મનપા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વનો નિર્ણય:ટાઉન વેન્ડીંગ કમિટીની રચના કરવામાં આવશે, 9 વર્ષ બાદ પુનઃ સ્ટ્રીટ વેન્ડરનો સર્વેની પ્રક્રિયા હાથ ધરાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની આંતરિક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને લારી-ગલ્લા ધારકોના રોજગારના યોગ્ય વ્યવસ્થાપન માટે વડોદરા શહેરના હદ વિસ્તારમાં ધંધો અને રોજગાર કરતા તમામ ફેરીયાઓ તેમજ લારી-ગલ્લા ધારકો માટે નવા હોકિંગ ઝોન અને નોન-હોકિંગ ઝોન બનાવવામાં આવશે. આ સાથે જ વેન્ડર્સને લગતી તમામ ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુથી ટાઉન વેન્ડિંગ કમિટીની નવેસરથી રચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના માટે આગામી ટૂંક સમયમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન પણ કરવામાં આવશે. 2017 બાદ ફરી એકવાર સ્ટ્રીટ વેન્ડરનો સર્વે કરાશે
તંત્ર દ્વારા જણાવાયું છે કે, અગાઉ વર્ષ 2017માં વડોદરા શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સનો એક વિગતવાર સર્વે કરવામાં આવ્યો હતો. હવે પાલિકા દ્વારા ફરી એકવાર ખૂબ જ ટૂંક સમયમાં નવેસરથી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં 2017ના સર્વે દરમિયાન એકત્રિત કરાયેલા ડેટાબેઝ અને માહિતીનો પણ સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવશે. સરકારની સત્તાવાર ગાઈડલાઈન અનુસાર, આ નવીન સર્વેક્ષણમાં નોંધાયેલા તમામ સ્ટ્રીટ વેન્ડર્સ માટે ખાસ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા દ્વારા જે સભ્યો ચૂંટાશે, તેમનો નવીન ટાઉન વેન્ડિંગ કમિટીમાં સમાવેશ કરાશે. આ કમિટીમાં ઓફિશિયલ અને નોન-ઓફિશિયલ સભ્યો, વિવિધ NGOના પ્રતિનિધિઓ અને વેન્ડર્સ દ્વારા ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ કરીને કાયદેસરનું માળખું તૈયાર કરાશે. નવી રચનારી ટાઉન વેન્ડિંગ કમિટી પાસે વ્યાપક સત્તાઓ રહેશે
આ નવી રચનારી ટાઉન વેન્ડિંગ કમિટી પાસે વ્યાપક સત્તાઓ રહેશે, જે અંતર્ગત તેઓ કાયમી ધોરણે હોકિંગ અને નોન-હોકિંગ ઝોન નક્કી કરશે, દરેક માન્ય સ્ટ્રીટ વેન્ડર્સને સત્તાવાર ઓળખ પત્ર એનાયત કરશે તેમજ શહેરી ફેરિયાઓ માટેની માસિક પરવાના ફીનું ધોરણ પણ નક્કી કરશે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં વેન્ડિંગ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો તે પણ કમિટી નક્કી કરશે. હાલના તબક્કે સામાન્ય સભા દ્વારા મંજૂર કરાયેલી પ્રોવિઝનલ કમિટીની જોગવાઈઓ અને નિયમો અનુસાર જ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના 14 રસ્તાઓ ઉપર સ્ટ્રીટ વેંડિંગની પ્રવૃત્તિ પર રોક
મહાનગરપાલિકાએ અખબારી યાદીમાં કડક સૂચના આપતા જણાવ્યું છે કે, પ્રાથમિક તબક્કે વડોદરા શહેરના મુખ્ય 14 રસ્તાઓને ચિહ્નિત કરવામાં આવ્યા છે, જ્યાં હવેથી કોઈપણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગની પ્રવૃત્તિ કરી શકાશે નહીં. આ સિવાયના અન્ય વિસ્તારો અથવા રસ્તાઓ પર હાલમાં જે ફેરિયાઓ ધંધો કરી રહ્યા છે, તેઓ માત્ર સાંજના 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી જ પોતાની જગ્યા પર ધંધો-રોજગાર કરી શકશે. રાત્રે 11 વાગ્યા પછી દરેક સ્ટ્રીટ વેન્ડર્સે નિયમ મુજબ પોતાની લારી કે પથારા ફરજિયાતપણે ત્યાંથી હટાવી લેવાના રહેશે અને જાહેર જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી કરવાની રહેશે. પાલિકા પ્રશાસને વડોદરાના તમામ શહેરી ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને આ નવી વ્યવસ્થાની તાકીદે નોંધ લઈ તેનો ચુસ્ત અમલ કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે.
Read Original Article →