પરિવાર ઊંઘતો રહ્યો ને ચોર કળા કરી ગયા:સમા વિસ્તારના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.76 લાખ મતાની ચોરી કરીને ફરાર
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઉપરના માળ પર પરિવારના સભ્યો ઊંઘતા હતા. તે દરમિયાન મોડી રાત્રીના મકાનનો દરવાજો તોડી ગ્રાઉન્ડ ફોરના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.76 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ મામલે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામા આવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. પરિવાર ઊંઘતો રહ્યો ને ચોર કળા કરી ગયા
શહેરના સમા વિસ્તારમાં રહેતા રાજેશકુમાર ડાયાભાઈ પરમારે સમા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે ન્યુ સમા રોડ ખાતે જય યોગેશ્વર સોસાયટી જલારામ મંદિર પાસે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 7 એપ્રિલની રાત્રે તેઓ નોકરી પરથી ઘરે પરત આવ્યા બાદ પરિવારજનો સાથે સુઈ ગયા હતા. તેમના પિતા ડાયાભાઈ પરમાર અને પુત્ર વિહાન બીજા માળે તથા પત્ની રૂપાલી ત્રીજા માળે સુતા હતા. ઘરનો મુખ્ય દરવાજો તોડેલી હાલતમાં ને સામાન વેરવિખેર
દરમ્યાન વહેલી સવારે આશરે 6 વાગ્યે પિતા અને પુત્ર નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા જ સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. લોખંડની તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં રહેલો સામાન પણ ઉથલપાથલ હાલતમાં હતો. ત્યારબાદ પરિવારજનોને જાણ કરતાં તમામે મળી તપાસ કરતા તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. 1.76 લાખની મત્તાની ચોરી કરીને ફરાર
આ ઘટનામાં અજાણ્યા ચોર ઇસમો સોનાની ચેઈન, કાન-નાકની ચુન્ની, પેન્ડલ, વીંટી, બુટ્ટી તેમજ ચાંદીની પાયલ ઉપરાંત અંદાજે રૂ.1 લાખથી વધુ રોકડ રકમ સહિત રૂપિયા 1.76 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં નોધવામાં આવ્યું છે. આ મામલે સમા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →