પ્રોવિઝનલ સ્ટોરમાં આગ લાગી કે લગાવી?:મંગલેશ્વર ઝાંપા નજીક પ્રોવિઝન સ્ટોર ભડકે બળ્યો, આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિકે આશંકા વ્યક્ત કરી
વડોદરાના ફતેપુરા મંગલેશ્વર ઝાંપા નજીક દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આજે 9 એપ્રિલે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ તો થઈ નથી પરંતુ દુકાનદારને મોટું નુકસાન થયું છે. આ આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિક દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દુકાનમાં આગ લાગ્યાનો માલિકને ફોન આવ્યો
શહેરના સંગમ ચાર રસ્તા નજીક સ્વાદ કોટર્સમાં રહેતા અનિલ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ઝાંપા નજીક છેલ્લા 20 વર્ષથી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. વિસ્તારમાં રહેતા એક યુવકે વહેલી સવારે આશરે ચારથી સાડા ચાર વાગ્યાના અરસામાં તેમને ટેલિફોનિક માહિતી આપી હતી કે, તેમની દુકાનમાં આગ લાગી છે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ પહેલા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. MGVCLની ટીમે વીજ પુરવઠો બંધ કર્યો હતો
ઘટનાની જાણ થતા જે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ MGVCLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આસપાસના લોકો પણ વહેલી સવારે આગ લાગતા દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 'બે વખત તાળા તૂટ્યા છે, આગ લગાવવામાં આવી'
દુકાનના માલિક અનિલભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ આ દુકાનમાં બે વખત તાળા તૂટેલા છે અને ચોરી થઈ છે. આ આગ લાગી નથી લગાડવામાં આવી છે. અમને અહીંથી હટાવવાની વાત છે. મારા પ્રોવિઝન સ્ટોરમાં સામાન તેમજ કોર્પોરેશનમાં સફાઈ કામદારો જે ઝાડુનો ઉપયોગ કરે છે, તેનો પણ મોટી માત્રામાં જથ્થો મૂકી રાખેલો હતો. તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આશરે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
Read Original Article →