ઘરેથી રૂ.55 હજાર લઈને નીકળેલો 16 વર્ષીય સગીર ગુમ:મિત્રને કહ્યું બોમ્બે કપડા લેવા જાઉં છું”, છાયાપુરી સ્ટેશન સુધી મુકી જાને, ગુમ સગીરની પોલીસે શોધખોળ શરૂ કરી

Gujarat5/12/2026, 6:33:00 PM
ઘરેથી રૂ.55 હજાર લઈને નીકળેલો 16 વર્ષીય સગીર ગુમ:મિત્રને કહ્યું બોમ્બે કપડા લેવા જાઉં છું”, છાયાપુરી સ્ટેશન સુધી મુકી જાને, ગુમ સગીરની પોલીસે શોધખોળ શરૂ કરી
વડોદરામાં 16 વર્ષીય કિશોર ઘરેથી 55 હજાર રૂપિયા લઈને નીકળી ગયો હોવાનું બહાર આવ્યું છે. મામલે માતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કલ્યાણનગર નવીનગરી વિસ્તારમાં રહેતી મહિલા ખાનગી હોટેલમાં રસોઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પતિનું વર્ષ 2024માં અવસાન થયું હતું. 16 વર્ષીય પુત્ર મહેશ (નામ બદલ્યું છે) ધોરણ-9માં અભ્યાસ કરે છે. મહિલાના જણાવ્યા મુજબ તેમના દેવરને આપવા માટે રૂ.70 હજાર ઘરે તિજોરીમાં રાખ્યા હતા. તા.9 મેના રોજ તેઓ કામ પર ગયા હતા ત્યારે પુત્ર ઘરે એકલો હતો. રાત્રે ઘરે પરત ફરતા પુત્ર ઘરેથી ગુમ હતો અને તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. તપાસ કરતા તિજોરીમાં રહેલા રૂ.70 હજારમાંથી માત્ર રૂ.15 હજાર બચ્યા હતા, જ્યારે રૂ.55 હજાર ગાયબ હતા. દીકરાની શોધખોળ દરમિયાન મહિલા ગોવિંદનગર સ્થિત સાઈબાબા મંદિર પહોંચ્યા હતા. ત્યાં મહેશનો મિત્ર નિકુલ રાજપૂત મળ્યો હતો. નિકુલે જણાવ્યું હતું કે મહેશ સવારે મંદિર આવ્યો હતો અને તેની પાસે નાનું બેગ હતું. તેણે “બોમ્બે કપડા લેવા જાઉં છું અને એક અઠવાડિયામાં પરત આવી જઈશ” તેમ કહી છાયાપુરી રેલવે સ્ટેશન સુધી મુકવા વિનંતી કરી હતી. ત્યારબાદ નિકુલ તેને બાઈક પર સ્ટેશન સુધી મૂકી આવ્યો હતો. આ ઉપરાંત મહેશે મિત્ર પાસેથી જીઓ કંપનીનું નવું સીમકાર્ડ પણ લીધું હોવાનું સામે આવ્યું છે. જોકે તે નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનોએ સયાજીગંજ રેલવે સ્ટેશન, સેન્ટ્રલ ડેપો સહિત સગાસંબંધીઓ ત્યાં શોધખોળ કરી છતાં રોહનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે માતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →