વડોદરાને આગામી સપ્તાહમાં મેયર સહિતના પદાધિકારીઓ મળશે:એજન્ડા બહાર પાડ્યાના 3 દિવસ બાદ સભા મળશે, આ સામાન્ય સભામાં જ નામ જાહેર કરાશે

Gujarat5/14/2026, 6:14:20 AM
વડોદરાને આગામી સપ્તાહમાં મેયર સહિતના પદાધિકારીઓ મળશે:એજન્ડા બહાર પાડ્યાના 3 દિવસ બાદ સભા મળશે, આ સામાન્ય સભામાં જ નામ જાહેર કરાશે
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ પદાધિકારીઓની નિમણુંક વિલંબમાં પડી હતી. નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે આગામી સપ્તાહમાં વડોદરાના નવા પદાધિકારીઓના નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી થઇ જશે વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ માટેના નામોની ચર્ચા માટે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. બપોર સુધીમાં ચર્ચા વિચારણા બાદ નામો લગભગ નક્કી થઇ જશે. જો કે આ નામો આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. વડોદરા મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તેમજ અન્ય નગરપાલિકાઓના નામોની પણ આગામી ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. મહાનગરપાલિકાએ એજન્ડા તૈયાર કર્યો મહાનગરપાલિકાએ આગામી સપ્તાહમાં સામાન્ય સભા માટે એજન્ડા તૈયાર કરી દેવામાં આવ્યો છે. જે દરેક સભ્યોને મોકલવામાં આવશે. એજન્ડા રજુ થયાના પાંચમા દિવસે સભા યોજવામાં આવે છે. ત્યારે આજે અથવા આવતીકાલે એજન્ડા રજૂ થવાની શક્યતા છે એટલે કે આગામી સોમવાર અથવા મંગળવારે નામોની જાહેરાત થઇ શકે છે. જે દિવસે સભા હશે તે દિવસે નામો જાહેર કરાશે સેન્સ પ્રક્રિયા અને સંકલનની બેઠક બાદ ત્રણ ત્રણ નામો મોકલવામાં આવ્યા છે. જેના ઉપર પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી છે. તેમાંથી અથવા તો તેની બહારના નામો ઉપર પણ મહોર વાગી શકે છે. જે દિવસે સભાનું આયોજન કરવામાં આવશે તે દિવસે સવારે જ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક, અને શાસક પક્ષના નેતાના નામની જાહેરાત થશે અને ત્યાર બાદ પ્રથમ સામાન્ય સભા મળશે. જેમાં સર્વાનુમતે આ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રથમ ટર્મમાં અનુસૂચિત જાતિના મેયર મહાનગરપાલિકાની પ્રથમ ટર્મ માટે અનુસૂચિત જાતિના મેયર હશે. જેમાં ત્રણ નામોની ચર્ચા છે. આ ત્રણ નામોમાં સમીર વાઘેલા, ચેતન પરમાર અને અજય ડાભી ઉપરાંત એ મહિલાઓના નામો પણ ચર્ચામાં આવ્યા છે. જો કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બીજી ટર્મમાં મહિલા મેયર હોવાથી પ્રથમ ટર્મમાં પુરુષને મેયર બનાવશે. તો ડેપ્યુટી મેયર માટે વર્ષાબહેન વ્યાસ, નિધિ પટેલ, મીનાબા ચૌહાણના નામો ચર્ચામાં છે. સ્ટેન્ડિગ ચેરમેન માટે ગળાકાપ સ્પર્ધા મહાનગરપાલિકામાં મહત્વનું પદ સ્થાયી સમિતિના ચેરમેનનું ગણવામાં આવે છે ત્યારે આ પદ માટે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. સેન્સ પ્રક્રિયા ઉપરાંત હવે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયમાં પણ કોની લોબી ચાલે છે તેના ઉપર સૌની નજર છે. સ્થાયી સમિતિના ચેરમેન માટે રોજેરોજ નવા નવા નામો સામે આવી રહ્યા છે જો કે તે પૈકી અજિત દધીચ, નીતિન દોંગા, આદિત્ય પટેલ, ભાણજી પટેલ સહિતના નામોની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે આગામી સપ્તાહમાં આ તમામ ઉપરથી પડદો ઊંચકાઈ જશે.
Read Original Article →