ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી ગઈ:વડોદરાના સુભાનપુરામાં વર્ધમાન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે શોર્ટ સર્કિટથી આગ, તમામ ઈલેક્ટ્રીક પેનલ બળીને ખાખ થઈ ગઈ
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માળે ઓફિસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ છાણી ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા શહેરના હાઈટેન્શન રોડ પર આવેલ વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માટે આવેલી એક ઓફિસમાં આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં હાજર તમામ લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી છાણી ટીપી 13 અને વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમગ્ર ઓફિસમાં ધુમાડો ફેલાઈ જતા ઓક્સિજન માસ્ક પહેરી ફાયર બ્રિગેડના જવાનોએ કુલિંગની કામગીરી કરી હતી. સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને વર્ધમાન કોમ્પ્લેક્સમાં આવેલી બેંકમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવી હતી. આગ બુજાવી દીધી છે. કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
Read Original Article →