30 વર્ષીય યુવકના 50 વર્ષની મહિલા સાથે પ્રેમસંબંધનો કરુણ અંત:મંદિરમાં દર્શન કર્યા બાદ ખેતરમાં અંગતપળો માણવા ગયા, મહિલાએ પ્રેમસંબંધ જાહેર કરવાની ધમકી આપતા હત્યા કરી નાખી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલી નિલગીરીના ખેતરમાંથી દોઢ મહિના પહેલા મળેલા અજાણી મહિલાના કંકાલના કેસમાં આરોપી પ્રેમીની સાવલી પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં 30 વર્ષના પ્રેમીએ સાબરકાંઠાની 50 વર્ષની આધેડ મહિલાની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં મહિલાએ પ્રેમસંબંધ અંગે યુવકના પરિવારને જણાવી દેવાની ધમકી આપતા હત્યા થઈ હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત અંગત પળો માણવા માટે યુવક મહિલાને લઈ ગયો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને યુવકે મહિલાનું કાસળ કાઢી નાખ્યું હતું. દોઢ મહિના પહેલા માનવ કંકાલ મળી આવ્યું હતું
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલા નિલગીરીના ખેતરમાંથી દોઢ મહિના પહેલા મહિલાનું કંકાલ મળી આવ્યું હતું. જેને પગલે સમગ્ર સાવલી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કંકાલને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને મહિલાની હત્યા કરીને લાશ ખેતરમાં ફેંકી દીધી છે. પ્રેમસંબંધ જાહેર કરવાની ધમકી આપતા મહિલાની હત્યા કરી
આ મામલે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, મેલડી માતાના મંદિર ખાતે આરોપી સાગરસિંહ દીપસિંહ મકવાણા અને મૃતક મહિલા ભાવનાબેને દર્શન કર્યા હતા. ત્યારબાદ 1 કિમી દૂર આવેલા ખેતરમાં ગયા હતા. જ્યાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો. યુવકે મહિલાને ઉછીના રૂપિયા આપ્યા હતા, તે પરત લેવા માટે યુવક દબાણ કરતો હતો. જેથી મહિલાએ પ્રેમ પ્રકરણ અંગે યુવકના પરિવારને જણાવી દેવાની ધમકી આપી હતી. જેથી ઉશ્કેલાઈ ગયેલા યુવકે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસે CCTVમાં સવા લાખ ચહેરા ચકાસીને બંનેની ઓળખ કરી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે પોલીસે મંદિરની આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા અને સવા લાખ લોકો ચેક કર્યા હતા. જેમાં આરોપી અને મૃતક મહિલા જોવા મળ્યા હતા. આ કેસમાં સાગરસિંહની ધરપકડ કરવામાં આવી છે. બંને વચ્ચે છેલ્લા છ મહિનાથી પ્રેમ સંબંધ હતો. આરોપી પરિણીત છે અને તેને સંતાનો પણ છે. જ્યારે મૃતક મહિલા વિધવા હતા. સાબરકાંઠા જિલ્લામાં રહેતા મહિલા ગુમ થયા બાદ ફરિયાદ નોંધાઈ હતી
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અંત્રોલીવાસ દોલજી ગામના રહેવાસી દિલીપસિંહ અર્જુનસિંહ પરમાર (ઉ.વ.30)એ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે દિલીપસિંહ ટ્રક ડ્રાઇવિંગ તેમજ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતા અર્જુનસિંહનું બિમારીને કારણે અવસાન થયા બાદ તેમની માતા ભાવનાબેન અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે રહેતા પોતાના ભાઈ ગોપાલભાઈ મગનભાઈ રાઠોડ સાથે રહેતા હત અને કેટરિંગ તથા પ્રવાસોમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા. ગત તા. 11 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે ગોપાલભાઈએ દિલીપસિંહને ફોન કરીને જણાવ્યું હતું કે, ભાવનાબેન તા. 30 માર્ચ 2026ના રોજ પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા, પરંતુ, હજુ સુધી પરત ફર્યા નથી. ત્યારબાદ પરિવારજનોએ વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પરિવારને લાગ્યું હતું કે, ભાવનાબેન પ્રવાસના કામે ક્યાંક ગયા હશે, કારણ કે તેઓ અગાઉ પણ લાંબા સમય સુધી બહાર રહેતા હતા અને મોબાઇલ ફોન ઘણીવાર બંધ રહેતો હતો. તપાસ દરમિયાન દિલીપસિંહની બહેન હીરલે જણાવ્યું હતું કે, ભાવનાબેન તા. 30 માર્ચે તેના ઘરે આવ્યા હતા અને કપડવંજ ખાતે સોની પાસે મૂકેલા ચાંદીના છડા છોડાવવા ગયા હતા. ત્યારબાદ તેઓ પાવાગઢ દર્શન કરવા જવાના હોવાનું કહી નીકળી ગયા હતા. ઘણા દિવસો સુધી કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ સગા-સંબંધીઓ તથા આસપાસના ગામોમાં શોધખોળ ચાલુ રાખી હતી. 18મેના રોજ ભાવનાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો
તપાસ દરમિયાન ગત તા. 18 મેના રોજ ગોપાલભાઈએ એક વ્યક્તિના મોબાઇલમાં ભાવનાબેનનો ફોટો જોયો હતો, જેમાં “આ સ્ત્રીને કોઈ ઓળખતું હોય તો સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો” તેવું લખાણ હતું. ત્યારબાદ પરિવારજનોએ સાવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે પરિવારને બતાવેલા ફોટોગ્રાફ પરથી ભાવનાબેન તથા તેમના કપડાંની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મુવાલ ગામની સીમમાં આવેલા નિલગીરીના ખેતરમાંથી ભાવનાબેનનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની બાજુમાંથી કપડાં, રૂ.1,000 રોકડા ભરેલું પાકીટ, એક ધાતુનો સિક્કો, ચાવી, ચંપલ, હાથની બંગડી અને વીંટી મળી આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ ભાવનાબેન પાસે ઓપ્પો કંપનીનો આછા વાદળી રંગનો મોબાઇલ ફોન તેમજ બે જોડી ચાંદીના છડા હતા, જે સ્થળ પરથી મળી આવ્યા નહોતાં. પરિવારજનોએ જણાવ્યું હતું કે ભાવનાબેન સંપૂર્ણ સ્વસ્થ હતા અને કોઈ માનસિક કે શારીરિક બિમારીથી પીડાતા નહોતા. જેથી કોઈ અજાણ્યા શખ્સે તેમને અવાવરૂ જગ્યાએ લઈ જઈ હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે સાવલી પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે.
Read Original Article →