મધ્ય પ્રદેશથી વડોદરા મેફેડ્રોન સપ્લાય કરનાર પકડાયો:13 લાખ રૂપિયાની કિંમતના MD ડ્રગ્સના 2 કેસનો આરોપી ઇન્દોરથી ધરપકડ, વડોદરા SOG પોલીસની ટીમે મધ્યપ્રદેશ પહોંચીને ડ્રગ્સ સપ્લાયરને દબોચ્યો, એક વર્ષથી ફરાર હતો
વડોદરા શહેરના મકરપુરા તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.ના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા વોન્ટેડ સપ્લાયર મોહંમદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલરહીમ ખાન (પઠાણ)ને વડોદરા SOGની ટીમે ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા એસ.ઓ.જી. પોલીસના પીઆઇ બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકમંદો પર સતત વોચ રાખવામાં આવી રહી હતી. મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.ના બે ગુનાઓની તલસ્પર્શી તપાસ દરમિયાન વોન્ટેડ સપ્લાયર મોહંમદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલરહીમ ખાનનું નામ સામે આવ્યું હતું. આરોપીને પકડવા માટે એસ.ઓ.જી. પોલીસની ટીમ મધ્યપ્રદેશના મંદસૌર અને ઇન્દોર ખાતે મોકલવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ ચલાવી છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી મોહંમદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલરહીમ ખાન (પઠાણ) મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ગુદરી મહોલ્લા વિસ્તારમાં રહે છે. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ પાસેથી 77.870 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ સાથે કુલ રૂ. 7.84 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ કેસમાં શહરહુસૈન લીયાકતહુસૈન મનસુરી સહિતના આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન જપ્ત કરાયેલા મેફેડ્રોનના સપ્લાયર તરીકે મોહંમદ જુબેરનું નામ ખુલ્યું હતું. આ ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિબુતા નગર એવન્યુમાંથી 51.97 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રૂ. 5.39 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ કેસમાં મમતાદેવી ઉર્ફે માયા ભગત અને પાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ દરમિયાન આ જથ્થાના સપ્લાયર તરીકે પણ મોહંમદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલરહીમ ખાનનું નામ સામે આવ્યું હતું. હાલ એસ.ઓ.જી. દ્વારા આરોપીની પૂછપરછ કરી નાર્કોટિક્સ નેટવર્કના અન્ય સગા-સંબંધો અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →