વડોદરામાં અમેરિકન નાગરિક પાસેથી પોલીસે ₹22,000નો તોડ કર્યો:NRI પાસે દારૂની પરમિટ છતાં ફતેગંજ પોલીસે 1 લાખની લાંચ માંગી, CPને અરજી કરી તપાસની માંગ
વડોદરાના ન્યૂ સમા વિસ્તારમાં રહેતા NRI પાસે દારૂની પરમિટ હોવા છતાં ફતેગંજ પોલીસ સ્ટાફ અને બે હોમગાર્ડ જવાન દ્વારા રૂપિયા 22 હજારનો તોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિઝામપુરા વિસ્તારમાં કારની તપાસ દરમિયાન દારૂની બોટલ મળતા NRIને પોલીસ સ્ટેશન લઈ જઈ રૂપિયા 1 લાખની માંગ કરી હતી. બાદમાં મધ્યસ્થી મારફતે રોકડ રકમ અને દારૂની બોટલ લઈ લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા છે. આ સમગ્ર મામલે ઘટનાના CCTV ફૂટેજ ચેક કરી ન્યાય અપાવવાની માંગ સાથે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. બે હોમગાર્ડ જવાનોએ કારનું ચેકિંગ કરવા મને નીચે ઉતાર્યો
NRI મિતેશ પટેલે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, હું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો નાગરિક છું અને હાલમાં હું મારા વતન વડોદરામાં છું. ન્યૂ સમા ખાતે રહું છું. મારી પાસે માન્ય દારુ પરમિટ પણ છે. સાહેબ, આજે વહેલી સવારે લગભગ 2 વાગ્યે, હું નિઝામપુરામાં મારા મિત્રના ઘરે ગયો હતો. મેં મારી કાર રસ્તાની સાઇડમાં પાર્ક કરી હતી અને તેમની રાહ જોતો હતો. હોમગાર્ડના બે જવાન મારી પાસે આવ્યા હતા અને મને નીચે ઉતારીને દરવાજો ખુલ્લો રાખીને મારી કાર તપાસવા કહ્યું હતું. મેં તેમની સૂચનાઓનું પાલન કર્યું અને તે સમયે મારી પાસે દારૂની એક બોટલ હતી. હું કારમાં દારુ પીતો નહોતો છતાં 1 લાખની લાંચ માંગી હતી
મારી કારમાંથી એક બોટલ મળતા તેઓએ મને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને સિનિયર સ્ટાફ સુરેશને પણ ફોન કર્યો હતો. તેઓ મને ફતેગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. હું કારમાં બિલકુલ દારુ પીતો નહોતો છતાં તેમણે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. મેં તેમને વારંવાર કહ્યું હતું કે, મારી પાસે માન્ય દારૂ પરમિટ છે. આ પછી તેમણે હસમુખ નામના એક સ્થાનિક વ્યક્તિને ફોન કર્યો હતો. જે નિઝામપુરા બસ ડેપોના સંકુલમાં દુકાન ધરાવે છે. તેજ બિલ્ડિંગ જ્યાં EEC આવેલી છે. હસમુખ એ સુરેશ તરફથી મધ્યસ્થી હતા. હસમુખે દુકાન પર બોલાવી 22 હજાર અને દારૂની બોટલ પડાવી
ધમકીઓ પછી હસમુખે મને નિઝામપુરા બસ ડેપો ખાતેની તેમની દુકાન પર આવવા કહ્યું હતું અને 22 હાજર રૂપિયા અને મારી કારમાં રહેલી દારૂની બોટલ પણ લઈ લીધી હતી. જ્યારે મેં મારી દારૂની બોટલ પાછી માંગી, ત્યારે તેઓએ અડધાથી વધુ બોટલ ખાલી કરી અને મને પાછી આપી. આ આખી ઘટનાએ મને માનસિક આઘાતમાં મૂકી દીધો છે, જોકે મારી પાસે બધા માન્ય અને કાયદેસર દસ્તાવેજો છે અને દારૂ પીવાના તેમના તમામ સૂચનો અને કાયદાકીય નિયમોનું પણ પાલન કર્યું છે. સાહેબ, હું તમને વિનંતી કરું છું કે ફતેગંજ પોલીસ સ્ટેશન અને નિઝામપુરા બસ ડેપોના રાત્રે 2 થી 3.30 વાગ્યા સુધીના બધા CCTV ફૂટેજ તપાસો. સાહેબ, હું તમને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું કે કૃપા કરીને આ બાબતની તપાસ કરો અને મને યોગ્ય ન્યાય આપો.
Read Original Article →