વડોદરામાં 22 મેના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:ભરતી મેળામાં ધો. 10, 12, ITI અને ગ્રેજ્યુએટ ઉમેદવારોના 125 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાશે, વિદેશ રોજગાર અંગે માર્ગદર્શન અપાશે
વડોદરા શહેરના મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી દ્વારા તા.22 મેના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 10 કલાકે મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, પહેલો માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. આ ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ), તેમજ ગ્રેજ્યુએટ (બી.એ., બી.કોમ.) લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. વડોદરાની 5થી વધુ કંપનીઓ અને નોકરીદાતાઓ ભરતી મેળામાં હાજરી આપશે. ભરતી મેળામાં ફીટર, વેલ્ડર, ડીઝલ મેકેનિક, પેન્ટર, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, રિલેશનશિપ ઓફિસર, એપ્રેન્ટિસ અને ટ્રેઇની સહિતની 125થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોને વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજના, સ્વરોજગાર, કરિયર ગાઈડન્સ અને કાઉન્સેલિંગ, પીએમ ઈન્ટર્નશીપ યોજના, પીએમ વીબીઆરવાય યોજના તથા એપ્રેન્ટિસશિપ યોજના અંગે માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. જે ઉમેદવારો ઓનલાઈન રોજગાર શોધવા અને અરજી કરવા ઈચ્છતા હોય તેમના માટે અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
ભરતી મેળા તથા કરિયર ગાઈડન્સમાં રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા/રેઝ્યૂમની 3 કોપી સાથે સ્વખર્ચે નિર્ધારિત સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવા જણાવાયું છે. મદદનીશ રોજગાર નિયામક, વડોદરાએ જાહેર કરેલી યાદીમાં જણાવ્યા મુજબ ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર અથવા નોકરીદાતા પાસેથી કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ લેવામાં આવશે નહીં.
Read Original Article →