SSG હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસથી લિફ્ટ બંધ:ડાયાલિસિસના દર્દીઓ ભારે હાલાકી, દર્દીના સગાએ કહ્યું; ડોક્ટરોએ કીધું દિધું છે કે, અહીં લિફ્ટ બંધ છે, દર્દીને ગોત્રી હોસ્પિટલ લઈ જાવ, રોજ ધક્કા ખાઈએ છીએ

Gujarat6/9/2026, 8:34:49 AM
SSG હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસથી લિફ્ટ બંધ:ડાયાલિસિસના દર્દીઓ ભારે હાલાકી, દર્દીના સગાએ કહ્યું; ડોક્ટરોએ કીધું દિધું છે કે, અહીં લિફ્ટ બંધ છે, દર્દીને ગોત્રી હોસ્પિટલ લઈ જાવ, રોજ ધક્કા ખાઈએ છીએ
વડોદરા શહેરની સયાજી(SSG)હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસથી લિફ્ટ સેવા બંધ હોવાના કારણે ડાયાલિસિસ સહિત સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લિફ્ટ બંધ થતાં ખાસ કરીને વૃદ્ધ, ગંભીર અને ડાયાલિસિસના દર્દીઓને હોસ્પિટલમાં અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડાયાલિસિસ માટે આવતા કેટલાક દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે, જેના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સ્થિતિને કારણે દર્દીઓના સમય અને ખર્ચમાં પણ વધારો થયો છે. લિફ્ટ સેવા બંધ હોવાથી સારવાર પ્રક્રિયામાં વિલંબ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. હોસ્પિટલના મેન્ટેનન્સ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે, સામાન્ય રીતે એક દિવસમાં પૂર્ણ થઈ શકે તેવી મરામતની કામગીરી અનેક દિવસોથી અટવાયેલી છે, જેના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સમગ્ર મામલે ડાયાલિસિસ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દર્દીઓએ તાત્કાલિક લિફ્ટ સેવા પુનઃ શરૂ કરી તેમની મુશ્કેલીઓનો અંત લાવવા અને સારવાર વ્યવસ્થાને સરળ બનાવવા હોસ્પિટલ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા જાવેદ અલી મકરાણીએ જણાવ્યું હતું કે, મારા પિતાજીને છેલ્લા 4 દિવસથી ઉલ્ટીઓ બંધ નહોતી થતી. અમે શુક્રવારે પણ દવા લઈ ગયા હતા, પણ કોઈ ફેર ન પડ્યો. એટલે આજે સવારે તેમની તબિયત વધુ બગડતાં અમે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સીમાં અહીં લાવ્યા હતા. ડોક્ટરોએ તપાસ કરીને કહ્યું હતું કે, થોડી સમસ્યા વધારે છે એટલે તેમનું ડાયાલિસિસ કરવું પડશે. અમે પણ ડાયાલિસિસ કરાવવા માટે તૈયાર થઈ ગયા હતા, કારણ કે અહીં અગાઉ પણ ડાયાલિસિસ થતું જ હતું અને લોહીની જરૂર પડે તો અમે લોહીની વ્યવસ્થા પણ કરી આપતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મુશ્કેલી એ આવી કે, હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોએ અમને એવું કીધું કે, અહીં લિફ્ટ બંધ છે, એટલે તમે દર્દીને ગોત્રી હોસ્પિટલ લઈ જાવ." છેલ્લા ત્રણ દિવસથી તેઓ બધા દર્દીઓને ગોત્રી મોકલી રહ્યા છે. તેઓ કહે છે કે છેલ્લા 4-5 દિવસથી લિફ્ટ બંધ છે. સામાન્ય રીતે 24 કલાકમાં લિફ્ટ રિપેર થઈ જવી જોઈએ, પણ આટલી મોટી હોસ્પિટલનું મેનેજમેન્ટ 4થી 5 દિવસમાં એક લિફ્ટ રિપેર કરાવી શકતું નથી. અમે એવું પણ કહ્યું છે કે, અમારા મિત્રો સાથે મળીને અમે પિતાજીને એક માળ ઉપર જાતે ઊંચકીને લઈ જઈશું, પણ તોય તેઓ સારવાર કરવાની ના પાડે છે અને ધારાસભ્યની ઓફિસમાંથી પણ એવું કહેવામાં આવ્યું કે લિફ્ટ બંધ હોવાને કારણે અહીં કામ નહીં થાય. તેઓએ ઉમેર્યું હતું કે, અમે છેલ્લા 4-5 કલાકથી અહીંથી તહીં ગોળ-ગોળ ફરી રહ્યા છીએ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આ માત્ર મારા એકલાના પિતાનો સવાલ નથી. અમદાવાદ પછી એશિયામાં બીજા નંબરે આ હોસ્પિટલનું નામ આવે છે. અહીં દરરોજ કેટલાય ગરીબ દર્દીઓ આવે છે. જો એક લિફ્ટ બંધ થવાને કારણે આ લોકો દર્દીઓને ગોત્રી ધક્કા ખવડાવશે, તો આ મેનેજમેન્ટ શું કામનું? અમારી માંગ છે કે લિફ્ટ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને દર્દીઓને અહીં જ યોગ્ય સારવાર મળે. સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર એ જણાવ્યું હતું કે, લિફ્ટની આઈ.સી. બળી ગઈ છે. વળી, આ લિફ્ટ જૂના મોડેલની હોવાથી તેના પાર્ટ્સ મળવામાં થોડી મુશ્કેલી પડે છે. આ બાબત સંપૂર્ણપણે મારા ધ્યાનમાં જ છે અને મેં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગને તાકીદ પણ કરી દીધી છે. આ કામગીરી અમારી પ્રાથમિકતામાં છે અને અમે વહેલી તકે લિફ્ટ કાર્યરત કરવા પ્રયત્નશીલ છીએ. ​
Read Original Article →