અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત:છાણીના GSFC બ્રિજ પાસે બેફામ ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે મોત

Gujarat4/6/2026, 3:19:13 PM
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત:છાણીના GSFC બ્રિજ પાસે બેફામ ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે મોત
અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વડોદરા પાસે છાણીના GSFC બ્રિજ પાસે ઓવર સ્પીડે જતા ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રિક્ષામાં સવાર બે લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિકોએ રોડ કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો કર્યા છે. રિક્ષાને ટક્કર માર્યા બાદ આઇસર અને એક્ટિવા સાથે અથડાયું મળતી માહિતી મુજબ 6 એપ્રિલ સોમવારની સાંજે વડોદરા શહેર નજીક છાણી વિસ્તારમાં આવેલા GSFC બ્રિજ પાસે હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એક ટેન્કર ચાલક ઓવર સ્પીડમાં હાઇવે પર વાહન હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે પહેલા આગળ જતી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, રિક્ષા એકબાજુ ફંગોળાઈ ગઈ હતી. ત્યારબાદ બેકાબૂ બનેલું ટેન્કર આગળ ચાલી રહેલા આઇસર ટ્રક અને એક્ટિવા સાથે પણ ધડાકાભેર અથડાયું હતું. રિક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર મુકેશ પરમાર અને ભાઈલાલ ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાએ આસપાસના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય કેટલાક લોકોને પણ ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિકજામ અકસ્મતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી જતાં અનેક વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને સુચારૂ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બંનેના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખસેડાયા પોલીસે બંને મૃતદેહોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. છાણી પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →