સમા કેનાલથી છાણી જતો રસ્તો 20 દિવસ વાહનો માટે પ્રતિબંધ:ચોમાસાની એન્ટ્રી પહેલા વડોદરા મનપાએ પાણીની લાઇનનું કામ શરૂ કર્યું, વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ વાપરવો પડશે
ચોમાસાની ઋતુ નજીક હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા હજી પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ ચાલુ રાખવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાના દાવાઓ વચ્ચે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આજથી સમા-સાવલી રોડ પર નર્મદા કેનાલ પાસે નવી પાણીની લાઈન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ ટેકનિકલ કામગીરીના કારણે આગામી 20 દિવસ સુધી સમા કેનાલથી છાણી તરફ જતો મુખ્ય રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. સ્પેશિયલ વાલ્વ બેસાડવાની ટેકનિકલ કામગીરી
મળતી માહિતી મુજબ, સમા-સાવલી રોડ પર આવેલી નર્મદા કેનાલ પાસે અબેક્સ સર્કલના રસ્તે છાણી તરફ પાણીની નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેનાલની નીચેથી પસાર થતી મહીસાગર ખાતેની હાલની મુખ્ય લાઇન સાથે નવી લાઇનની બંને બાજુના જોડાણો કરીને ત્યાં સ્પેશિયલ વાલ્વ બેસાડવાના છે. રોડ ક્રોસિંગ કરીને આ જોડાણ કરવાનું હોવાથી રસ્તો બંધ કરવો અનિવાર્ય બન્યો છે. ભારે મશીનરી અને વિશાળ પાઈપોની હેરફેર દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી ટ્રાફિક પોલીસની મંજૂરી મેળવીને આ આખો રૂટ બ્લોક કરવામાં આવ્યો છે. આ રૂટ પર રહેશે પ્રતિબંધ
સમા કેનાલથી અપેક્ષા સર્કલ તરફ જતા રસ્તે ફૂડ ઝોન પાસેથી છાણી તરફ જતો રસ્તો 20 દિવસ સુધી (અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી) વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ
પૃથ્વી સર્કલથી ખોડીયાર નગર થઈને સમા-સાવલી રોડ અથવા દુમાડ ચોકડી તરફ અવરજવર કરી શકશે. તંત્રની નાગરિકોને અપીલ
પાલિકાના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આજુબાજુના રહીશો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરે, યોગ્ય સુરક્ષા અંતર જાળવી રાખે અને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને તંત્રની કામગીરીમાં સહકાર આપે.
Read Original Article →