાતા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ડ્રાઇવર ડિલિવરી બિલમાં દર્શાવેલા માલ ઉપરાંત વધારાના AC અને LED TV ટેમ્પોમાં ભરી લઈ જતો જોવા મળ્યો હતો. આ કેસમાં છાણી પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના વિજય સેલ્સમાં ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવતા નિકુંજકુમાર નટવરલાલ પાઠકે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ કંપનીના વડોદરાના 5 સ્ટોર માટે પદમલા-રણોલી સ્ટેશન રોડ પર આવેલા વેરહાઉસમાંથી ઇલેક્ટ્રોનિક્સ સામાનનું વિતરણ કરવામાં આવે છે. 22 મે દરમિયાન કંપનીના સ્ટોર પરથી મળેલા ઓર્ડરો મુજબના AC અને LED TV સ્ટોકમાં હોવા છતાં વેરહાઉસમાં મળી આવ્યા નહોતા. જેના પગલે 22થી 28 મે દરમિયાન કંપનીના ઓડિટરોએ વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું. ઓડિટ દરમીયાન અલગ-અલગ કંપનીઓના કુલ 30 AC અને 15 LED TV મળી 17,17,220 રૂપિયાનો સ્ટોકમાંથી ગાયબ હતો. જેને પગલે વેરહાઉસમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં ટેમ્પો ડ્રાઇવર દર્શનભાઈ કંચનભાઈ વસાવા અલગ અલગ દિવસોમાં ડિલિવરી માટેના માલ ઉપરાંત વધારાના AC અને LED TV ટેમ્પોમાં લોડ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. ઘણી પોલીસ સ્ટેશનના પીઆઇ રવિ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પાીએસઇઆઈ જે. જે. ડાભી અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, દર્શન વસાવા છેલ્લા અઢી વર્ષથી હોમ ડિલિવરીનું કામ કરતો હતો. તેણે પોતાના આર્થિક લાભ માટે અન્ય કર્મચારીઓની નજર ચૂકવી વેર હાઉસમાંથી માલ ચોરી કરીને સસ્તા ભાવે વેચાણ કરી દીધો હતો. તેની સાથે સાથે વિજય સેલ્સના વેરહાઉસમાં અગાઉ ટેમ્પો ચલાવતા રાકેશ વણઝારાની પણ સંડોવણી ખૂલી છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેને પગલે છાણી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →