ખાનગી સ્કૂલના શિક્ષકોને વસ્તી ગણતરીનું કામ સોંપાતા નારાજગી:વોર્ડ 10ની કચેરીએ શિક્ષકો પહોંચ્યા, કહ્યું 'અમને જબરદસ્તી કામગીરી સોંપવામાં આવી છે, અમારે આ કામગીરી કરવી નથી'
વડોદરા શહેરમાં ખાનગી શાળાઓના શિક્ષકો પોતાની સળગતી સમસ્યા અંગે વહીવટી તંત્રને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. સરકાર દ્વારા ખાનગી શાળાના શિક્ષકોને વસ્તી ગણતરી જેવી બિન-શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ કે સરકારી શાળાના શિક્ષકોને સોંપાતી આ કામગીરીમાં હવે ખાનગી શાળાઓના સ્ટાફને પણ જોતરવામાં આવતા, તમામ શિક્ષકો એકત્રિત થઈને આદેશનો વિરોધ કરવા અને પોતાની રજૂઆત વહીવટી અધિકારીઓ સુધી પહોંચાડવા માટે ઉમટી પડ્યા હતા. વસ્તી ગણતરીની કામગીરી કરવા શિક્ષકો તૈયાર નથી
સ્થાનિક કચેરી ખાતે પહોંચેલા શિક્ષકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ આ વસ્તી ગણતરીની કામગીરી કરવા બિલકુલ તૈયાર નથી અને આ વધારાનો બોજ તેમની પરથી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે. વિરોધ કરી રહેલા શિક્ષકોએ પોતાની વ્યથા ઠાલવતા વહીવટી તંત્ર સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું કે, અમારું મુખ્ય કામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું અને તેમનું ભવિષ્ય ઘડવાનું છે. જો અમે આખો દિવસ વસ્તી ગણતરીના સરકારી ફોર્મ ભરવામાં, ઘરે-ઘરે ફરીને ડેટા એકઠો કરવામાં અને આવી બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહીશું, તો પછી શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવીશું ક્યારે? 'વસ્તી ગણતરી સમય માંગી લે તેવી પ્રક્રિયા છે'
શિક્ષકોના મતે, ખાનગી શાળાઓમાં પહેલેથી જ શૈક્ષણિક સત્ર દરમિયાન ઘણો બધો કાર્યભાર હોય છે, જેમાં અભ્યાસક્રમ સમયસર પૂરો કરવો, પરીક્ષાઓ લેવી અને ઈતર પ્રવૃત્તિઓનું સંચાલન કરવું વગેરે બાબતો સામેલ છે. આવા સમયે વસ્તી ગણતરી જેવી સમય માંગી લેતી જટિલ કામગીરી તેમના પર થોપી દેવાશે તો તેની સીધી નકારાત્મક અસર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પરિણામ પર પડશે. વોર્ડ ઓફિસે પહોંચ્યા પણ વોર્ડ ઓફિસર ન મળ્યા
શિક્ષકો વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ 10ની કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે ત્યાં અધિકારી હાજર ન હતા જેથી શિક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. જો કે શિક્ષકો હાલમાં સરકાર દ્વારા સોંપેલી કામગીરીના વિરોધમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે તેઓને આ કામગીરીમાંથી મુક્તિ મળે છે કે કેમ તે આવનાર સમય બતાવશે.
Read Original Article →