વડોદરામાં વલ્લભાચાર્યજીનો 549મો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ:કારેલીબાગ હવેલીથી નીકળશે વિશાળ શોભાયાત્રા, સ્વામિનારાયણ ગ્રાઉન્ડમાં ધર્મસભા અને દિવ્ય મનોરથ દર્શન
વડોદરા શહેરમાં સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આગામી 13 એપ્રિલ 2026, સોમવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. ચૈત્ર વદ એકાદશીના આ પાવન પર્વે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તિ અને સમાનતાનો દિવ્ય સંદેશ
આશરે 500 વર્ષ પહેલાં વલ્લભાચાર્યજીએ ભારતીય સનાતન ધર્મમાં એક ક્રાંતિકારી વિચારધારા વહેતી કરી હતી. તેમણે શાસ્ત્રોક્ત આધારો સાથે સમજાવ્યું કે ભક્તિના માર્ગે સ્ત્રી અને શૂદ્રો સહિત તમામ જીવોને પરમાત્માની પ્રાપ્તિનો સમાન અધિકાર છે. પશુબલી જેવી પ્રથાઓનો વિરોધ કરી તેમણે પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને ભગવાન પ્રત્યે સ્નેહ, સેવા તથા સમર્પણનો માર્ગ બતાવ્યો. વેદાંતમાં સાકાર બ્રહ્મવાદનો પ્રચાર કરવા માટે તેમણે ઉઘાડા પગે ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી હતી. વૈષ્ણવાચાર્યોની પ્રેરક ઉપસ્થિતિ
આ મંગલ મહોત્સવના અધ્યક્ષ તરીકે પીઠાધીશ્વર ગોસ્વામી મથુરેશજી મહારાજ બિરાજશે. કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી યોગેશ્વરજી મહોદયની મંગલ ઉપસ્થિતિ રહેશે, જ્યારે મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક તરીકે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી દ્રુમિલકુમારજી મહોદય ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન
ઉત્સવના દિવસે બપોરે 12:15 કલાકે મહાપ્રભુજીના ઉત્સવ તિલક (રાજભોગ) દર્શન થશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે સંધ્યા આરતી બાદ કારેલીબાગ સ્થિત ગોવર્ધનનાથજી હવેલીથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. બેન્ડ-વાજા, ડંકા, નિશાન, છત્ર અને ચામર જેવા રાજવી લવાજમ સાથે નીકળનારી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણ ગ્રાઉન્ડ પહોંચશે. અહીં યોજાનારી ધર્મસભામાં આચાર્યોના વચનામૃત બાદ તમામ ભાવિકો માટે એકાદશી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 9:30 વાગ્યે ગોવર્ધનનાથજી હવેલી ખાતે નાગદમન નાથજી પ્રભુના દિવ્ય મનોરથના દર્શન યોજાશે. આ આખી ઉજવણીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોને ઉમટી પડવા આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.
Read Original Article →