હર્ષ સંઘવી બાદ હવે વડોદરાના સાંસદે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો:ડો.હેમાંગ જોષીએ FOGA USAને પત્ર લખ્યો, પીએમ મોદીની અપીલને માન આપી પ્રવાસ રદ કર્યો

Gujarat5/13/2026, 10:40:34 AM
હર્ષ સંઘવી બાદ હવે વડોદરાના સાંસદે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો:ડો.હેમાંગ જોષીએ FOGA USAને પત્ર લખ્યો, પીએમ મોદીની અપીલને માન આપી પ્રવાસ રદ કર્યો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બાદ હવે વડોદરા લોકસભા બેઠકના સાંસદ ડો.હેમાંગ જોષીએ રાષ્ટ્રહિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા અમેરિકામાં આયોજિત 'યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન'માં હાજરી ન આપવાનું નક્કી કર્યું છે. ફેડરેશન ઓફ ગુજરાતી અસોસિએશન ઓફ યુએસએ (FOGA USA) દ્વારા ઓર્લેન્ડો, ફ્લોરિડા ખાતે 22થી 25 મે દરમિયાન આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કન્વેન્શનમાં સમગ્ર અમેરિકામાંથી 6થી 7 હજાર ગુજરાતીઓ એકત્રિત થવાના છે. વડોદરાના સાંસદે FOGA USAને પત્ર લખ્યો સાંસદ ડો.હેમાંગ જોષીએ FOGA USAને પત્ર લખીને જણાવ્યું છે કે, હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી અને તેના કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડાર તથા રાષ્ટ્રીય અર્થતંત્ર પર પડી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેના રોજ દેશવાસીઓને એક વિશેષ અપીલ કરી હતી. વડાપ્રધાને તમામ ભારતીયો, ખાસ કરીને જનપ્રતિનિધિઓને આ મુશ્કેલ સમયમાં બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને રાષ્ટ્ર સાથે એકજૂથ રહેવા વિનંતી કરી છે. સાંસદ તરીકે PMની અપીલનું પાલન કરવું નૈતિક ફરજ તેઓએ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, વડોદરાના લોકોએ તેમનામાં જે વિશ્વાસ મૂક્યો છે અને એક સાંસદ તરીકે તેમની જે જવાબદારી છે, તેને જોતા વડાપ્રધાનની આ અપીલનું પાલન કરવું એ તેમની નૈતિક ફરજ છે. નાગરિકો માટે એક ઉદાહરણ પૂરું પાડવા માટે તેમણે આ વર્ષે આ પ્રતિષ્ઠિત સંમેલનમાં ન જવાનો નિર્ણય લીધો છે. 2026ના દ્વિતીય સંમેલનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી જો કે, તેમણે આ કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી છે અને અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાય પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યું છે. તેમણે વિશ્વાસ આપ્યો છે કે તેઓ આવતા વર્ષે ત્રીજા યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શનમાં ચોક્કસથી ભાગ લેવાનો પ્રયત્ન કરશે. અંતમાં તેમણે 2026ના આ દ્વિતીય સંમેલનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →