કચરાના ઢગલાની દુર્ગંધથી 50 સોસાયટી સહિત મકરપુરાના રહીશો ત્રાહિમામ:'સ્માર્ટ સિટીના નામે કરોડો ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા', ટેક્સ લેવા શહેરમાં ભેળવ્યાનો વડદલાના સ્થાનિકોનો આક્ષેપ

Gujarat4/5/2026, 1:00:00 AM
કચરાના ઢગલાની દુર્ગંધથી 50 સોસાયટી સહિત મકરપુરાના રહીશો ત્રાહિમામ:'સ્માર્ટ સિટીના નામે કરોડો ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા', ટેક્સ લેવા શહેરમાં ભેળવ્યાનો વડદલાના સ્થાનિકોનો આક્ષેપ
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે ભાસ્કર ટીમ પહોંચી છે વડોદરા શહેરના વોર્ડ નં-19માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-19માં નવા વિસ્તારમાં વડદલા ગામનો પણ સમાવેશ થાય છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીશું. ​વડોદરા શહેરના તરસાલી અને જામ્બુવા બ્રિજ વચ્ચે નેશનલ હાઈવે પર આવેલી ડમ્પિંગ સાઈટ પર આખા શહેરનો કચરો ઠાલાવવામાં આવે છે. જેને કારણે કચરાનો મોટો ઢગલો થઈ ગયો છે. જેથી આસપાસની 40થી 50 સોસાયટીના અને મકરપુરા ગામના રહીશો દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે. આ ઉપરાંત હાઈવે પરની હોટેલોના સંચાલકો પણ ત્રાસી ગયા છે. હોટલમાં લોકો જમવા પણ આવતા નથી. જેને કારણે ધંધા પણ ઠપ થઈ ગયા છે. તરસાલી વિસ્તારના સ્થાનિક અગ્રણી રાકેશ પાટીલે જણાવ્યું હતું કે, વડોદરામાં 'સ્માર્ટ સિટી' ના નામે કરોડો રૂપિયા આવ્યા, પણ એ માત્ર ભાજપના નેતાઓના ખિસ્સામાં જ ગયા હોય તેવું લાગે છે. વડદલાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવ્યા, કોઈ સુવિધાઓ મળતી નથી. ઇન્દિરા નગરમાં લોકોને પાણી મળતું નથી, પોતાના પૈસે બોટલ મંગાવા મજબૂર વડોદરા શહેરના વોર્ડ નંબર-19ના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને રસ્તાની સમસ્યાઓથી અહીંના લોકો ત્રસ્ત થઈ ગયા છે. આ સમસ્યાઓને ઉકેલવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમના આ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે વોર્ડ નંબર 19ના લોકોમાં ભારે આક્રોશ છે. સૌથી પહેલા અમે ઇન્દિરા નગરમાં પહોંચ્યા, જ્યાં અહીંના લોકોને પાણી જ મળતું નથી. લોકો પીવા માટે પૈસા ખર્ચને બોટલ મંગાવે છે. વેરો ભરતા હોવા છતાં પાણી જેવી પ્રાથમિક સુવિધાનો મળતા અહીંના લોકોમાં ભારે આક્રોશ છે. રસ્તાઓ ઉબડખાબડ, ચોમાસામાં તો ઘરોમાં પાણી ઘૂસે છે અહીં ગટરો પણ ઉભરાય છે. તેમના વિસ્તારના રસ્તાઓ સાંકડા હોવાથી એમ્બ્યુલન્સ પર આવી શકતી નથી. આગ લાગે તો ફાયર બ્રિગેડની ગાડી પણ ન પહોંચી શકે. અહીંના રસ્તાઓ ઉબડખાબડ છે. જેને કારણે સિનિયર સિટીઝન ઘણીવાર પડી જાય છે અને અકસ્માતો પણ થાય છે. આ ઉપરાંત વીજ થાંભલાઓ પડી જાય તેવી સ્થિતિમાં છે, જેને કારણે ભયનો પણ માહોલ છે. ચોમાસામાં તો ઘરોમાં પાણી ઘૂસી જાય છે. જેથી ઘરનો સામાન પણ પલળી જાય છે. 'અમે વેરા નિયમિત ભરીએ છીએ, છતાં સુવિધા નથી' ઇન્દિરાનગરના સ્થાનિક મહિલા હીરાબેને વ્યથા રજૂ કરતા કહ્યું કે, આ રોડનો તો બહુ જ પ્રોબ્લેમ છે. અમે ચાલવા જઈએ તો ઠોકર વાગે છે અને કેટલીય વાર પડી પણ જવાય છે. હું પોતે બે-ત્રણ વાર પડી ગઈ છું. રસ્તો એટલો ખરાબ છે કે ચાલવું મુશ્કેલ છે અને બાઇક વાળા પણ કેટલીય વાર અહીં લપસીને પડી જાય છે. 'અમારા વિસ્તારમાં કોઈ નેતા ડોકાતું પણ નથી' સ્થાનિક હીરાબેને વધુમાં જણાવ્યું હતું કે, પાણીના નળની લાઈન તો હજી સુધી આવી જ નથી. અમે તો બોરિંગ કરાવીને પાણી મેળવીએ છીએ. પાઈપો આવી ગઈ છે પણ નાખવા કોઈ આવ્યું નથી. અમે ઘર દીઠ 3000-3000 રૂપિયા પણ ઉઘરાવીને આપ્યા છે છતાં કામ થતું નથી. કોઈ પણ નેતા અહીં જોવા આવતું નથી. અમારા વિસ્તારમાં કોઈ નેતા ડોકાતું પણ નથી. 'ખુલ્લા વાયરોને કારણે એક નાના છોકરાને કરંટ લાગ્યો હતો' ઇન્દિરાનગરના સ્થાનિક મહિલા સોનલબેન જોષીએ જણાવ્યું હતું કે, આ વીજળીના થાંભલાની સમસ્યા છે. આ થાંભલા એટલા બધા નીચા થઈ ગયા છે અને એવી હાલતમાં છે કે ગમે ત્યારે પડી શકે તેમ છે. એક થાંભલો તો સાવ અંદર ઘૂસી ગયો છે અને પડવાની અણી પર છે. ચોમાસામાં આ ખુલ્લા વાયરોને કારણે એક નાના છોકરાને કરંટ લાગ્યો હતો. એ છોકરાના પિતા તો દુબઈ હતા, પણ અહીં પબ્લિક ભેગી થઈ ગઈ અને જેમ-તેમ કરીને એ બાળકનો જીવ બચાવ્યો. આ વાયરો સાવ નીચા છે, જે ખૂબ જ જોખમી છે. 'પીવાનું પાણી તથા ગટરની સુવિધા આપો' સ્થાનિક મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. અમને નવા થાંભલા જોઈએ, આ જોખમી વાયરો બદલી આપો, રસ્તા વ્યવસ્થિત કરો અને પીવાનું પાણી તથા ગટરની સુવિધા આપો. ખુલ્લા નાળામાંથી આવતી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ભાસ્કર ટીમ ઇન્દિરા નગરથી આગળ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર તરસાલી બાયપાસ પાસે પહોંચી, જ્યાં ખુલ્લા નાળામાં ગટરના પાણી છોડાયા છે. જેને કારણે અહીં દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ છે. લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. 'વડોદરાના સાંસદ હેમાંગ જોશીનો આ વિસ્તાર છે' તરસાલી વિસ્તારના સ્થાનિક અગ્રણી રાકેશ પાટીલે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 19માં છેલ્લા 30 વર્ષમાં કોઈપણ જાતનો વિકાસ થયો નથી. જે પરિસ્થિતિ 30 વર્ષ પહેલાં હતી, એ જ પરિસ્થિતિ અત્યારે પણ છે. તમે આ નાળાની સ્થિતિ જોઈ શકો છો. વડોદરાના સાંસદ હેમાંગ જોશી, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વોર્ડ નંબર 19ના કોર્પોરેટરો ઘનશ્યામ પટેલ, અલ્પેશ લીંબચીયા અને હેમલતાબેન તડવીનો વિસ્તાર છે. આ લોકોએ શું કામ કર્યા છે તે અહીં પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. 'સ્થાનિકો પરેશાન, પણ તંત્ર કે નેતાઓ કંઈ સાંભળવા તૈયાર નથી' રાકેશ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ આખો રહેણાંક વિસ્તાર છે અને અહીંથી જ વડોદરામાં હાઈવે પરથી એન્ટ્રી થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ શહેરમાં પ્રવેશે ત્યારે તેને સૌથી પહેલા આ ખુલ્લાં નાળાં અને ગટર જ જોવા મળે છે. શું આને સ્માર્ટ સિટી કહેવાય? આ નાળાના કારણે અહીં મચ્છરોનો ભારે ત્રાસ છે. 'અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવ્યા, કોઈ સુવિધાઓ મળતી નથી' વડોદરા શહેરનો વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યો છે, જેમાં વડદલા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વડદલા ગામ પહેલા આવતી સોસાયટીઓનો પણ સમાવેશ થાય છે. દિવ્ય ભાસ્કરની ટીમે સોસાયટીઓમાં પહોંચી, અહીંના રહીશો પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે પરંતુ અહીંના રહીશો પાણી માટે આજે પણ વલખા મારે છે. અહીં સ્ટ્રીટ લાઈટનો સદંતર અભાવ છે. રાત્રિના સમયે રોડ સુમસામ બની જાય છે. અહીંયા લોકો કહે છે કે, અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવવામાં આવ્યા છે, અમને કોઈ સુવિધાઓ મળતી નથી. ગામડામાં રહેતા હોય તેવું લાગે છે. કોઈ નેતા અહીં જોવા માટે આવતા નથી. 'સૌથી મોટી સમસ્યા રોડની અને લાઈટની છે' વડદલા રોડ પર આવેલ તીર્થ એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા મંગાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા રોડની અને લાઈટની છે. રોડ પર સ્ટ્રીટ લાઈટ સમયસર ચાલુ નથી થતી અને ઘણી જગ્યાએ લાઈટો વચ્ચે અંતર વધારે હોવાથી અંધારું રહે છે. બીજું, આ રોડનું કામ વર્ષોથી અધૂરું પડ્યું છે. વડદલા રોડ પર ઢગલા કરી છોડી દે છે. જેના કારણે રાત્રે અંધારામાં કેટલાય સિનિયર સિટીઝનોના એક્સિડન્ટ થયા છે, પણ તંત્રની નજરમાં આ આવતું નથી. 'વડોદરામાં ભેળવ્યા પછી કોઈ ફાયદો થયો નથી, માત્ર નુકસાન છે' મંગાભાઈ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, પાણીની ટાંકી બની ગઈ તેને પણ કેટલાય વર્ષો થઈ ગયા છે. આજુબાજુના વિસ્તારોમાં પાણી ચાલુ થઈ ગયું છે પણ અમારી સોસાયટીમાં હજુ પાણી આવતું નથી. અમે રજૂઆત કરવા જઈએ તો કહે છે કે કનેક્શન લેવા માટે પૈસા ભરો. અમે બિલ્ડરને વાત કરીએ તો તે પણ 'ભરું છું, ભરું છું' કહીને વાયદા કરે છે. અમને ટેક્સના નામે વડોદરામાં ભેળવી દીધા છે પણ સુવિધા ઝીરો છે. ટેક્સ ભરવામાં મોડું થાય તો વ્યાજ લે છે, પણ સુવિધા ન આપવા બદલ કોઈ વ્યાજ આપતું નથી. અમારા માણસો અને બિલ્ડર પાણી માટે ત્રણ-ચાર ધક્કા ખાઈ આવ્યા છે. સોસાયટીના લોકો પણ રજૂઆત કરવા ગયા છે, પણ ત્યાંથી મીઠો જવાબ આપી દે છે અને પછી બધું ભૂલી જાય છે. અમને વડોદરામાં ભેળવ્યા પછી કોઈ ફાયદો થયો નથી, માત્ર નુકસાન જ ગયું છે. '15-20 સોસાયટીઓમાં હજુ પણ પાણીની તકલીફ' વડદલા રોડ પર આવેલી તીર્થ એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા કિરણ મકવાણાએ જણાવ્યું હતું કે, અમે 2013થી આ સોસાયટીમાં રહીએ છીએ. 2019માં આ વિસ્તાર કોર્પોરેશનમાં આવી ગયો છે, પરંતુ હજુ સુધી અમને કોર્પોરેશનની કોઈ પાયાની સુવિધાઓનો લાભ મળ્યો નથી. ન તો કોઈ કોર્પોરેટર કે મંત્રીએ અમારી મુલાકાત લીધી છે કે ન તો અમારી તકલીફો પર ધ્યાન આપ્યું છે. અહીં પાણીની ટાંકી બની ગઈ છે અને વડદલા રોડની શરૂઆતમાં આવેલી નવી નગરી તેમજ વડદલા ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. 'અમને પાયાની સુવિધાઓ જ ન મળતી હોય, તો આ ટેક્સ લેવાનો અર્થ શું?' કિરણ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ટેક્સ ભરીએ છીએ, પણ ખબર નથી પડતી કે આ ટેક્સ કઈ સુવિધા માટે લેવામાં આવે છે. જો અમને પાયાની સુવિધાઓ જ ન મળતી હોય, તો આ ટેક્સ લેવાનો અર્થ શું?, રસ્તાનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ચૂંટણીઓ નજીક આવી એટલે કામ બંધ થઈ ગયું છે. રસ્તા પર જે ચેમ્બરો બનાવવામાં આવ્યા છે તે દોઢથી બે ફૂટ ઊંચા છે, જે ખૂબ જ જોખમી છે. ગઈકાલે જ હું ટુ-વ્હીલર પર આવતો હતો ત્યારે સામેથી બસ આવતી હતી, મારે અચાનક બ્રેક મારવી પડી કારણ કે આ ઊંચા ચેમ્બરોને લીધે અકસ્માત થવાનો પૂરો ભય રહે છે. મારી એટલી જ વિનંતી છે કે વિકાસ માત્ર વડોદરાના અમુક વિસ્તારો પૂરતો સીમિત ન રાખતા અહીં પણ ધ્યાન આપે. 'ચૂંટણી વખતે જ નેતાઓ આવે છે, બાકી કોઈ આવતું નથી' સ્થાનિક મહિલા હરમિંદર કૌર સંધુએ જણાવ્યું હતું કે, અમે ઈમાનદારીથી વોટ આપવા જઈએ છીએ, પણ અહીં કોઈ આવવા તૈયાર નથી. બહુ જ તકલીફ પડે છે. રસ્તામાં એટલા ખાડા છે કે ગાડી ચલાવીએ તો પેટમાં દુખવા લાગે છે. કોઈને એક્સિડન્ટ થાય કે કોઈ બીમાર પડે, તો એને કેવી રીતે દવાખાને લઈ જવો એ તો અમને જ ખબર છે. ચોમાસામાં તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. પીવાના પાણીની પણ સમસ્યા છે અને અમે વેરા તો પૂરેપૂરા ભરીએ છીએ, છતાં કોઈ સુવિધા મળતી નથી. 'બધા ખાલી 'હા કરીશું' કહીને ચૂંટણી વખતે જ દેખાય છે' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બહુ બધી રજૂઆતો કરી છે, અમે બોલ્યા પણ ખરા, પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી. બધા ખાલી 'હા કરીશું, હા કરીશું' કહીને ચૂંટણી વખતે જ દેખાય છે. અત્યારે તો એવું લાગે છે કે બધાય આંધળા-બહેરા અને મૂંગા થઈ ગયા છે. પેલી કહેવત છે ને કે 'અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા' – બસ એવી જ હાલત અહીં થઈ ગઈ છે. 'એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી' વડોદરાના વોર્ડ નં. 19ના કોંગ્રેસના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 19માં, ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં અને ડેપોની પાછળના ભાગમાં અનેક ગંભીર સમસ્યાઓ છે. સ્લમ વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે અને ગટરની કોઈ યોગ્ય સુવિધા નથી. અહીં રસ્તાઓ એટલા સાંકડા છે કે કોઈ ઇમરજન્સી હોય, જેમ કે ડિલિવરી કે અન્ય કોઈ જાનહાનિનો પ્રસંગ હોય, ત્યારે એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી. મેઈન રોડ પર સોસાયટીઓએ દબાણ કરેલું છે, જે દૂર કરવામાં આવતું નથી. અમે આ બાબતે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ‘મોદીના નામ પર વોટ મેળવીને જીતી જાય, પછી વિસ્તારમાં ફરતા પણ નથી’ વોર્ડ નં. 19ના કોંગ્રેસના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાજે કહ્યું કે, અહીંના કોર્પોરેટરોને તો વિસ્તારના લોકો ઓળખતા પણ નથી. તેઓ માત્ર મોદીજીના નામ પર વોટ મેળવીને જીતી જાય છે, પણ જીત્યા પછી વિસ્તારમાં ફરતા પણ નથી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે લોકો પરિવર્તન લાવે છે કે નહીં. કામ કરવાવાળા લોકો તો ઘણા છે, પરંતુ જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારના લોકોનું ભાગ્ય બદલાવાનું નથી. લોકો સુવિધાઓથી વંચિત છે અને હવે તેઓ જ નક્કી કરશે કે તેમને કેવું શાસન જોઈએ છે. રોડ, પાણી અને ગટરના કામો અમે કર્યા છે- પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 19ના ભાજપના પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, અમે અમારું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધું છે. મારા વોર્ડ નંબર 19માં અમારા સંયુક્ત પ્રયાસોથી આશરે 375 કરોડના કામો ફક્ત અમારા વોર્ડમાં જ થયા છે. રોડ, પાણી અને ગટરના કામો અમે કર્યા છે. ઘનશ્યામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાની મુખ્ય એન્ટ્રી ખૂબ સરસ બનાવવામાં આવી છે. તરસાલી વોર્ડ 19ના જંક્શનથી હાઈવે સુધીનો રસ્તો જે બાકી હતો, ત્યાં પાણી ભરાતું હોવાથી RCC રોડ બનાવીને તેની ઊંચાઈ વધારી બહુ સરસ કામગીરી કરવામાં આવી છે. ઉમા વિદ્યાલય વાળો 18 મીટરનો રસ્તો પણ શરૂ કરી દીધો છે અને સરદાર પટેલ સ્ટેચ્યુથી રવિ પાર્ક બાજુનો રસ્તો પણ મંજૂર થઈ ગયો છે જે ટૂંક સમયમાં શરૂ થશે. 'તહેવારને લીધે મજૂરો વતન ગયા હોવાથી કામ અટક્યું છે' ઘનશ્યામ પટેલે કહ્યું કે, 24 કરોડના ખર્ચે પાણી માત્ર નેટવર્ક ઊભું કર્યું છે. વડદલા રોડ પર જૂની સોસાયટીઓએ કોર્પોરેશનમાં અરજી કરીને સર્વે કરાવીને પાણીના કનેક્શન માટેના જરૂરી પૈસા ભરવાના હોય છે. મેં પોતે સોસાયટીએ સોસાયટીએ જઈને લોકોને આ પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા છે. જે લોકો પ્રોસીજર પૂર્ણ કરે છે તેમને કનેક્શન મળી જ રહ્યા છે. તેને વધુમાં કહ્યું કે, આ ઉપરાંત ઈન્દિરા નગર (Aથી E ભાગ)માં ₹1500ની યોજના હેઠળ મોટાભાગે પાણી અને ગટરના કામો પૂર્ણ કર્યા છે. ફક્ત એક જ ભાગ બાકી છે જ્યાં હોળીના તહેવારને લીધે મજૂરો વતન ગયા હોવાથી કામ અટક્યું છે. જેવી હોળી પૂરી થશે, તે કામ પણ પૂર્ણ થશે. સાંકડી ગલીઓમાં પથ્થર અને મોટા રસ્તાઓ પર કાર્પેટ સીલકોટ રોડ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.
Read Original Article →