વડોદરા સંકટ મોચન હનુમાનજી મંદિરે મહાપ્રસાદીનો ભંડારો યોજાયો:8000થી વધુ ભક્તોએ લાભ લીધો, રામ સેવા કેન્દ્રનો સહયોગ
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદીનો ભવ્ય ભંડારો યોજાયો હતો. આ કાર્યક્રમમાં 8000થી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી રામ સેવા કેન્દ્ર અને વાડીના વિવિધ મંડળોના સહયોગથી આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. સાંજે યોજાયેલી શ્રી હનુમાનજીની આરતી દરમિયાન ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો અને સમગ્ર સ્થળ "જય હનુમાન"ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વધતી ભીડ છતાં સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પડ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રામ સેવા કેન્દ્રના દત્તાત્રેય આહિર અને વિક્રમભાઈનું માર્ગદર્શન મળ્યું હતું, તેમજ સહયોગી મંડળોના સેવકોની સેવા ભાવના પ્રશંસનીય રહી. વડોદરા શહેરના વાડી રંગમહલ ગેટ પાસે આવેલું આ સંકટમોચન હનુમાનજી મંદિર વિશેષ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આશરે 70 વર્ષ પહેલાં, હોળી પ્રગટાવવા માટે જમીન ખોદકામ દરમિયાન હનુમાનદાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ મૂર્તિની વિધિવત પ્રતિષ્ઠા કરીને મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું અને તેને "સંકટમોચન હનુમાનજી" નામ અપાયું. સમય જતાં મંદિર જીર્ણ થતાં, ઈસવીસન ૨૦૦૦માં તેનું પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવ્યું. પ્રારંભિક પૂજારી લાલાભાઈ મહંત હતા, અને હાલ રામદાસભાઈ મહંત તથા તેમનો પરિવાર મંદિરની સેવા સંભાળી રહ્યા છે. મંદિર પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. એક હરિભક્ત પ્રદીપસિંહ ગીલ પોતાનો અનુભવ જણાવે છે કે તેઓ રોજ નોકરીએ જતાં પહેલાં દાદાના દર્શન કરીને જ નીકળે છે. તેમના કહેવા મુજબ, તેઓ અપડાઉન કરતા હોવા છતાં ક્યારેય ટ્રેન મોડું પડતું નથી અને તેઓ પણ ક્યારેય મોડા પહોંચ્યા નથી. તેઓ આ બધું દાદાના આશીર્વાદનું પરિણામ માને છે. અહીંના સ્થાનિક લોકો માટે દાદા માત્ર દેવ નથી, પરંતુ જીવનનો આશરો છે. દિવસની શરૂઆત દાદાના દર્શનથી કરવાની પરંપરા છે. કોઈપણ કાર્ય માટે બહાર જવું હોય, જેમ કે નોકરીએ કે પરિવાર સાથે બહારગામ, લોકો દાદાના દર્શન કર્યા વિના જતા નથી. તેઓ પહેલા અહીં આવીને પ્રાર્થના કરે છે અને પછી જ પોતાના કામ માટે નીકળે છે.અહીં ભક્તોમાં એવી ગાઢ શ્રદ્ધા છે કે સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી સંકલ્પો પૂર્ણ થાય છે અને ભક્તોના દુઃખ દૂર થાય છે. તેથી જ રોજ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે અને પોતાની આસ્થા વ્યક્ત કરે છે.
Read Original Article →