16 દિવસ માટે શહેરના આ રસ્તાઓ બંધ રહેશે:વડોદરામાં વરસાદી લાઇન કામગીરીને કારણે વડોદરા શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું, જાણો શું છે ડાયવર્ઝન અને વૈકલ્પિક વ્યવસ્થા
વડોદરાના ગોલ્ડન બ્રિજ જંકશન પર વરસાદી લાઇન કામગીરીને કારણે વડોદરા શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેને લઈને કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વાહનોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાની ડેનેજ-વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર શહેરના વિવિધ જંકશનો પર વરસાદી ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજવા, વાઘોડીયા, કપુરાઈ અને તરસાલી જંકશન પર કામ પૂર્ણ થયા બાદ હવે બાકી રહેલા ગોલ્ડન બ્રિજ જંકશન પર પ્રી-કાસ્ટ બોક્સ (3.0 મી. x 3.0 મી.) દ્વારા નવી વરસાદી લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન ગોલ્ડન બ્રિજથી શહેર તરફ અવરજવર કરતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોને ઓછામાં ઓછી અગવડતા થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલુ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી તા. 10 એપ્રિલ, 2026 થી તા. 25 એપ્રિલ, 2026 સુધી (અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી) ટ્રાફિક નિયંત્રણ અંગે આ જાહેરનામું અમલમાં રહેશે.
Read Original Article →