28મીના જાહેર રજાના દિવસે વડોદરા મનપાની સામાન્ય સભા મળશે:મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી, પરિણામના એક મહિના બાદ નામ જાહેર થશે
વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત આગામી 28 મેના રોજ કરવામાં આવશે. આ દિવસે સરકારે બકરી ઇદની રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ સામાન્ય સભાના કારણે આ દિવસે કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ રહેશે. કોર્પોરેશનના સભા શાખાના કર્મચારીઓ રજાના દિવસે પણ ખડેપગે રહેશે. પરિણામના એક મહિના બાદ પદાધિકારીઓના નામ જાહેર થશે
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગત 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. તેના બરાબર એક મહિના બાદ કોર્પોરેશનના પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. મેયર પદ માટે ભારે રસાકસી જોવા મળી રહી છે. મેયર તરીકે સમીર વાઘેલા, ચેતન પરમાર, અને અજય ડાભીના નામ ચર્ચામાં છે. તો બે મહિલાઓના નામો અંગે પણ ચર્ચા ચાલી રહી છે. 'એજન્ડા મોકલી અપાયો છે એટલે સભા યોજાશે'
સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય સભા માટેનો એજન્ડા મોકલી આપવામાં આવ્યો છે અને 28 મેના રોજ સામાન્ય સભા યોજવામાં આવશે. આ સભામાં પ્રથમ મેયર, ડેપ્યુટી મેયરની નિમણૂક થશે ત્યાર બાદ સ્થાયી સમિતિના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવશે. આ પ્રક્રિયા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. સરકારે આ દિવસે બકરી ઇદની રજા જાહેર કરી છે પરંતુ સામાન્ય સભા યોજવામાં આવશે અને તેમાં સભા શાખાના કર્મચારીઓ જોડાશે. સભા પહેલા ભાજપ કાર્યાલય ખાતે મેન્ડેડ ખુલશે
વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળે તે પહેલા ભાજપ કાર્યાલય ખાતે તમામ પદાધિકારીઓના નામો જાહેર કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી આવેલા મેન્ડેડ ભાજપના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ખોલવામાં આવશે ત્યારબાદ તમામ કોર્પોરેટરો અને અગ્રીમ હરોળના પદાધિકારીઓ કોર્પોરેશન ખાતે સભા માટે પહોંચશે.
Read Original Article →