NEET પરીક્ષા રદને લઈ NSUIનો વિરોધ:કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપ્યું, 'લાખો વિધાર્થીઓના સપનાઓ પર આ સરકારે પાણી ફેરવ્યું'
ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષાનું ગત 3 મે ના લેવાયેલુ પેપર લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા રદ કરી છે. ત્યારે આજે વડોદરામાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા કલેકટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. 'વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે'
આ અંગે NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, ગત 3 મેના રોજ દેશભરમાં લાખો વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવાના સપના સાથે NEETની પરીક્ષા આપી હતી. પરંતુ, આ પરીક્ષાના પેપર લીકની ઘટનાઓએ વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. સત્તા પર બેઠેલી સરકાર અને NTAની મિલીભગતને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ‘પેપર માફિયા’ વિરુદ્ધ દાખલારૂપ કડક કાર્યવાહીની માગ
અમર વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી પેપર લીકની ઘટનાઓમાં સામેલ રહેલી ભ્રષ્ટ એજન્સી NTAને તાત્કાલિક અસરથી બેન કરવામાં આવે. સાથે પેપર લીક કરનાર કૌભાંડીઓ અને 'પેપર માફિયા'ઓ વિરુદ્ધ દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારીને દેશના લાખો વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ તેવી પણ માગ કરી હતી. જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
Read Original Article →