'અમારે ટેન્કર મારફતે પાણી નથી જોઈતું':પાણીગેટના એખલાસ મહોલ્લામાં પાણી મુદ્દે કકળાટ, સ્થાનિકે કહ્યું, 'પાકિસ્તાનથી આવીને રહેતા હોય તેમ બાકાત રખાય છે'

Gujarat5/15/2026, 11:05:32 AM
'અમારે ટેન્કર મારફતે પાણી નથી જોઈતું':પાણીગેટના એખલાસ મહોલ્લામાં પાણી મુદ્દે કકળાટ, સ્થાનિકે કહ્યું, 'પાકિસ્તાનથી આવીને રહેતા હોય તેમ બાકાત રખાય છે'
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એખલાસ મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે મોટી સંખ્યામાં મહિલાઓએ પાણીગેટ સ્થિત પાણીની ટાંકી ખાતે એકત્રિત થઈ હતી અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 'અમારે ટેન્કર મારફતે પાણી નથી જોઈતું' એખલાસ મહોલ્લાની મહિલાઓ દ્વારા પાણીની ટાંકી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તેમને ટેન્કર દ્વારા મોકલવામાં આવતું પાણી મંજૂર નથી, કારણ કે તેનાથી ઘરની પાયાની જરૂરિયાતો સંતોષાતી નથી. તેમની સ્પષ્ટ માંગ છે કે કોર્પોરેશન નળમાં પૂરતા દબાણથી પાણી પૂરું પાડવામાં આવે. અમારે કલાકો સુધી પાણી નથી જોઈતું, માત્ર એક કલાક પાણી આપો પણ એવું આપો કે દરેકના ઘરે પૂરતું ભરાઈ જાય, તેવી રજૂઆત મહિલાઓએ કરી હતી. 'મુસ્લિમ વિસ્તાર છે એટલે આવું વર્તન થાય છે?' આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. મહિલાઓએ વેદના ઠાલવતા કહ્યું હતું કે, અમારો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો હોવાથી શું અમારી સાથે આવું ઓરમાયું વર્તન કરવામાં આવે છે? રજૂઆત દરમિયાન લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તંત્ર તેમની સાથે એવું વર્તન કરી રહ્યું છે જાણે તેઓ પાકિસ્તાનથી આવ્યા હોય. પાયાની સુવિધા માટે પણ જ્યારે ધર્મના આધારે ભેદભાવનો અનુભવ થાય ત્યારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. 'ભાજપને ખોબે ખોબે મત આપ્યા પણ સુવિધા નથી' રહીશોએ જણાવ્યું હતું કે, તાજેતરની ચૂંટણીમાં અમે ખોબે ખોબે મત આપીને કોર્પોરેટરોને ચૂંટી લાવ્યા છે. પણ અમારું કોઈ સાંભળવાવાળું જ નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર જીવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા અંતે મહિલાઓને રસ્તા પર ઉતરીને ટાંકી પર હલ્લાબોલ કરવાની ફરજ પડી હતી. ત્યારે રહીશોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
Read Original Article →