રેલવે સ્ટેશનની બહાર ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યાં:લોકોએ કહ્યું ઊલટી થઈ જાય એટલી દુર્ગંધ આવે છે, મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે રોષ

Gujarat5/21/2026, 12:56:01 PM
રેલવે સ્ટેશનની બહાર ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યાં:લોકોએ કહ્યું ઊલટી થઈ જાય એટલી દુર્ગંધ આવે છે, મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે રોષ
વડોદરા સ્માર્ટ સિટીના હૃદય સમાન રેલવે સ્ટેશનની બહાર મુખ્ય રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સામે આવતા તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. આ અત્યંત વ્યસ્ત અને ધમધમતા રેલવે સ્ટેશન પરથી રોજિંદા હજારોની સંખ્યામાં મુસાફરો અને સ્થાનિક નાગરિકો અવરજવર કરે છે, જેમને હાલ નરકાગાર જેવી દયનીય સ્થિતિમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. લોકોને મોઢા ઉપર રૂમાલ મૂકીને જવું પડે તેવી સ્થિતિ સ્ટેશનની બહાર ગટરના દુર્ગંધ મારતા પાણી એટલી હદે ફરી વળ્યા છે કે મુસાફરોને પોતાના કિંમતી સામાન સાથે ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઝડપથી પસાર થતા વાહનોના વ્હીલમાંથી ઉડતા ગંદા પાણીના કારણે ચાલીને જતા અનેક મુસાફરોના કપડા પણ બગડ્યા હોવાના કિસ્સા રોજિંદા બની ગયા છે. જેને કારણે લોકો તંત્ર પર ફિટકાર વરસાાવી રહ્યા છે. એટલું જ નહીં લોકોએ મોં ઉપર રૂમાલ મૂકીને પસાર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બે મિનિટ ઉભા રહો તો ઉલ્ટી આવી જાય લોકોએ જણાવ્યું હતું કે, સ્ટેશન પરિસરની બહાર નીકળતા જ જનમહેલ પાસે એટલી અસહ્ય અને તીવ્ર દુર્ગંધ આવી રહી છે કે ત્યાં બે મિનિટ ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. અતિશય ગંદકી અને વાસના કારણે લોકોને ઉપકા અને ઉલટી જેવી સ્થિતિ થઈ રહી છે, ત્યારે તંત્રએ આ ગંભીર બાબતનો વહેલી તકે કાયમી નિકાલ કરવો જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અતિશય ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ પણ પરેશાન સ્થાનિક વેપારીઓ અને મુસાફરોએ એવી ભીતિ અને આશંકા વ્યક્ત કરી છે કે જો ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક કરવામાં નહીં આવે, તો આસપાસના વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળી શકે છે. સંબંધિત કોર્પોરેશન તંત્ર હજી સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરો માંગ કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજે અને ગટર લાઇનનું કાયમી સમારકામ કરાવી આ નરક જેવી સ્થિતિમાંથી જનતાને મુક્તિ અપાવે.
Read Original Article →