વડોદરામાં શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની વૈશ્વિક ઉજવણી:હરણીના નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સત્સંગ યોજાયો
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મોત્સવની ઉજવણી વિશ્વભરમાં ઉત્સાહભેર કરવામાં આવી. આ વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે વડોદરામાં પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. વડોદરાના હરણી સ્થિત નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતે 13 મે, 2026ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુદર્શન હોમ અને મહા ગુરુ પૂજા બાદ પ્રસિદ્ધ કલાકાર શ્રી સચિન લિમયેના સાન્નિધ્યમાં ભક્તિમય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રબોધ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિશેષ ઉપસ્થિતિ આપી ગુરુદેવને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, ગુજરાતી ફિલ્મ “ધબકારો”ની ટીમે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં 2000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુરુદેવના માનવ સેવા, તણાવમુક્ત સમાજ અને વિશ્વશાંતિ માટેના અવિરત યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમના સમાપન બાદ ઉપસ્થિત સર્વે માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે, આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર, બેંગલુરુ ખાતે ગુરુદેવની ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં એક લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. જ્યારે “વિશ્વ શાંતિ માટે ગુરુદેવ સાથે વૈશ્વિક ધ્યાન” કાર્યક્રમમાં 182 દેશોના લાખો લોકો ઑનલાઇન જોડાયા હતા. આ ઐતિહાસિક ધ્યાન દ્વારા વિશ્વ શાંતિ અને સામૂહિક કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ગત કેટલાક અઠવાડિયાં દરમિયાન, આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પર શાસન, ઉદ્યોગ, મનોરંજન, શિક્ષણ અને સામાજિક નેતૃત્વ જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોએ મુલાકાત લીધી હતી. તેમણે માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, કુદરતી ખેતી, નદી પુનર્જીવન અને આપદા રાહત જેવા અનેક ક્ષેત્રોમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આજીવન યોગદાનની પ્રશંસા કરી હતી. આ ઉજવણીમાં ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, સુપરસ્ટાર રજનીકાંત, શિપિંગ અને જલમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદાર, નાગાલેન્ડના રાજ્યપાલ શ્રીનંદ કિશોર યાદવ, હીરાનંદાની ગ્રુપના ચેરમેન નિરંજન હીરાનંદાની, ફિલ્મ નિર્માતા આનંદ એલ. રાય, સુનેત્રા પવાર, ફેશન ડિઝાઇનર સુકેત ધીર, સંગીતકાર તનિષ્ક બાગચી, ગાયિકા પલક મુચ્છલ અને મિથુન, પ્રસિદ્ધ સિતારવાદક ઋષભ રીખીરામ શર્મા તેમજ ફિલ્મ જગતના આમિર ખાન, શ્રીમતી શિલ્પા શેટ્ટી, કાર્તિક આર્યન, અલ્લુ અર્જુન, મોહન બાબુ, અર્જુન રામપાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે વિશ્વભરમાં યોજાયેલા આ કાર્યક્રમોએ સેવા, સાધના અને સત્સંગ દ્વારા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોડવાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો છે.
Read Original Article →