ડ્રગ્સ કેસનો આરોપી કેરાલા પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટ્યો:વડોદરા રેલવે સ્ટેશન પર બાથરૂમ જવાના બહાને પોલીસ પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી ફરાર, પોલીસ તપાસ માટે દિલ્હી લઈને જતી હતી
ડ્રગ્સના આરોપીને તપાસ માટે દિલ્હી લઈ જતી કેરળ પોલીસના જાપ્તામાંથી આરોપી મોહમ્મદ હનીફા અબુબકર ભાગી ગયો હતો. જેને લઈને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી બાથરૂમ જવાના બહાને પોલીસ પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. કેરાલાના મુક્કમ પોલીસ સ્ટેશનમાં પીઆઇ ક્રીશ્ચને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 22 મેના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ઝડપાયેલા આરોપી મોહમ્મદ હનીફા અબુબકર (ઉ.વ. 36, રહે. કોઝીકોડ, કેરાલા)ને તપાસ અર્થે હજરત નિઝામુદ્દીન લઈ જવા માટે કોઝીકોડ રેલવે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તા.23 મેના રોજ રાત્રિના 12.30 વાગ્યાના અરસામાં ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3 ઉપર ઉભી હતી ત્યારે આરોપી મોહમ્મદ હનીફાને વોશરૂમ જવું હોવાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ બીનોય અને અનીશ તેને સાથે લઈ ગયા હતા. વોશરૂમથી પરત ફરી આરોપી વોશબેસિન પાસે હાથ ધોઈ રહ્યો હતો, ત્યારે તેણે અચાનક બંને પોલીસ કર્મચારીઓને છાતીના ભાગે જોરદાર ધક્કો માર્યો હતો. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બીનોય નીચે પડી ગયા હતા અને આરોપી તકનો લાભ લઈ કોચ નં. બી/4 તરફ દોડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનીશ આરોપીની પાછળ દોડ્યા હતા, જ્યારે બીનોયે પરત આવી અન્ય સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આરોપી મળી આવ્યો નહોતો. આ અંગે ટ્રેનના ટી.ટી.ઈ. તેમજ આર.પી.એફ. સ્ટાફને પણ જાણ કરવામાં આવી હતી. ટ્રેન રતલામ રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પણ આરોપીની શોધખોળ કરવામાં આવી હતી, છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો. પોલીસ ટીમના એ.એસ.આઈ. જયરાજન, પ્રસુન્ન અને રથીશ આરોપીની વધુ શોધખોળ માટે ટ્રેનમાં જ હજરત નિઝામુદ્દીન તરફ રવાના થયા હતા, જ્યારે પીઆઇ ક્રીશ્ચન, બીનોય અને અનીશ વડોદરા ખાતે તપાસ માટે રોકાયા હતા. તેમણે વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા, પરંતુ આરોપી અંગે કોઈ ફળદાયક માહિતી મળી આવી નહોતી. આ ઘટનામાં આરોપી દ્વારા ધક્કો મારતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બીનોય અને અનીશને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓએ વડોદરા રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →