જો તમે પણ કાર ભાડે આપતા હોય તો ચેતી જજો!:દમણ ફરવાના નામે થાર ગાડી ભાડે લઈ ગઠિયો રફુચક્કર, ખોડિયારનગરના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરમાં કાર ભાડે આપવાના બહાને વાહન પડાવી લઈ છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખોડિયારનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતા વેપારીની કિંમતી મહિન્દ્રા થાર ગાડી ભાડે મેળવ્યા બાદ એક શખ્સ કાર પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ઈન્સ્ટાગ્રામ પર થાર ગાડી ભાડે આપવાની જાહેરાત મૂકી હતી
મળતી માહિતી મુજબ, વડોદરાના ન્યુ વી.આઈ.પી. રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા ધર્મેશભાઈ ક્રિશ્નારામ પ્રજાપતિ ખોડિયારનગર ખાતે રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. તેમના પિતાએ પરિવારના વપરાશ માટે મહિન્દ્રા થાર રોક્સ ગાડી ખરીદી હતી. આ ગાડી મોટાભાગે ઘરે જ પડી રહેતી હોવાથી ધર્મેશભાઈએ તેમના મિત્ર કરણભાઈ તડવીને જણાવ્યું હતું કે, જો કોઈ સેલ્ફ-ડ્રાઈવ માટે ભાડે ગાડી માંગે તો આપણી થાર ગાડી ભાડે આપીશું. આથી કરણભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર આ થાર ગાડી ભાડે આપવાની જાહેરાત મૂકી હતી. દૈનિક ₹ 6500 લેખે બે દિવસનું ભાડું નક્કી કર્યું
આ જાહેરાત જોઈને જયેશભાઈ પરમાર નામના એક શખ્સે કરણભાઈનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેને દમણ ફરવા જવા માટે ગાડીની જરૂર છે. વ્હોટ્સએપ પર ફોટા જોયા બાદ ગાડી પસંદ આવતા, દૈનિક ₹ 6500 લેખે બે દિવસનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જયેશ પરમાર ફતેહગંજ બ્રિજ નીચે આવેલી એસ.બી.આઈ. બેંક પાસે આવ્યો હતો. ત્યાં તેણે પોતાની લાઈસન્સની નકલ, આધારકાર્ડની નકલ, આઈ.ડી.એફ.સી. બેંકનો ચેક અને કોન્ટ્રાક્ટ પર સહી કરી ધર્મેશભાઈના મિત્ર કરણને આપી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે બે દિવસમાં ગાડી પરત કરી દેશે. ગાડી પરત ન આવી અને લઈ જનારનો ફોન બંધ
જો કે, નક્કી કરાયેલી સમયમર્યાદા બાદ ગાડી પરત ન આવતા ધર્મેશભાઈ અને તેમના મિત્રને શંકા ગઈ હતી. તેમણે જયેશ પરમારના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. આજ દિન સુધી આ શખ્સે ગાડી પરત ન કરી કોઈ સંપર્ક ન રાખતા, આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →