આસ્થાના કેન્દ્રનું ડિમોલિશન:ટીપી 13માં આનંદદીપ સોસાયટીના કોમનપ્લોટમાં શિવલિંગ VMCના જેસીબીથી તોડી પડાયું; સ્થાનિકોએ કહ્યું- મુઘલોના શાસનમાં આવું થતું

Gujarat5/20/2026, 9:33:16 AM
આસ્થાના કેન્દ્રનું ડિમોલિશન:ટીપી 13માં આનંદદીપ સોસાયટીના કોમનપ્લોટમાં શિવલિંગ VMCના જેસીબીથી તોડી પડાયું; સ્થાનિકોએ કહ્યું- મુઘલોના શાસનમાં આવું થતું
વડોદરા શહેરમાં આસ્થાના કેન્દ્ર સમાન સ્થાપિત શિવલિંગ ઉપર અંગત અદાવતે વીએમસીના એક અધિકારીએ જેસીબી ફેરવી દેતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છાણી ટીપી 13માં આવેલી આનંદદીપ સોસાયટીમાં રહીશો દ્વારા કોમન પ્લોટમાં સ્થાપિત કરાયેલું શિવલિંગ કોઈક કારણોસર તોડી પાડવામાં આવ્યું હતું. જો કે આ અંગે સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ઓટલો બનાવીને શિવલિંગ મૂકાયું હતું સોસાયટીના કોમન પ્લોટમાં રહીશો દ્વારા શ્રદ્ધાપૂર્વક શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. સોસાયટીની વૃદ્ધ મહિલાઓ કોમન પ્લોટમાં જ ઇશ્વરની આરાધના કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. રહીશો દ્વારા ફાળો એકત્રિત કરી શિવલિંગ બનાવાયું હતું. અહીં કોઈ પાકું બાંધકામ નહી, પરંતુ ઓટલો બનાવીને તેના ઉપર શિવલિંગ મૂકાયું હતું. VMCના જેસીબીથી ઓટલો તોડ્યો સ્થાનિકોના આક્ષેપ છે કે, કોર્પોરેશનમાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા અધિકારી કીર્તિ ચાર્પોટ આ જ સોસાયટીમાં રહે છે તેઓ દ્વારા કોઈ પણ નોટિસ કે કોઈ પણ જાણ કર્યા વગર જ કોર્પોરેશનનું જેસીબી બોલાવી શિવલિંગ અને તેનો ઓટલો તોડી પાડવાં આવ્યો હતો. ત્યારબાદ શિવલિંગને નજીકની કેનાલમાં પધરાવી દીધું હતું. જો કે પવિત્ર શિવલિંગને આ પ્રકારે કોઈ ચોક્કસ કારણ વગર અથવા અંગત અદાવતના કારણે અચાનક તોડી પાડવામાં આવતા સમગ્ર પંથકમાં અને સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. ધાર્મિક પ્રતીક પર બુલડોઝર ચલાવવાની આ કાર્યવાહીને પગલે લોકલાગણી દુભાઈ છે અને વાતાવરણ તંગ બન્યું છે. ‘મુઘલોના શાસનમાં આવું થતું હતું’ સોસાયટીના વૃદ્ધ મહિલા શશી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં અનેક વૃદ્ધો છે જેઓ દૂર મંદિર સુધી જઈ શકતા નથી. અમે આ કોમન પ્લોટને સાફ કરી અહીં અનેક વૃક્ષો વાવ્યા છે. અને અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતું. જો કે કોઈ પણ જાણ કર્યા વગર આ શિવલિંગ તોડી પાડવામાં આવ્યું હતું. આવું તો મુઘલોના શાસનમાં થતું હતું. સોસાયટીના રહીશોએ ફાળો ઉઘરાવી આ શિવલિંગની સ્થાપના કરી હતી. અન્ય એક રહીશ આશિષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અહીં બપોરના સમયે શિવલિંગ તોડી પાડવામાં આવ્યું. સ્થાપિત કર્યાના માત્ર ચાર જ કલાકમાં આ શિવલિંગ ગેરકાયદેસર બાંધકામ છે તેમ જણાવી તોડવામાં આવ્યું. અમે પોલીસને પણ આ અંગે જાણ કરી, પરંતુ પોલીસે પણ સમાધાન કરવાનું જણાવી ફરિયાદ લીધી ન હતી. એક મહિલા મનિષાબહેને જણાવ્યું હતું કે, સોસાયટીના કોમન પ્લોટમાં એક ખૂણામાં આ મંદિર બનાવાયું હતું. અહીં બાળકો, વૃદ્ધો, મહિલાઓ પૂજા અર્ચના કરનાર હતા અને વારે તહેવારે અહીં બધા એકત્રિત થઈ ધાર્મિક આસ્થા પ્રગટ કરવાના હતા. ત્યારે આ મંદિર કેમ તોડી પાડવામાં આવ્યું એ એક પ્રશ્ન છે. કોમન પ્લોટના વિવાદમાં કોર્પોરેશન કેમ વચ્ચે પડ્યું? આ મામલે મંદિર તોડવામાં ભૂમિકા ભજવનાર વીએમસીના અધિકારી કીર્તિ ચાર્પોટે જણાવ્યું હતું કે, 51 મકાનોની સોસાયટીમાં 33થી વધુ મકાનના લોકો મંદિરની વિરૂદ્ધમાં હતા અને અમે આ અંગે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ કરવાના હતા. લોકો વિરૂદ્ધમાં હતા એટલે શિવલિંગનો ઓટલો તોડી શિવલિંગ આસ્થાભેર કેનાલમાં પધરાવી દીધું હતું. જો કે તેઓએ વીએમસીના જેસીબીનો ઉપયોગ કેમ કર્યો તે અંગે પૂછતા તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને પોતે બહાર હોવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એ ઊભા થાય છે કે શું વીએમસીના અધિકારી હોય એટલે પોતાની મનમાની ગમે ત્યાં કરી શકાય? તેઓ દ્વારા કાયદેસર રીતે નોટિસ આપીને આ બાંધકામ હટાવવાની પ્રક્રિયા કેમ ન કરી? શું કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો પણ તેઓને સપોર્ટ હતો? સોસાયટીના કોમન પ્લોટમાં બંધાયેલા મંદિરમાં કોર્પોરેશન કેમ સામેલ થયું? તેવા અનેક સવાલો છે. સામાન્ય રીતે ધાર્મિક સ્થળો કે પ્રતીકો હટાવતા પહેલા કાયદાકીય પ્રક્રિયા અને નોટિસ આપવી અનિવાર્ય હોય છે, પરંતુ આ કિસ્સામાં આવી કોઈ પણ યોગ્ય પ્રક્રિયા વિના સીધું જેસીબી ફેરવી દેવાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સોસાયટીની મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને તંત્રના આ અમાનવીય અને પક્ષપાતી વલણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
Read Original Article →