વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે પૂનમભાઈ જાધવના નામની જાહેરાત:ભાજપે મેન્ડેટ સાથે પાંચેય મુખ્ય હોદ્દેદારો જાહેર કર્યા; આવતીકાલે સત્તાવાર વરણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ વડોદરા તાલુકા પંચાયતમાં નવા શાસક પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા તેજ બની છે. આ અંતર્ગત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SCBC)ના રોટેશન રિઝર્વેશન મુજબ નવા પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના સત્તાવાર મેન્ડેટ અનુસાર, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ ઉર્ફે બી.જે. બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પક્ષના મુખ્ય 5 પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પૂનમભાઈ જાધવ પ્રમુખ, જ્યારે વનિતાબેન ટાટોડ બન્યા ઉપપ્રમુખ
પક્ષના હાઇકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નામો મુજબ, વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કોયલી-1 બેઠકના સભ્ય પૂનમભાઈ જાધવની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે વનિતાબેન ટાટોડના નામ પર મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત, પંચાયતની તિજોરી અને વહીવટની ચાવી સમાન ગણાતા કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશ ઠાકોરની વરણી કરાઈ છે. શાસક પક્ષના દંડક (વ્હીપ) તરીકે પુંજીબેન રબારી અને તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણાની જવાબદારી સોંપવામાં આવી છે. 30માંથી 29 બેઠકો સાથે ભાજપનું એકચક્રી શાસન
વડોદરા તાલુકા પંચાયતના રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, અહીં કુલ 30 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને 29 બેઠકો પર વિજયધ્વજ લહેરાવ્યો છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સમેટાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતાબેન પરમાર કાર્યરત હતા, જેમની મુદ્દત પૂર્ણ થતાં આ વખતે અનામત બેઠકના નિયમ મુજબ પૂનમભાઈ જાધવને આ સર્વોચ્ચ પદની કમાન સોંપવામાં આવી છે. આવતીકાલે ફોર્મ ભરીને સત્તાવાર પદગ્રહણ કરશે હોદ્દેદારો
જિલ્લા ભાજપ સંગઠને આ નવી નિમણૂકો સાથે વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવાનો અને સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે. પક્ષ તરફથી નામોની જાહેરાત થઈ ગયા બાદ, હવે નિર્ધારિત પ્રક્રિયા મુજબ તમામ ચૂંટાયેલા હોદ્દેદારો જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે અને આવતીકાલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કરશે. ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ આપ્યા
ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપે મેન્ડેટ આપી દીધું છે. ભાજપે બક્ષીપંચ મહિલા અનામત પ્રમુખ પદ માટે ભીખીબેન લાલજીભાઈ રબારી ચનવાડા અને ઉપપ્રમુખ પદ માટે ભાસ્કર વલ્લભભાઈ પટેલને મેન્ડેટ આપ્યો છે. જ્યારે કારોબારી ચેરમેન પદ માટે મનોજ ધરમદાસ પટેલ, પક્ષના નેતા પદ માટે શોભનાબેન દિવ્યેશકુમાર પટેલ તથા દંડક માટે કૃણાલ મહેશભાઈ પટેલને મેન્ડેટ આપ્યો છે. આવતીકાલે બોર્ડ બનાવવા પક્ષનાં મળેલ મેન્ડેટના આધારે સેવાસદન ખાતે દરખાસ્ત થશે. સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ્રમુખની વરણી
જ્યારે સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે રવિન્દ્ર વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે જસવંતસિંહ ભાલીયાની નિયુક્તિ થઈ છે.જ્યારે કારોબારીની જવાબદારી બ્રિજેશ પટેલ અને દંડક તરીકે હિરલબેન મકવાણા તથા શાસક પક્ષના નેતા તરીકે તીરથસિંહ રાઠોડની વરણી કરી છે.
Read Original Article →