જમીન મુદ્દે NRI અને વકીલ સામેસામે આવ્યા:જમીન NA કરવાના નામે NRI સાથે 94 લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ, વકીલે કહ્યું: નક્કી કરેલી ફી લીધી, અમારી માનહાની કરી, કાર્યવાહી કરીશ
અમેરિકામાં સ્થાયી અને મૂળ નવસારીના રહેવાસી NRI રાકેશ નાયકે નર્મદા પરિક્રમા યાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન, નિવાસ, ગૌશાળા, શિવ મંદિર અને વૃદ્ધાશ્રમ બનાવવા માટે કરજણ તાલુકામાં જમીન ખરીદવાનો નકકી કર્યુ હતુ. પરંતુ વડોદરાના એડવોકેટ અભિષેક દિક્ષિત અને મનીષ દિક્ષિત દ્વારા રૂ. 94 લાખથી વધુની ઉચાપત અને જીવલેણ ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પોલીસ દ્વારા FIR ન નોંધાતા મામલો હવે રાજ્ય અને કેન્દ્રીય સ્તર સુધી લેખિત રજૂઆત કરી છે. તો સામે પક્ષે વકીલે કહ્યું હતું કે, અમે તમામ પ્રોસેસ પૂરી કરી છે અને નક્કી કરેલી ફી લીધી છે, એમને અમારી માનહાની કરી છે, તેમની સામે કાર્યવાહી કરીશ. અમેરિકા સ્થિત NRI રાકેશ અરવિંદભાઈ નાઈક હાલ વડોદરાના ભાયલી વિસ્તારમાં રહે છે. તેમણે નિત્યાનંદ સેવા સંસ્થા નામે ધાર્મિક અને સેવાકીય પ્રકલ્પ શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રકલ્પ હેઠળ નર્મદા પરિક્રમા યાત્રીઓ માટે નિઃશુલ્ક અન્નક્ષેત્ર, નિવાસ, ગૌશાળા, શિવ મંદિર તથા વૃદ્ધાશ્રમ બનાવવાનું આયોજન હતું.
આ માટે તેમણે કરજણ તાલુકાના કોઠીયા ગામે જમીનો ખરીદવા તથા NA કન્વર્ઝનની પ્રક્રિયા માટે વડોદરાના અભિષેક દિક્ષિત અને મનીષ દિક્ષિતનો સંપર્ક કર્યો હતો. નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન રાકેશભાઈએ પોતાના SBI NRI ખાતામાંથી ચેક મારફતે કુલ રૂ.99.02 લાખ ચૂકવ્યા હતા. બાદમાં માત્ર રૂ. 5 લાખ પરત કરવામાં આવ્યા હતા. રાકેશ નાયકે વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ગુજરાત સરકાર, DGP, પોલીસ કમિશનર, કલેક્ટર, ACB અને માનવ અધિકાર પંચ સહિત 14 સત્તાધીશો સમક્ષ લેખિત રજૂઆત કરી છે. રાકેશભાઈનો આક્ષેપ છે કે, આરોપીઓએ NA કન્વર્ઝન માટે સરકારી પ્રીમિયમ કરતાં ઘણી વધુ રકમ વસૂલ કરી છે. જોકે બાદમાં કોઈ NA અરજી જ કરવામાં આવી નહોતી. TDS અને કેપિટલ ગેઈન ટેક્સના નામે રૂ.65 લાખથી વધુની રકમ વસૂલવામાં આવી હતી, પરંતુ તે આવકવેરા વિભાગમાં જમા કરાવવામાં આવી નહોતી. વકીલ અભિષેક દીક્ષિતે જણાવ્યું હતું કે, જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. જે નક્કી થયેલ હતું, એ જ પ્રમાણે તેમની પૂર્વ સંમતિ અને સંતુષ્ટિ બાદ જ તમામ ફીની રકમ નક્કી થઈ હતી અને એ જ પ્રમાણે ફીની રકમ લીધેલી છે. વળી, જે પ્રમાણે નક્કી થયું હતું તે પ્રમાણે તમામ કામગીરી અમારા દ્વારા સમય મર્યાદા પહેલાં જ કરી દેવામાં આવી છે. તેમનો માત્રને માત્ર એક જ ઉદ્દેશ્ય છે. મને અને મારા પરિવારને ખોટી રીતે બદનામ કરીને પૈસા મેળવવાનો છે. પૈસા પાછા મેળવવાનો રસ્તો છે. તેમણે અનેક પ્રકારે વોટ્સએપ મારફતે ધાક-ધમકી અને ખોટા આક્ષેપો કરી મને તથા મારા પરિવારને બદનામ કરવા માટે છેલ્લા 6 મહિનાથી અવિરત પ્રયાસ ચાલુ રાખ્યા છે. તેઓએ કહ્યું કે, મારા તરફથી તેમની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે, કારણ કે તેમણે મારી અને મારા પરિવારની માનહાનિ તથા માન-સન્માનને ઠેસ પહોંચાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. તેથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાકેશ નાયકની અરજીને દફતરે કરીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, 'પરસ્પર સમજૂતી અને સંમતિથી કરારો થયા છે, જેથી કોઈ ગુનો આચરેલ નથી.' અને જો કોઈ વાંધો હોય તો નામદાર સિવિલ કોર્ટ મારફતે દાદ મેળવવાની તાકીદ કરેલી છે.
Read Original Article →